RR vs SRH: રોમાંચક મુકાબલામાં હૈદરાબાદે રાજસ્થાનને હરાવ્યું, સંદીપ શર્માનો નો-બોલ પડ્યો ભારે

RR vs SRH, IPL 2023: સનરાઇઝર્સ હૈદરાબાદે આ સીઝનમાં પોતાની ચોથી જીત મેળવતા રાજસ્થાન રોયલ્સને રોમાંચક મેચમાં પરાજય આપ્યો છે. છેલ્લી છ મેચમાં રાજસ્થાનની પાંચમી હાર છે અને તેનો પ્લેઓફમાં પહોંચવાનો માર્ગ મુશ્કેલ બની રહ્યો છે. 

RR vs SRH: રોમાંચક મુકાબલામાં હૈદરાબાદે રાજસ્થાનને હરાવ્યું, સંદીપ શર્માનો નો-બોલ પડ્યો ભારે

જયપુરઃ RR vs SRH, Abhishek Sharma, Anmolpreet Singh, Sanju Samson: જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રવિવારે આઈપીએલ 2023ની 52મી મેચ રમાઈ હતી. રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ વચ્ચે રમાયેલી મેચમાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 214 રન બનાવ્યા હતા. ઓપનિંગ બેટર જોસ બટલર સદી ચુકી ગયો હતો. જવાબમાં હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 217 રન બનાવ્યા અને ચાર વિકેટથી મેચ પોતાના નામે કરી હતી. આ સીઝનમાં હૈદરાબાદે ચોથી જીત મેળવી છે. 

215 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની શરૂઆત પણ સારી રહી હતી. ઓપનિંગ બેટર અભિષેક શર્મા અને અનમોલપ્રીત સિંહ વચ્ચે પ્રથમ વિકેટ માટે 51 રનની ભાગીદારી થઈ. પાવરપ્લેની અંતિમ ઓવરમાં હૈદરાબાદની પ્રથમ વિકેટ પડી હતી. અનમોલપ્રીત 25 બોલમાં 33 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ અભિષેક શર્મા અને રાહુલ ત્રિપાઠી વચ્ચે બીજી વિકેટ માટે 65 રનની ભાગીદારી થઈ હતી. 

અભિષેક શર્માએ ફટકારી અડધી સદી
13મી ઓવરના ચોથા બોલ પર હૈદરાબાદને બીજો ઝટકો લાગ્યો હતો. ઓપનિંગ બેટર અભિષેક શર્માએ 34 બોલમાં 5 ચોગ્ગા અને 2 સિક્સની સાથે 55 રન બનાવ્યા. આર અશ્વિને તેને આઉટ કર્યો હતો. ત્રીજી વિકેટ માટે રાહુલે ક્લાસેન સાથે મળીને 41 રન જોડ્યા. 16મી ઓવરના પાંચમાં બોલ પર ચહલે હૈદરાબાદને ત્રીજો ઝટકો આપ્યો હતો. તેણે આક્રમક બેટિંગ કરી રહેલા હેનરિક ક્સાલેનને બટલરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ક્લાસેન 12 બોલમાં 26 રન બનાવી આઉટ થયો હતો. 

ફિલિપ્સની તોફાની ઈનિંગ
18મી ઓવરમાં ચહલે ફરી કમાલ કરતા બીજા બોલ પર રાહુલ ત્રિપાઠીને આઉટ કર્યો હતો. ત્રિપાઠી 29 બોલમાં 47 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ચહલે એડન માર્કરમને આઉટ કર્યો હતો. અંતિમ બે ઓવરમાં હૈદરાબાદને જીત માટે 41 રનની જરૂર હતી. કુલદીપ યાદવની આ ઓવરમાં ગ્લેન ફિલિપ્સે પ્રથમ ચાર બોલમાં ત્રણ સિક્સ અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. ફિલિપ્સે 7 બોલમાં 25 રન બનાવ્યા હતા. 

ચહલે ઝડપી ચાર વિકેટ
અંતિમ ઓવરમાં હૈદરાબાદને જીત માટે 17 રનની જરૂર હતી. અબ્દુલ સમદ અને માર્કો યાન્સેન ક્રીઝ પર હતા. અંતિમ બોલ પર હૈદરાબાદને જીત માટે 5 રનની જરૂર હતી. ત્યારે સંદીપ શર્માએ નો બોલ ફેંક્યો હતો. ત્યારબાદ સમદે ફ્રી હિટ પર સિક્સ ફટકારી પોતાની ટીમને જીત અપાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news