IND vs ENG: ઓલી પોપની ઈનિંગ બાદ હાર્ટલીની ઘાતક બોલિંગ, હૈદરાબાદ ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો 28 રને વિજય

IND vs ENG: ભારતીય ટીમે હૈદરાબાદ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ ઈનિંગમાં પાછળ રહ્યાં બાદ ઈંગ્લેન્ડે મેચમાં શાનદાર વાપસી કરી ભારતને પરાજય આપ્યો છે. આ સાથે ઈંગ્લેન્ડ 1-0થી આગળ થઈ ગયું છે. 
 

IND vs ENG: ઓલી પોપની ઈનિંગ બાદ હાર્ટલીની ઘાતક બોલિંગ, હૈદરાબાદ ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો 28 રને વિજય

હૈદરાબાદઃ બેન સ્ટોક્સની ટીમે હૈદરાબાદ ટેસ્ટમાં કમાલ કરી દીધો છે. ચોથા દિવસે ઈંગ્લેન્ડે ભારતીય ટીમને 28 રને પરાજય આપી પાંચ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડે ભારતને જીત માટે 231 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ બીજી ઈનિંગમાં 202 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી બીજી ઈનિંગમાં હાર્ટલીએ સાત વિકેટ લીધી હતી. 

બીજી ઈનિંગમાં ભારતીય બેટરો ફ્લોપ
ઈંગ્લેન્ડે આપેલા 231 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને યશસ્વી જાયસવાલ અને રોહિત શર્માએ 42 રનની ભાગીદારી કરી સારી શરૂઆત અપાવી હતી. ત્યારબાદ  હાર્ટલીએ ગિલ અને યશસ્વીને એક ઓવરમાં આઉટ કરી ઈંગ્લેન્ડની વાપસી કરાવી હતી. યશસ્વી 15 અને ગિલ શૂન્ય રન બનાવી આઉટ થયા હતા. હાર્ટલીએ ભારતને ત્રીજો ઝટકો આપતા કેપ્ટન રોહિત શર્માને 39 રને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 

કેએલ રાહુલ 22 રન બનાવી રૂટનો શિકાર બન્યો હતો. અક્ષર પટેલ 17 રન બનાવી હાર્ટલીની ઓવરમાં આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજા માત્ર 2 રન બનાવી રનઆઉટ થયો હતો. શિકર ભરતે 28 અને આર અશ્વિને 28 રન બનાવ્યા હતા. મોહમ્મદ સિરાજ 12 રન બનાવી અંતિમ વિકેટના રૂપમાં આઉટ થયો હતો. 

ટોમ હાર્ટલીની સાત વિકેટ
ઈંગ્લેન્ડ તરફથી પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા ટોમ હાર્ટલીએ 62 રન આપી સાત વિકેટ લીધી હતી. આ સિવાય જો રૂટ અને જેક લીચને એક-એક સફળતા મળી હતી. જ્યારે એક બેટર રન આઉટ થયો હતો.

મેચની વાત કરીએ તો ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 246 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 436 રન બનાવી 190 રનની લીડ મેળવી હતી. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ તરફથી ઓલી પોપે 196 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 420 રન બનાવી ઓલઆઉટ થઈ અને ભારતને જીત માટે 231 રનનો ટાર્ગેટ મળ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news