માન્ચેસ્ટરમાં વરસાદની આશંકા, મેચ રદ્દ થઈ તો ભારતને થશે ફાયદો

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં મંગળવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમિફાઇનલ રમાવાની છે. આ મેચમાં વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ટોસ બાદ વરસાદ શરૂ થશે તેવું અનુમાન છે. 
 

માન્ચેસ્ટરમાં વરસાદની આશંકા, મેચ રદ્દ થઈ તો ભારતને થશે ફાયદો

માન્ચેસ્ટરઃ આઈસીસી વિશ્વ કપ-2019ની પ્રથમ સેમિફાઇનલમાં આજે ભારત-ન્યૂઝીલેન્ડ માન્ચેસ્ટરમાં ટકરાવાના છે. રિઝર્વ ડે પર પણ વરસાદની આશંકા છે. જો મંગળ વારે બંન્ને ટીમો વચ્ચે વરસાદને કારણે મેચ ન રમાઇ તો મેચ રિઝર્વ ડે એટલે કે બુધવારે રમાશે. જો રિઝર્વ ડેમાં પણ વરસાદ આવે અને મેચ ધોવાઈ જાય તો લીગ મેચના પોઈન્ટ ટેબલના આધાર પર ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી જશે. 

ટોસ બાદ વરસાદની આશંકા
એક્યૂવેધર ડોટ કોટ પ્રમાણે, માન્ચેસ્ટરમાં 9 તથા 10 જુલાઈએ વરસાદની સંભાવના છે. બંન્ને દિવસ આકાશમાં વાદળો છવાયેલા રહેશે. આ સાથે થોડા-થોડા સમયે વરસાદ પણ થઈ શકે છે. ઓલ્ટ ટ્રેફર્ડમાં સ્થાનિક સમય અનુસાર સવારે 10 કલાકે (ભારતીય સમયાનુસાર બપોરે 2.30 કલાકે) ટોસ થવાનો છે, પરંતુ અહીં 9 જુલાઈએ સ્થાનિક સમયાનુસાર સવારે 10 કલાકે વરસાદની 40 ટકા શક્યતા છે. ભારતીય સમયાનુસાર 3.30 કલાકે 50 ટકા વરસાદની સંભાવના છે. તેવામાં ટોસ બાદ મેચમાં વિલંબ થઈ શકે છે. 

વરસાદને કારણે પૂરી મેચ શક્ય ન બની તો
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે જો નક્કી સમયે મેચ શરૂ થાય છે, પરંતુ થોડી ઓવરો બાદ વરસાદ વિઘ્ન પાડે તો મેચ રિઝર્વ ડેના રમાશે. જો રિઝર્વ ડેના દિવસે મેચ ત્યાંથી શરૂ થશે જ્યાંથી રોકવામાં આવી હતી. ઉદાહરણ પ્રમાણે પ્રથમ દિવસે ભારતીય ટીમ 20 ઓવર બેટિંગ કરી ચુકી હોય તો રિઝર્વ ડેના દિવસે 21મી ઓવરથી રમશે. સેમિફાઇનલ કે ફાઇનલની મેચ ટાઈ થઈ તો સુપરઓવર થશે. તેમાં જે જીતશે તે ચેમ્પિયન બનશે. 

પોઈન્ટ ટેબલના આધારે મળી જશે ટીમ ઈન્ડિયાને ફાઇનલની ટિકિટ
આઈસીસીએ સેમિફાઇનલ અને ફાઇનલ માટે રિઝર્વ ડે રાખ્યો છે. જો મેચના દિવસે વરસાદ થાય તો 10 જુલાઈએ મેચ રમાશે. બીજા દિવસે પણ વરસાદ થાય અને મેચ શરૂ થઈ શકે તેવી સ્થિતિ ન હોય તો મેચનું પરિણામ પોઈન્ટ ટેબલના આધારે આવશે અને જે ટીમના વધુ પોઈન્ટ હશે તેને ફાઇનલની ટિકિટ મળી જશે. પોઈન્ટ ટેબલમાં ભારત ટોપ પર છે, જ્યારે ન્યૂઝીલેન્ડ ચોથા સ્થાન પર છે. 

ઓસ્ટ્રેલિયાનું પણ ફાઇનલમાં પહોંચવું નક્કી, ઈંગ્લેન્ડ થશે બહાર
આઈસીસી વિશ્વકપની બીજી સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. 11 જુલાઈએ રમાનારી આ મેચમાં પણ વરસાદની આશંકા છે. તેના માટે રિઝર્વ ડે 12 જુલાઈ છે. બર્મિંઘમના એજવેસ્ટનમાં જો વરસાદનું વિઘ્ન આવે તો ઓસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલના આધાર પર ફાઇનલમાં પહોંચી જશે. આ રીતે વરસાદનું સીધુ નુકસાન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડને થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news