IPL 2019: વાનખેડેમાં મુંબઈએ આરસીબીને 5 વિકેટે હરાવ્યું, હાર્દિક પંડ્યાની શાનદાર બેટિંગ

ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન-12ના 31માં મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 5 વિકેટે પરાજય આપ્યો છે.
 

IPL 2019: વાનખેડેમાં મુંબઈએ આરસીબીને 5 વિકેટે હરાવ્યું, હાર્દિક પંડ્યાની શાનદાર બેટિંગ

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન-12ના 31માં મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 5 વિકેટે પરાજય આપ્યો છે. મુંબઈનો 8  મેચોમાં આ પાંચમો વિજય છે. જ્યારે બેંગલુરૂનો આઠ મેચમાં આ સાતમો પરાજય છે. પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 171 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈએ 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 172 રન બનાવી 5 વિકેટે જીત હાસિલ કરી હતી. અંતમાં હાર્દિક પંડ્યાએ  16 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 37 રન બનાવી મુંબઈને વિજય અપાવ્યો હતો. બેંગલોર તરફથી એબી ડિવિલિયર્સ અને મોઈન અલીએ અડધી સદી ફટકારી હતી.

મોઈન અલીએ એક ઓવરમાં મુંબઈને બે ઝટકા આપ્યા હતા. તેણે પહેલા રોહિત શર્મા અને પછી ક્વિન્ટન ડિ કોકને આઉટ કર્યો હતો. 8મી ઓવરના પ્રથમ બોલ પર મુંબઈને પ્રથમ ઝટકો આપ્યો હતો. મોઈન અલીએ મુંબઈના કેપ્ટન રોહિત શર્માને 28 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો હતો.

ત્યારબાદ તેણે ડિ કોકને 40 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. ડિ કોકે 26 બોલ પર 5 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા. 11મી ઓવરના ત્રીજા બોલ પર યુજવેન્દ્ર ચહલ ઈશાન કિશનને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ઈશાને 9 બોલમાં 3 સિક્સની મદદથી 21 રન બનાવ્યા હતા. યુજવેન્દ્ર ચહલે સૂર્યકુમાર યાદવને આઉટ કર્યો હતો. સૂર્યકુમારે 23 બોલમાં 29 રન બનાવ્યા હતા. ત્યારબાદ 18મી ઓવરના ચોથા બોલ પર ક્રુણાલ પંડ્યા પણ 11 રન બનાવી આઉટ થઈ ગયો હતો. 

આ પહેલા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલા આઈપીએલ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગોરે મુંબઈ ઈન્ડિયન્સને 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈ તરફથી લસિથ મલિંગાએ સૌથી ઘાતક બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી. 

બેંગલોર તરફથી સૌથી વધુ એબી ડિવિલિયર્સે 75 રન બનાવ્યા હતા. પરંતુ ડિવિલિયર્સે શરૂઆત ઘણી ધીમી હતી. તેણે પોતાના 50 રન બનાવવામાં 41 બોલનો સામનો કર્યો હતો. ત્યારબાદ તેણે 51 બોલમાં કુલ 75 રન ફટકાર્યા હતા. તે 20મી ઓવરમાં રન આઉટ થયો હતો. આ સિવાય મોઇન અલીએ 32 બોલમાં 50 રન બનાવ્યા હતા. 

બેંગલોરની શરૂઆત ખરાબ રહી અને ટીમને ત્રીજી ઓવરમાં પ્રથમ બોલ પર ઝટકો લાગ્યો હતો. જેસન બેહરેનડોર્ફે કેપ્ટન વિરાટ કોહલીને 8 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો હતો. ત્યારબાદ 7મી ઓવરના અંતિમ બોલ પર પાર્થિવ પટેલ પણ આઉટ થઈ ગયો હતો. પાર્થિવે 20 બોલમાં 28 રન બનાવ્યા હતા. તેને હાર્દિક પટેલે સૂર્યકુમાર યાદવના હાથે કેચ કરાવ્યો હતો. 

ત્યારબાદ મોઈન અલી અને એબી ડિવિલિયર્સે મોરચો સંભાળ્યો અને બેંગલુરૂની ઈનિંગને 144 રન સુધી લઈ ગયા ત્યારે બેંગલોરુને વધુ એક ઝટકો લાગતા મોઇન અલી આઉટ થયો હતો. તેણે 50 રન બનાવ્યા હતા. મોઇન અલીએ 32 બોલમાં 1 ચોગ્ગો અને 5 સિક્સ ફટકારી હતી. તેને મલિંગાએ આઉટ કર્યો હતો. આ ઓવરના 5માં બોલ પર મલિંગાએ સ્ટોઇનિસને આઉટ કર્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news