હોકી વર્લ્ડ કપઃ ટાઇટલ માટે ટકરાશે નેધરેલન્ડ અને બેલ્જીયમ
હોકી વર્લ્ડ કપ 2018ના પ્રથમ સેમી ફાઇનલમાં બેલ્જીયમે ઈંગ્લેન્ડને હરાવીને અને બીજા સેમી ફાઇનલમાં નેધરલેન્ડે 2 વખતની ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
Trending Photos
ભુવનેશ્વરઃ ઓસ્ટ્રેલિયાનું સતત ત્રીજા ટાઇટલ જીતવાનું સપનું તોડતા નેધરલેન્ડે સડન ડેથ શૂટઆઉટમાં બીજા નંબરની એક ટીમને 4-3થી હરાવીને હોકી વર્લ્ડ કપના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ ટાઇટલ માટે હવે તેનો સામનો આજે બેલ્જીયમ સામે થશે. ક્વાર્ટર ફાઇનલમાં યજમાન ભારતને હરાવનાર ડચ ટીમે કલિંગા સ્ટેડિયમ પર અંતિમ સેકન્ડ સુધી 2-1ની લીડ બનાવી રાખી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયાએ હૂટરથી 26 સેકન્ડ બાકી રહેતા બરાબરીનો ગોલ કરીને મેચ શૂટઆઉટ સુધી પહોંચાડ્યો હતો.
પરંતુ ડચ ટીમ શૂટઆઉટમાં પાછળ રહ્યાં બાદ મેચને બરાબરી પર લાવવામાં સફળ રહી અને સડન ડેથ શૂટઆઉટમાં આ મેચ તેના નામે કરી લીધો હતો. આ સાથે નેધરલેન્ડે ઓસ્ટ્રેલિયા સામે ગત વિશ્વકપના ફાઇનલમાં મળેલા પરાજયનો હિસાબ પણ ચુકતે કરી દીધો હતો. આ પહેલા વિશ્વની ત્રીજા નંબરની ટીમ બેલ્જીયમે પોતાની ખ્યાતી અનુરૂપ પ્રદર્શન કરતા ઈંગ્લેન્ડને 6-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
શૂટઆઉટમાં ઓસ્ટ્રેલિયા માટે ડેનિયલ બીલ, ટામ ક્રેગ અને જૈક વેટને ગોલ કર્યા જ્યારે એરન જાલેવસ્કી અને ટિમ બ્રાન્ડ નિશાન ચુકી ગયા હતા. તો નેધરલેન્ડ માટે જેરોન હર્ટ્સબર્ગર, સીવ વાન આસ અને વાન ડૈમ થિસે ગોલ કર્યો પરંતુ મિરકો પ્રૂજર અને રાબર્ટ કૈમ્પરમૈન ચુકી ગયા હતા. ત્યારબાદ સડન ડેથમાં જેરોન હર્ટ્સબર્ગરે વિજયી ગોલ કરીને નેધરલેન્ડને જીત અપાવી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાના ડેનિયલ બીલ નિશાન ચુકી ગયો હતો. આ પહેલા નિર્ધારિત સમયમાં નેધરલેન્ડ માટે ગ્લેન શૂરમૈન (9મી મિનિટ) અને સીવ વાન આસ (20મી મિનિટ) ફીલ્ડ ગોલ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયા માટે ટિમ હાવર્ડે 45મી મિનિટમાં પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો, જ્યારે અંતિમ મિનિટમાં એડી ઓંકેડેને શાનદાર ફીલ્ડ ગોલ કરતા મેચ શૂટઆઉટમાં પહોંચાડ્યો હતો. આ પહેલા સેમી ફાઇનલમાં બેલ્જીયમ માટે ટાન બૂન (8મી મિનિટ), સિમોન ગોગનાર્ડ (19મી), સૈડ્રિક ચાર્લિયેર (42મી), એલેક્જેન્ડર હેંડ્રિક્સ (45 અને 50મી) અને સેબેસ્ટિયન ડોકિયેર (53મી) મિનિટે ગોલ કર્યા હતા.
1986ની રનર્સઅપ અને છેલ્લા બે વિશ્વકપમાં સેમી ફાઇનલ સુધી પહોંચનારી ઈંગ્લેન્ડની ટીમ મેચમાં દબાવમાં જોવા મળી હતી. બેલ્જીયમે 8મી મિનિટે ગોલ કરીને લીડ મેળવી લીદી હતી. બીજા ક્વાર્ટરમાં સિમોન ગોગનાર્ડે પેનલ્ટી કોર્નર પર લીડ બેવડી કરી દીધી હતી. હાફ ટાઇમ સુદી બેલ્જિયમ 2-0થી આગળ હતું.
ત્રીજા ક્વાર્ટરમાં બેલ્જીયમે 2 ગોલ કરીને ઈંગ્લેન્ડની વાપસીનો માર્ગ બંધ કરી દીધો હતો. પહેલા સૈડ્રિક ચાર્લિયરે 42મી મિનિટમાં ફીલ્ડ ગોલ કર્યો અને આ ક્વાર્ટરની છેલ્લી મિનિટમાં એલેક્જેન્ડર હેંડ્રિક્સે પેનલ્ટી પર ગોલ કર્યો હતો. હેંડ્રિક્સે 50મી મિનિટમાં તેનો બીજો અને ટીમનો પાંચમો ગોલ કર્યો હતો. તો હૂટરથી 7 મિનિટ પહેલા સેબેસ્ટિયન ડોકિયેરે ગોલ કરીને બેલ્જીયમને મોટો વિજય અપાવ્યો હતો. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા હવે ત્રીજા સ્થાન માટે રવિવારે આમને-સામને હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે