11 વિશ્વ કપ, 5 વિજેતા, જાણો- 1975થી 2015 સુધીનો સંપૂર્ણ ઈતિહાસ
આ વિશ્વ કપની 12મી એડિશન હશે, જેમાં કુલ 10 ટીમો વિજેતા બનવા માટે ટકરાશે.
Trending Photos
નવી દિલ્હીઃ 30 મેથી આઈસીસી વિશ્વ કપની શરૂઆત થવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટની 12મી એડિશન હશે. જેમાં કુલ 10 ટીમો વિજેતા બનવા માટે ટકરાશે.
વર્ષ 1975માં ઈંગ્લેન્ડને પ્રથમ વિશ્વ કપની યજમાની કરવાની તક મળી જ્યાં વેસ્ટ ઈન્ડિઝે વિશ્વ કપ ટ્રોફી પોતાના નામે કરી હતી. અત્યાર સુધી 11 વિશ્વ કપ રમાઈ ચુક્યા છે જેમાં માત્ર 5 ટીમો વિજેતા બની છે.
1975માં વેસ્ટ ઈન્ડિઝ બન્યું ચેમ્પિયન
1975માં પ્રથમવાર વિશ્વ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝની ટીમે ક્લાઇવ લોયડની આગેવાનીમાં લોર્ડ્સના મેદાન પર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 17 રનથી પરાજય આપીને પ્રથમ ટાઇટલ પોતાના નામે કર્યું હતું.
1979માં ફરી વેસ્ટ ઈન્ડિઝ વિજેતા
પ્રથમ વિશ્વ કપમાં ધાક જમાવનાર વેસ્ટ ઈન્ડિઝે સતત બીજું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ક્લાઇવ લોયડની શાનદાર આગેવાનીમાં વિન્ડીઝ ટીમે ફાઇનલમાં ઈંગ્લેન્ડને 92 રનથી પરાજય આપ્યો હતો.
કપિલની આગેવાનીમાં ભારતે 1983માં રચ્યો ઈતિહાસ
ભારતીય ક્રિકેટ ટીમે બે વખતની વિશ્વ વિજેતા વેસ્ટ ઈન્ડિઝને ફાઇનલમાં હરાવીને પ્રથમ વખત ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. લોર્ડ્સમાં રમાયેલી ફાઇનલમાં કપિલ દેવની આગેવાનીમાં ટીમે 183 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝને માત્ર 140 રનમાં ઓલઆઉટ કરીને 43 રનથી મુકાબલો જીતી ઈતિહાસ રચી દીધો હતો.
1987માં ઓસ્ટ્રેલિયા પ્રથમ વખત જીત્યું
વર્ષ 1987ના વિશ્વકપની યજમાનીની જવાબદારી પાકિસ્તાન અને ભારતની હતી. મુકાબલો 60ની જગ્યાએ 50 ઓવરના ફેરફાર સાથે સામે આવ્યો. ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ઈંગ્લેન્ડને 7 રનથી હરાવી પ્રથમ વખત વિશ્વ વિજેતા બનવાની સિદ્ધિ મેળવી હતી.
ઇમરાનની કમાલ, 1992માં પાક ચેમ્પિયન
વર્ષ 1992નો વિશ્વ કપ એક યાદગાર ટૂર્નામેન્ટ રહી જેમાં ભાગ લઈ રહેલી ટીમો પ્રથમ વખત રંગીન ડ્રેસમાં ઉતરી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાનો પ્રતિબંધ હટ્યો અને ટીમ પ્રથમ વખત મેદાનમાં ઉતરી. ઇમરાન ખાનની આગેવાનીમાં પાકિસ્તાને ફાઇનલમાં ઈંગ્લેન્ડને 22 રનથી હરાવીને વિશ્વ ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી.
રણતુંગાની આગેવાનીમાં શ્રીલંકાએ ટાઇટલ કબજે કર્યું
વર્ષ 1996નો વિશ્વ કપ ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાની યજમાનીમાં રમાયો હતો. શ્રીલંકા પ્રથમવાર ફાઇનલમાં પહોંચ્યું અને અર્જુન રણતુંગાની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાને સાત વિકેટે પરાજય આપીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું.
ઓસ્ટ્રેલિયાએ જીત્યો 1999નો વિશ્વ કપ
એલન બોર્ડર બાદ સ્ટીવ વોની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ બીજી વખત વિશ્વ કપ કબજે કર્યો હતો. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સેમીફાઇનલમાં મુકાબલો ટાઇ થયા બાદ સારી નેટ રનરેટથી ફાઇનલમાં પહોંચેલી કાંગારૂ ટીમે પાકિસ્તાન પર એકતરફી જીત મેળવી હતી.
ભારતને હરાવી ઓસ્ટ્રેલિયાએ જીત્યું ત્રીજુ ટાઇટલ
ભારતીય ટીમ 2003માં વિશ્વ કપ ફાઇનલમાં પહોંચી હતી પરંતુ ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને હરાવીને સતત બીજુ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. સૌરવ ગાંગુલીની આગેવાનીમાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીરેન્દ્ર સહેવાગ અને ઝહીર ખાન જેવા દિગ્ગજોથી ભરેલી ભારતીય ટીમને 125 રનથી હાર મળી અને બીજીવખત વિશ્વ વિજેતા બનવાનું સ્વપ્ન તૂટી ગયું હતું.
ઓસ્ટ્રેલિયા સતત ત્રીજીવાર બન્યું ચેમ્પિયન
સતત બે વિશ્વ કપ જીતનારી ઓસ્ટ્રેલિયાની ટીમે રિકી પોન્ટિંગની આગેવાનીમાં 2007ના ફાઇનલમાં શ્રીલંકાને 53 રનથી હરાવીને ટાઇટલની હેટ્રિક પૂરી કરી હતી. સતત ત્રણ વિશ્વ કપ જીતનારી ઓસ્ટ્રેલિયા વિશ્વની પ્રથમ ટીમ બની હતી.
વાનખેડેમાં ભારતનો જલવો
એમએસ ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમે 2007ના વિશ્વકપની કડવી યાદોને ભૂલીને વિશ્વ ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં શ્રીલંકા વિરુદ્ધ એમએસ ધોનીએ વિજયી છગ્ગો ફટકારીને ભારતને 6 વિકેટથી જીત અપાવી હતી. આ સાથે 28 વર્ષ પછી ભારતે વિશ્વ કપ કબજે કર્યો હતો.
ક્લાર્કની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયા રેકોર્ડ પાંચમી વખત ચેમ્પિયન
વર્ષ 2015નો વિશ્વ કપ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની સંયુક્ત યજમાનીમાં યોજાયો હતો. ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને સાત વિકેટે પરાજય આપીને પાંચમું ટાઇટલ પોતાના નામે કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે