IND vs NZ 3rd T20 Match: રોહિત શર્માના નેતૃત્વમાં ન્યૂઝીલેન્ડના સૂપડાં સાફ, ભારતે 3-0થી કર્યો સિરીઝ પર કબજો

ભારત-ન્યૂઝીલેન્ડ ટી-20 સિરીઝ (India vs New Zealand T20 Series) ની ત્રીજી અને છેલ્લી મેચ આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ (Eden Gardens) ખાતે રમાઈ. જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને 73 રનથી હરાવી દીધુ.

IND vs NZ 3rd T20 Match: રોહિત શર્માના નેતૃત્વમાં ન્યૂઝીલેન્ડના સૂપડાં સાફ, ભારતે 3-0થી કર્યો સિરીઝ પર કબજો

નવી દિલ્હી: ભારત-ન્યૂઝીલેન્ડ ટી-20 સિરીઝ (India vs New Zealand T20 Series) ની ત્રીજી અને છેલ્લી મેચ આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ (Eden Gardens) ખાતે રમાઈ. જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને 73 રનથી હરાવી દીધુ. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી ન્યૂઝીલેન્ડને 185 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જો કે લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમને જીતવામાં સફળતા મળી નહીં. ભારતે સિરીઝમાં ન્યૂઝીલેન્ડની ટીમને ક્લીન સ્વીપ કરવામાં સફળતા મેળવી. 

111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ ન્યૂઝીલેન્ડની ટીમ
ભારતે આપેલા 185 રનના લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમની શરૂઆત સારી ન રહી. ત્રીજી ઓવરના પહેલા બોલમાં જ ન્યૂઝીલેન્ડની વિકેટ પડી ગઈ. ડેરિલ મિશેલ 5 રનના અંગત સ્કોર પર અક્ષર પટેલની બોલિંગમાં હર્ષલ પટેલે કેચ આઉટ થયો. અક્ષર પટેલે એક જ ઓવરમાં ન્યૂઝીલેન્ડને બે ઝટકા આપી દેતા ન્યૂઝીલેન્ડ મુસીબતમાં આવી ગયું. ત્યારબાદ નિયમિત સમયાંતરે વિકેટો પડતી ગઈ અને ન્યૂઝીલેન્ડની મેચમાં પાછા ફરવાની આશા ઠગારી નીવડી. ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ રન માર્ટિન ગુપ્ટિલે 36 બોલમાં 51 રન કર્યા. ભારત તરફથી અક્ષર પટેલે 3 ઓવરમાં 9 રન આપીને 3 વિકેટ લીધી. જ્યારે હર્ષલ પટેલે 3 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ લીધી. યુજવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 26 રન આપી એક વિકેટ લીધી. વેંકટેશ ઐય્યરે 3 ઓવરમાં 12 રન આપી એક વિકેટ લીધી. દિપક ચહર ખર્ચાળ બોલર સાબિત થયો જેણે 2 ઓવરમાં 25 રન આપ્યા. ચહરે 2.2 ઓવરમાં 26 રન આપી એક વિકેટ લેવામાં સફળતા મેળવી. ન્યૂઝીલેન્ડની આખી ટીમ 17.2 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ભારત આ ત્રીજી અને અંતિમ મેચ 73 રનથી જીતી ગયું. 

— ANI (@ANI) November 21, 2021

ટીમ ઈન્ડિયાની ઈનિંગ
ટીમ ઈન્ડિયા તરફથી રોહિત શર્મા અને ઈશાન કિશને ઈનિંગની શરૂઆત કરી. ઈશાન 21 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો. જ્યારે સૂર્યકુમાર યાદવ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન ભેગો થયો. ઋષભ પંત પણ 4 રન જ બનાવી શક્યો. કેપ્ટન રોહિત શર્માએ શાનદાર 56 રન કર્યા. શ્રેયસ ઐય્યર 20 બોલમાં 25 રન, વેંકટેશ ઐય્યર 15 બોલમાં 20 રન, હર્ષલ પટેલ 8  બોલમાં 21 રન કરીને આઉટ થયા. જ્યારે છેલ્લે છેલ્લે દિપક ચહરે 8 બોલમાં તાબડતોડ 21 રન ફટકારી દેતા ભારતનો સ્કોર 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 184 રન પર પહોંચ્યો. ભારતે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 185 રનનો લક્ષ્યાંક આપ્યો. 

ન્યૂઝીલેન્ડ તરફથી , મિશેલ સેન્ટનરે 3 વિકેટ, ટ્રેન્ટ બોલ્ટ, એડમ મિલન, લોકી ફર્ગ્યુસન અને ઈશ સોઢીએ 1-1 વિકેટ લીધી. સેન્ટનરે ભારતને એક જ ઓવરમાં બે વિકેટ લઈને મોટો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ વિકેટ પડતી જ ગઈ. 

ટીમ ઈન્ડિયાએ જીત્યો ટોસ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ સતત ત્રીજી મેચમાં ટોસ જીત્યો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. હિટમેને કહ્યું કે ભલે પીચની કંડીશન બાદમાં બેટિંગ કરવાની છે પરંતુ અમે પોતાને ચેલેન્જ કરવા માંગીએ છીએ અને જોવા ઈચ્છીએ છીએ કે મુશ્કેલી ઘડીમાં અમે કેવું પ્રદર્શન કરીએ છીએ. 

ઈશાન અને ચહલની વાપસી
ટીમ ઈન્ડિયામાં બે ફેરફાર કરવામાં આવ્યા હતા. કેએલ રાહુલ અને રવિચંદ્રન અશ્વિનને આરામ અપાયો અને તેમની જગ્યાએ ઈશાન કિશન અને યુજવેન્દ્ર ચહલની ટીમમાં વાપસી થઈ. આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટીમ સાઉદીને આરામ અપાયો છે. તેની જગ્યાએ મિશેલ સેન્ટનરે લીડરશીપની ભૂમિકા ભજવી અને લોકી ફર્ગ્યુસનને પ્લેઈિંગ ઈલેવનમાં સામેલ કરાયો.  

સિરીઝની બે મેચ જીતી હતી ટીમ ઈન્ડિયા
ટીમ ઈન્ડિયાએ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં પહેલી ટી20 ઈન્ટરનેશનલ મેચ 5 વિકેટથી જીતી હતી જ્યારે બીજો મુકાબલો રાંચના જેએસસીએ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 7 વિકેટથી પોતાના નામે કર્યો હતો. 

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ XI
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, સુર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત (વિકેટકિપર), વ્યંકટેશ ઐય્યર, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર, યુજવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ

ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ XI
માર્ટિન ગુપ્ટિલ, ડેરિલ મિશેલ, માર્ક ચેપમેન, ટિમ શિફર્ટ (વિકેટકિપર), ગ્લેન ફિલિપ્સ, જિમી નીશમ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), ઈશ સોઢી, એડમ મિલન, ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news