VIDEO: કુકે તોડ્યો સાંગાકારાનો રેકોર્ડ, સૌથી વધુ રન બનાવનાર ડાબોડી બેટ્સમેન બન્યો

એલિસ્ટેયર કુકે ભારત વિરુદ્ધ અંતિમ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી. તો બીજી ઈનિંગમાં કુકે સદી ફટકારી છે. તે હવે સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં પાંચમાં સ્થાને પહોંચી ગયો છે. તેણે પોતાની અંતિમ ઈનિંગમાં સાંગાકારાને પાછળ છોડ્યો છે. 

Updated By: Sep 10, 2018, 05:51 PM IST
 VIDEO: કુકે તોડ્યો સાંગાકારાનો રેકોર્ડ, સૌથી વધુ રન બનાવનાર ડાબોડી બેટ્સમેન બન્યો
photo : ICC

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના ઓપનર એલિસ્ટેયર કુક સૌથી વધુ રન બનાવનાર ડાબોડી બેટ્સમેન બની ગયો છે. તેણે પોતાની અંતિમ ટેસ્ટમાં ભારત વિરુદ્ધ પ્રથમ ઈનિંગમાં અડધી સદી અને બીજી ઈનિંગમાં સદી ફટકારી છે. સંન્યાસની જાહેરાત કરી ચુકેલા કુકની આ 161મી ટેસ્ટ મેચ છે. તે ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ ટેસ્ટ રમનાર અને સૌથી વધુ રન ફટકારનાર ખેલાડી છે. કુક સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાના મામલે પાંચમાં નંબર પર પહોંચી ગયો છે. 

સાંગાકારાનો રેકોર્ડ તોડીને ટોપ-5માં સામેલ થયો
આ મેચ શરૂ થયા પહેલા સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાના મામલે ટોપ-5 ક્રિકેટર સચિન તેંડુલકર (15921), રિકી પોન્ટિંગ (13378), જેક કાલિસ (13289), રાહુલ દ્રવિડ (13288) અને કુમાર સાંગાકારા (12400) હતા. શરૂઆતી ચાર બેટ્મસનો રેન્કિંગમાં હજુ યથાવત છે. પરંતુ પોતાની અંતિમ મેચ રમી રહેલા કુકે સાંગાકારાને પછાડીને પાંચમાં સ્થાને કબજો કરી લીધો છે. કુકે આ ટેસ્ટની બીજી ઈનિંગમાં 130 રન બનાવ્યા છે. આ સાથે તેનો કુલ સ્કોર 12428 રન થઈ ગયો છે. 

સૌથી વધુ રન બનાવનાર ડાબોડી બેટ્સમેન બન્યો
કુક, સાંગાકારાનો રેકોર્ડ તોડવાની સાથે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ડાબોડી બેટ્સમેન બની ગયો છે. હવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનારનાર પ્રથમ ચાર બેટ્સમેનો સચિન, પોન્ટિંગ, કાલિક અને દ્રવિડ છે. ત્યારબાદ પાંચથી આઠમાં નંબર સુધી ડાબોડી બેટિંગ કરનાર બેટ્સમેન છે. કુક પાંચમાં સ્થાને છે. ત્યારબાદ સાંગાકારા, બ્રાયન લારા (11953), શિવનારાયણ ચંદ્રપોલ (11867) છે. 

પ્રથમ બંન્ને અને અંતિમ બંન્ને ઈનિંગમાં અડધી સદી ફટકારના બીજો ક્રિકેટર
કુકે 2006માં ભારત વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ રમી હતી. તે મેચમાં કુકે 60 અને 104 રનની ઈનિંગ રમી હતી. હવે તેણે પોતાની અંતિમ બંન્ને ઈનિંગમાં પણ અડધી સદી ફટકારી છે. તે વિશ્વનો માત્ર બીજો ક્રિકેટર છે, જેણે પોતાના પ્રથમ અને અંતિમ ટેસ્ટની બંન્ને ઈનિંગમાં 50 કરતા વધુ રન બનાવ્યા છે. કુક સિવાય આફ્રિકાના બ્રૂસ મિશેલે આ સિદ્ધિ મેળવી હતી.