સૌથી ઝડપી 100 વનડે વિકેટ ઝડપનાર બીજો ભારતીય બોલર બન્યો બુમરાહ
જસપ્રીત બુમરાહે જ્યારે દિમુથ કરૂણારત્નેને આઉટ કર્યો તો તેણે 100 વિકેટ પૂરી કરી. તે સૌથી ઝડપી 100 વિકેટ ઝડપનાર બીજો ભારતીય બોલર બની ગયો છે.
Trending Photos
લીડ્સઃ ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 વિકેટ પૂરી કરી લીધી છે. તેણે પોતાની 57મી મેચમાં આ સિદ્ધિ મેળવી છે. ભારત તરફથી વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 100 વિકેટ પૂરી કરનાર તે બીજો બોલર છે. મોહમ્મદ શમીએ 56 મેચોમાં 100 વિકેટ પૂરી કરી હતી.
શનિવારે આઈસીસી વિશ્વ કપ 2019ના મુકાબલામાં શ્રીલંકા વિરુદ્ધ પોતાની છેલ્લી લીગ મેચ રમી રહેલા ટીમ ઈન્ડિયાના આ ફાસ્ટરે દિમુથ કરૂણારત્નેને વિકેટની પાછળ એમએસ ધોનીના હાથે કેચ કરાવીને વિકેટની સદી પૂરી કરી હતી. ભારતીય ટીમ લીડ્સમાં પોતાની અંતિમ લીગ મેચ રમી રહી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 100 વિકેટ ઝડપનાર બોલરની વાત કરીએ તો અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાનનું નામ છે જેણે 44 મેચમાં 100 વનડે આંતરરાષ્ટ્રીય વિકેટ પૂરી કરી હતી.
ઓસ્ટ્રેલિયાના ડાબા હાથનો ફાસ્ટર મિશેલ સ્ટાર્ક 52 મેચની સાથે આ યાદીમાં બીજા સ્થાન પર છે અને પાકિસ્તાનનો દિગ્ગજ ઓફ સ્પિનર સકલેન મુશ્તાક 53 મેચોની સાથે ત્રીજા નંબર પર છે. ભારત તરફથી ઝહીર ખાન આ યાદીમાં ત્રીજા સ્થાન પર છે, જેણે પોતાની 59મી મેચમાં 100 વિકેટ પૂરી કરી હતી.
ભારત તરફથી સૌથી ઓછી મેચોમાં 100 વિકેટ ઝડપનાર બોલર
મોહમ્મદ શમી- 56 મેચ
જસપ્રીત બુમરાહ- 57 મેચ
ઝહીર ખાન- 59 મેચ
અજીત અગરકર- 67 મેચ
જવાગલ શ્રીનાથ- 68 મેચ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે