CWG 2022: ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું, સ્મૃતિની અડધી સદી

IND W vs PAK W: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરી પાકિસ્તાનને આઠ વિકેટે પરાજય આપ્યો છે. ભારતની આ પ્રથમ જીત છે. મહત્વનું છે કે પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 
 

CWG 2022: ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું, સ્મૃતિની અડધી સદી

બર્મિંઘમઃ કોમનવેલ્થ ગેમ્સ-2022માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 8 વિકેટે કારમો પરાજય આપી પ્રથમ જીત મેળવી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરી પાકિસ્તાને ભારતને જીત માટે 100 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેને ટીમ ઈન્ડિયાએ 11.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી હાસિલ કરી લીધો છે. ટીમ ઈન્ડિયાની આ ધમાકેદાર જીતની નાયક રહી સ્મૃતિ મંધાના. પાકિસ્તાને આપેલા 100 રનના લક્ષ્યના જવાબમાં સ્મૃતિ મંધાનાએ અણનમ 63 રન બનાવ્યા હતા. તેણે 42 બોલની ઈનિંગમાં 8 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. વરસાદને કારણે આ મેચ 18-18 ઓવરની કરવામાં આવી હતી. જેમાં પાકિસ્તાનની ટીમ 99 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 
કોમનવેલ્થ ગેમ્સમાં બે મેચમાં ભારતની પહેલી જીત છે. ભારત હવે ગ્રુપ સ્ટેજમાં પોતાની છેલ્લી મેચમાં બાર્બાડોસ સામે ટકરાશે. 

સ્મૃતિ અને શેફાલીની આક્રમક શરૂઆત
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી હતી. શેફાલી વર્મા 16 રન બનાવી આઉટ થઈ હતી. તો એસ મેઘના 14 રન બનાવી આઉટ થઈ હતી. સ્મૃતિ મંધાનાએ અણનમ 63 અને જેમિમાહે અણનમ 2 રન બનાવ્યા હતા. 

પાકિસ્તાનની ઈનિંગ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમને શૂન્ય રન પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. જાવદ શૂન્ય રન બનાવી મેઘનાનો શિકાર બની હતી. પાકિસ્તાનની કેપ્ટન મારૂફ 17 રન બનાવી સ્નેહ રાણાની ઓવરમાં આઉટ થઈ હતી. ત્યારબાદ મુનેબા અલી 30 બોલમાં 32 રન બનાવી રાણાની ઓવરમાં આઉટ થઈ હતી. 

પાકિસ્તાનને 64 રન પર ચોથો ઝટકો લાગ્યો હતો. આયેશા નસીમ 10 રન બનાવી રેણુકાનો શિકાર બની હતી. અલિયા રિયાઝે 22 બોલમાં 18 રન બનાવ્યા હતા. તે રનઆઉટ થઈ હતી. ભારત તરફથી સ્નેહ રાણા અને રાધા યાદવે બે-બે વિકેટ લીધી હતી. આ સિવાય રેણુકા સિંહ, મેઘના સિંહ અને શેફાલી વર્માને એક-એક વિકેટ મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news