હું હંમેશા આ પ્રકારની તકની શોધમાં હતોઃ વિજય શંકર

કેપ્ટનના વિશ્વાસને વિજય શંકરે યોગ્ય ઠેરવ્યો હતો અને ત્રણ બોલ પર જ બે વિકેટ ઝડપીને મેચ ભારતના ખાતામાં કરી દીધો હતો. 
 

હું હંમેશા આ પ્રકારની તકની શોધમાં હતોઃ વિજય શંકર

નાગપુરઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મંગળવારે રમાયેલી બીજી વનડે મેચમાં ભારતને આઠ રને રોમાંચક જીત અપાવનાર ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકરે કહ્યું કે, તે આ તકની શોધમાં હતો અને દબાવમાં સારૂ પ્રદર્શન કરવા ઈચ્છતો હતો. ભારતે વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા 4802 ઓવરમાં 250 રનનો સ્કોર બનાવ્યો અને પછી ઓસ્ટ્રેલિયાને 49.3 ઓવરમાં 242 રન પર રોકી દીધું હતું. ભારતે ઓસ્ટ્રેલિયાને 8 રનથી હરાવીને પાંચ વનડે મેચોની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. 

ઓસ્ટ્રેલિયાને અંતિમ છ બોલમાં જીત માટે 11 રન બનાવવાના હતા અને બોલ શંકરના હાથમાં હતો. શકરે 50મી ઓવરના પ્રથમ બોલ પર માર્કસ સ્ટોઇનિસ (52)ને LBW આુટ કરીને ભારતની જીત લગભગ પાક્કી કરી દીધી હતી. ત્યારબાદ તેણે ત્રીજા બોલે એડમ ઝમ્પા (2)ને બોલ્ડ કરીને ભારતને 8 રને રોમાંચક જીત અપાવી હતી. 

શંકરે મેચ બાદ કહ્યું, મારા માટે આ એક શાનદાર તક હતી. ઈમાનદારીથી કહું તો હું આ પ્રકારની તકની શોધ કરી રહ્યો હતો. હું દબાવમાં સારૂ પ્રદર્શન કરવા ઈચ્છતો હતો. ડેથ ઓવરમાં બોલિંગ કરવાનો આનંદ આવ્યો. હું મારી જાતને કહી રહ્યો હતો કે છેલ્લી ઓવર મારે કરવાની છે. હું પડકાર માટે તૈયાર હતો. શંકરે 15 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તેણે 46 રન પણ બનાવ્યા હતા. તેણે કહ્યું, તમે જ્યારે દેશ માટે રમો ત્યારે આવા પડકાર માટે તૈયાર રહેવાની જરૂર હોય છે. છેલ્લી ઓવરમાં માત્ર માનસિક રીતે સ્પષ્ટ રહેવાની જરૂર હતી. મારે માત્ર યોગ્ય જગ્યાએ બોલ ફેંકવાનો હતો મેં તે કહ્યું હતું. મને મારા પર વિશ્વાસ હતો. 

મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ત્રણ ઓવરમાં જીત માટે 21 રનની જરૂર હતી ત્યારે બુમરાહે 48મી ઓવર ફેંકી અને માત્ર એક રન આપ્યો હતો. કેપ્ટન વિરાટ કોહલીએ 49મી ઓવરમાં શમીને બોલાવ્યો જેણે 9 રન આપ્યા હતા. અંતિમ ઓવર ફેંકવા માટે ભારતીય કેપ્ટનની પાસે વિજય શંકર અને કેદાર જાધવના રૂપમાં બે વિકલ્પ હતા. વિરાટ કોહલીએ ધોની સાથે ચર્ચા કર્યા બાદ છેલ્લી ઓવર શંકરને આપવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટનના વિશ્વાસને શંકરે યોગ્ય ઠેરવ્યો અને મેચ ભારતના નામે કરાવ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news