IPL 2021: પોલાર્ડની ધમાકેદાર ઈનિંગ, મુંબઈએ રેકોર્ડ રન ચેઝ કરી ચેન્નઈને 4 વિકેટે હરાવ્યું
કાયરન પોલાર્ડની ધમાકેદાર બેટિંગની ઈનિંગની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે રોમાંચક મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને 4 વિકેટે પરાજય આપ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ કાયરન પોલાર્ડ (34 બોલમાં અણનમ 87) ની અવિશ્વસનીય બેટિંગની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે અંતિમ બોલ સુધી રોમાંચક બનેલી આઈપીએલ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને 4 વિકેટે પરાજય આપી શાનદાર જીત મેળવી છે. પોલાર્ડે પોતાની ઈનિંગમાં 8 છગ્ગા ફટકાર્યા હતા. ટોસ હારી પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 4 વિકેટે 218 રન બનાવ્યા હતા, જેના જવાબમાં મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટે 219 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. મુંબઈનો આ આઈપીએલમાં હાઈએસ્ટ રનચેઝ છે.
મુંબઈ ઈન્ડિયન્સની વિસ્ફોટક શરૂઆત
ચેન્નઈએ આપેલા પહાડી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સને ક્વિન્ટન ડિ કોક અને રોહિત શર્માએ શાનદાર શરૂઆત અપાવી હતી. બન્નેએ પાવરપ્લેમાં ટીમનો સ્કોર 58 રન પર પહોંચાડી દીધો હતો. બન્નેએ પ્રથમ વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્મા 24 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 35 રન બનાવી શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો.
સૂર્યકુમાર યાદર ફરી ફ્લોપ
ત્યારબાદ ટીમને 77 રને બીજો ઝટકો લાગ્યો હતો. સૂર્યકુમાર યાદવ માત્ર ત્રણ રન બનાવી રવિન્દ્ર જાડેજાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ડી કોક 28 બોલમાં 38 રન બનાવી મોઇન અલીની ઓવરમાં આઉટ થયો હતો. મુંબઈએ 81 રન પર પોતાની ત્રીજી વિકેટ ગુમાવી હતી.
પોલાર્ડની 17 બોલમાં અડધી સદી
પોલાર્ડે ક્રિઝ પર આવવાની સાથે આક્રમક રૂપ અપનાવ્યુ હતું. તેણે માત્ર 17 બોલમાં આ સીઝનની સૌથી ઝડપી અડધી સદી ફટકારી દીધી હતી. પોલાર્ડે 3 ચોગ્ગા અને છ ચોગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. પોલાર્ડ અને કૃણાલ પંડ્યાએ ચોથી વિકેટ માટે 89 રનની ભાગીદારી કરી ટીમની જીતની આશા જીવંત કરી હતી. કૃણાલ પંડ્યા 23 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે 32 રન બનાવી સેમ કરનનો શિકાર બન્યો હતો. પોલાર્ડે 34 બોલમાં 8 છગ્ગા અને છ ચોગ્ગા સાથે અવિશ્વસનીય ઈનિંગ રમતા અણનમ 87 રન બનાવી મુંબઈને જીત અપાવી હતી.
હાર્દિક પંડ્યા 7 બોલમાં બે છગ્ગા સાથે 16 રન બનાવી સેમ કરનની ઓવરમાં ફાફ ડુ પ્લેસિસને કેચ આપી બેઠો હતો. જિમી નીશમ (0)ને સેમ કરને આઉટ કર્યો હતો.
ચેન્નઈએ બનાવ્યા 218 રન
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સની શરૂઆત ખરાબ રહી હતી. શાનદાર ફોર્મમાં રહેલ રુતુરાજ ગાયકવાડ પ્રથમ ઓવરમાં માત્ર 4 રન બનાવી ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો. ત્યારબાદ મોઇન અલી અને ફાફે ઈનિંગ સંભાળી હતી. બન્નેએ પાવરપ્લે બાદ ટીમનો સ્કોર 49 રન પર પહોંચાડી દીધો હતો.
મોઇન અલી અને ફાફ ડુ પ્લેસિસ વચ્ચે સદીની ભાગીદારી
પ્રથમ વિકેટ માત્ર 4 રન પર ગુમાવ્યા બાદ મોઇન અલી અને ફાફ ડુ પ્લેસિસે આક્રમક બેટિંગ કરી હતી. બન્નેએ 10મી ઓવરમાં ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડી દીધો હતો. મોઇન અલીએ આ સીઝનમાં પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી. મોઇન અલી 36 બોલમાં પાંચ છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે 58 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ફાફ ડુ પ્લેસિસ પણ આ સીઝનમાં સતત ચોથી અડધી સદી ફટકારી આઉટ થયો હતો. ફાફે 28 બોલમાં ચાર સિક્સ અને બે ચોગ્ગા સાથે 50 રન બનાવ્યા હતા. સુરેશ રૈના બે રન બનાવી પોલાર્ડનો શિકાર બન્યો હતો.
અંતિમ ઓવરોમાં અંબાતી રાયડૂની અવિશ્વસનીય બેટિંગ
ચેન્નઈનો સ્કોર 112 રન પર બે વિકેટથી 116 રન પર ચાર વિકેટ થઈ ગયો હતો. ત્યારબાદ અંબાતી રાયડૂએ અરૂણ જેટલી સ્ટેડિયમમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. રાયડૂએ માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. રવિન્દ્ર જાડેજા અને જાડેજાએ માત્ર 48 બોલમાં 102 રનની ભાગીદારી કરી હતી. અંબાતી રાયડૂ 27 બોલમાં 7 સિક્સ અને 4 ચોગ્ગા સાથે 72 રન બનાવી અણનમ રહ્યો હતો. જાડેજા 22 બોલમાં 22 રન બનાવી અણનમ રહ્યો હતો.
બુમરાહના ટી20 કરિયરનો ખરાબ સ્પેલ
આજે અંબાતી રાયડૂએ સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ પર પ્રહાર કર્યો હતો. બુમરાહે આજે 4 ઓવરમાં 56 રન આપી 1 વિકેટ ઝડપી હતી. આ તેના ટી20 કરિયરનો સૌથી ખરાબ સ્પેલ છે. આ સિવાય મુંબઈ તરફથી પોલાર્ડે બે અને બોલ્ટે એક વિકેટ ઝડપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે