World Cup 2019: આ 6 મેદાનો પર ભારત રમશે 'રાઉન્ડ રોબિન' ના 9 મુકાબલા

વિશ્વ કપમાં ભારતીય ટીમ છ મેદાનો પર મેચ રમશે. તેમાંથી બર્મિંગમ અને એજબેસ્ટન ટીમ ઈન્ડિયાના ફેવરિટ ગ્રાઉન્ડ છે. 
 

World Cup 2019: આ 6 મેદાનો પર ભારત રમશે 'રાઉન્ડ રોબિન' ના  9 મુકાબલા

નવી દિલ્હીઃ વિશ્વ કપના પ્રબળ દાવેદારોમાં સામેલ ભારત બ્રિટનમાં 30 મેથી શરૂ થતાં ક્રિકેટના મહાકુંભના લીગ રાઉન્ડમાં નવ મેચ છ મેદાનો પર રમશે જેમાં બર્મિંગમ અને એજબેસ્ટન સામેલ છે જ્યાં તેનો રેકોર્ડ શાનદાર છે. ભારતે એજબેસ્ટનમાં અત્યાર સુધી દસ વનડે મેચ રમી છે, જેમાંથી સાતમાં તેને જીત અને ત્રણમાં હાર મળી છે. તેણે અહીં 2013થી સતત પાંચ મેચ જીતી છે જેમાં પાકિસ્તાન વિરુદ્ધ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2013 અને 2017માં આઠ વિકેટ અને 124 રનની બે મોટી જીત સામેલ છે. પરંતુ એજબેસ્ટનમાં ભારતનો મુકાબલો પોતાના ટક્કર હરિફ સામે નહીં પરંતુ યજમાન ઈંગ્લેન્ડ (30 જૂન) અને બાંગ્લાદેશ (2 જુલાઈ)એ હશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતે અહીં ચાર મેચ રમી છે જેમાંથી તેને ત્રણમાં જીત મળી છે. બાંગ્લાદેશને પણ ભઆરતે 2017માં આ મેદાન પર નવ વિકેટથી કારમો પરાજય આપ્યો હતો. 

ભારત પોતાના કટ્ટર વિરોધી પાકિસ્તાન સામે 16 જૂને ઓલ્ટ ટ્રૌફર્ડ, માનચેસ્ટરમાં રમશે જ્યાં તેણે 2007 બાદ કોઈ વનડે મેચ રમી નથી. આ મેદાન પર ભારતે આઠ મેચોમાંથી ત્રણમાં જીત અને પાંચ મેચોમાં પરાજયનો સામનો કર્યો છે. પરંતુ ભારતે વિશ્વ કપ 1999માં પાકિસ્તાનને આ મેદાન પર 47 રનથી પરાજય આપ્યો હતો. માનચેસ્ટરમાં ભારત 27 જૂને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટકરાશે. 

ભારતે 1983ના વિશ્વકપના લીગ રાઉન્ડમાં આ મેદાન પર કેરેબિયન ટીમને 34 રનથી હરાવીને સનસની ફેલાવી દીધી હતી પરંતુ ત્યારબાદ બંન્ને ટીમો ક્યારે આ મેદાન પર આમને-સામને થઈ નથી. વિરાટ કોહલીની ટીમ પોતાના અભિયાનની શરૂઆત પાંચ જૂનથી સાઉથ આફ્રિકા વિરુદ્ધ રોઝ બાઉલ, સાઉથમ્પટન પર કરશે જેમાં ભારતનો રેકોર્ડ ત્રણ મેચોમાં એક જીત અને બે હારનો છે. ભારતે આ મેદાન પર એકમાત્ર જીત 2004માં કેન્યા વિરુદ્ધ મેળવી હતી. 

સાઉથ આફ્રિકા સિવાય અફગાનિસ્તાન (22 જૂન) સામે પણ ભારત આ મેદાન પર ટકરાશે. ઓસ્ટ્રેલિયાના પડકારનો સામનો ભારતીય ટીમ નવ જૂને ઓવલમં કરશે. ભારત આ મેદાન પર સર્વાધિક 15 વનડે મેચ રમ્યું છે જેમાં તેને માત્ર પાંચમાં વિજય મળ્યો છે જ્યારે નવ મેચ ગુમાવી છે. એક મેચનું પરિણામ આવ્યું નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીં 1999 વિશ્વ કપ મેચ રમાયો હતો. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 77 રનથી પોતાના નામે કર્યો હતો. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ (13 જૂન) સામે ટ્રેન્ટબ્રિજ, નોટિંઘમમાં અને શ્રીલંકા (6 જુલાઈ) સામે હેંડિગ્લે, લીડ્સમાં રમશે. 

નોટિંઘમમાં ભારતીય ટીમો સાત મેચોમાંથી ત્રણમાં જીત અને આટલા મેચોમાં હારનો સામનો કર્યો છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતે વિશ્વ કપમાં ઈંગ્લેન્ડમાં જે ત્રણ મેચ રમી તેમાં પરાજય મળ્યો છે. તેમાં વિશ્વ કપ 1999માં આ મેદાન પર રમાયેલી મેચ પણ સામેલ છે. લીડ્સમાં ભારતીય ટીમ 10મો મેચ રમવા ઉતરશે. તેણે અત્યાર સુધી આ મેદાન પર નવમાંથી ત્રણ મેચમાં જીત મેળવી છે. ભારતે આ મેદાન પર છેલ્લે 2007માં જીત મેળવી હતી. ભારત અને શ્રીલંકા પ્રથમ વખત લીડ્સમાં આમને-સામને હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news