world cup 2019: 'મહાવિજય' મેળવવાના ઈરાદા સાથે અફઘાનિસ્તાન સામે ઉતરશે વિરાટ સેના
આઈસીસી વિશ્વકપની 28મી મેચમાં ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાન પર રહેલી અફઘાનિસ્તાન સામે ટકરાશે.
Trending Photos
સાઉથેમ્પ્ટનઃ આઈસીસી વિશ્વકપ-2019ની 28મી મેચમાં ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લી સ્થાને રહેલી અફઘાનિસ્તાન સામે ટકરાશે તો તેની નજર મોટા અંતરથી વિજય મેળવવા પર હશે. ભારતીય ટીમ જો નબળી અફઘાનિસ્તાનને હરાવી દે તો તેના નવ પોઈન્ટ થઈ જશે અને બાદમાં તેણે સેમીફાઇનલમાં પહોંચવા માટે આ વિશ્વકપમાં પોતાની બાકી ચાર મેચોમાં માત્ર એકમાં વિજય મેળવવો પડશે. ભારતની ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી. હેમ્પશાયર ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતની બીજી વિશ્વકપ મેચ હશે. ભારતે આ સ્ટેડિયમમાં પોતાના અભિયાનની શરૂઆત કરી હતી અને આફ્રિકાને પરાજય આપ્યો હતો.
શમીને મળશે તક
ઈજાની સમસ્યાનો સામનો કરવા છતાં ભારતીય ટીમ અત્યાર સુધી નબળી પડી નથી. આફ્રિકા, ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમો અને કટ્ટર વિરોધી પાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં ભુવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત થતાં આ મેચમાં શમીનું રમવાનું નક્કી છે. તો બુધવારે પ્રેક્ટિસ સત્ર દરમિયાન બુમરાહના બોલ પર ઈજાગ્રસ્ત થનાર વિજય શંકરનો આજે ફિટનેસ ટેસ્ટ થયો હતો. સ્ટ્રેન્થ તથા કંડિશનિંગ કોચ શંકર બાસુ અને ફિઝિયો પૈટ્રિક ફરહાર્ટે વિજયનો ફિટનેસ ટેસ્ટ લીધો હતો. તેણે 12-15 બોલ ફેંક્યા અને દોડ લગાવી હતી. ત્યારબાદ પત્રકાર પરિષદમાં જ્યારે તેને ફિટનેસ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, હું વ્યક્તિગત રીતે ફિટ અનુભવી રહ્યો છું.
અફઘાનિસ્તાનની ટીમ છે નબળી
અફઘાનિસ્તાનની ટીમ પાસે વિશ્વકપ પહેલા ઘણી આશા હતી, પરંતુ તેનું પ્રદર્શન નિરાશાજન રહ્યું છે. મેદાનની અંદર જ નહીં, બહાર પણ ટીમ વિવાદમાં ફસાયેલી છે. નવા કેપ્ટનને લઈને ટીમમાં વિવાદ છે. કોચ ફિલ સિમન્સ ટીમના પ્રદર્શનથી ખુશ નથી. ત્યાંના મુખ્ય પસંદગીકારને પસ પરથી હટાવી દેવામાં આવ્યા છે. મુખ્ય કોચ અને પસંદગીકારો વચ્ચે વિવાદ થયો હતો.
અજેય ભારતીય ટીમ
ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન, ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત હોવા છતાં ભારતીય ટીમ અજેય રહી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સદી ફટકાર્યા બાદ અંગૂઠાની ઈજાને કારણે ધવન બહાર થઈ ગયો હતો. પાકિસ્તાન વિરુદ્ધ રાહુલે શાનદાર પ્રદર્શન કરતા અડધી સદી ફટકારી હતી. રોહિત શર્મા શાનદાર ફોર્મમાં છે. તે ટૂર્નામેન્ટમાં બે સદી ફટકારી ચુક્યો છે. અફઘાનિસ્તાનની બોલિંગ નબળી છે અને સ્ટાર બોલર રાશિદ ખાન ફોર્મમાં નથી. રાશિદ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 110 રન આપ્યા હતા. કેપ્ટન કોહલીએ પણ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વિરુદ્ધ અડધી સદી ફટકારી હતી. જો શંકર ફિટ નહીં હોય તો તેના સ્થાને રિષભ પંતને તક મળી શકે છે. હાર્દિક પંડ્યાએ બેટિંગ ક્રમમાં પ્રમોશનનો ફાયદો ઉઠાવ્યો છે. આ મેચમાં કેદાર જાધવને બેટિંગમાં ઉપર મોકલવાની તક મળી શકે છે, કારણ કે તે એકમાત્ર બેટ્સમેન છે, જેને ત્રણ મેચમાં વધુ તક મળી નથી. જાધવે અત્યાર સુધી માત્ર 8 બોલનો સામનો કર્યો છે.
શમી અને બુમરાહનું કોમ્બિનેશન
ભુવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત થવા છતાં ભારતીય ટીમની બોલિંગ મજબૂત જોવા મળી રહી છે. આ મેચમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી ફાસ્ટ બોલિંગની શરૂઆત કરશે. શમી આ વિશ્વકપમાં પ્રથમ મેચ રમશે. આ સિવાય ટીમની પાસે કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલના રૂપમાં શાનદાર સ્પિન જોડી છે. જ્યારે પાંચમાં બોલરની ભૂમિકા હાર્દિક પંડ્યા અને વિજય શંકર ભજવવા તૈયાર છે.
હવામાન
સાઉથેમ્પ્ટનમાં શનિવારે વરસાદ થવાની સંભાવના નથી અને આકાશ ખુલ્લું રહેશે. દિવસમાં તડકો રહેવાની સંભાવના છે. હેમ્પશાયર બોલમાં અત્યાર સુધી આ ટૂર્નામેન્ટની બે મેચ રમાઇ છે અને બંન્નેમાં બીજી બેટિંગ કરનારી ટીમ જીતી છે.
આ હોઈ શકે છે અફઘાનિસ્તાનની પ્લેઇંગ XI
નૂર અલી જાદરાન, ગુલબદીન નાઇબ (કેપ્ટન), રહમત શાહ, હશમતઉલ્લા શાહિદી, નજીબુલ્લા જાદરાન, હઝરઉલ્લા ઝાઝઈ, અસગર અફગાન, મોહમ્મદ નબી, રાશિદ ખાન, દૌલત જાદરાન અને આફતાબ આલમ.
આ હોઈ શકે છે ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), હાર્દિક પંડ્યા, એમએસ ધોની, વિજય શંકર, કેદાર જાધવ, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે