KKR vs SRH: ધમાકેદાર જીત સાથે કોલકત્તા ફાઈનલમાં, હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું

IPL 2024: શ્રેયસ અય્યરની આગેવાનીમાં કોલકત્તા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2024ની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. અમદાવાદમાં રમાયેલી પ્રથમ ક્વોલીફાયરમાં કોલકત્તાએ આઠ વિકેટે શાનદાર જીત મેળવી છે. 
 

KKR vs SRH: ધમાકેદાર જીત સાથે કોલકત્તા ફાઈનલમાં, હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું

અમદાવાદઃ કોલકત્તા નાઈટ રાઈડર્સે કમાલનું પ્રદર્શન કરતા સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે કારમો પરાજય આપી આઈપીએલ-2024ની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 19.3 ઓવરમાં 10 વિકેટે 159 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં કોલકત્તાએ માત્ર 13.4 ઓવરમાં 2  વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. કેકેઆર સામે હાર બાદ હૈદરાબાદને ફાઈનલમાં પહોંચવાની વધુ એક તક મળશે. હૈદરાબાદ હવે એલિમિનેટર રમશે.

પાવરપ્લેમાં કોલકત્તાની આક્રમક શરૂઆત
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકત્તાની શરૂઆત સારી રહી હતી. ગુરબાઝ અને નરેને પ્રથમ વિકેટ માટે 44 રનની ભાગીદારી કરી હતી. ગુરબાઝ 14 બોલમાં 23 રન બનાવી આઉટ થયો હતો. કોલકત્તાએ પાવરપ્લેમાં 1 વિકેટે 63 રન બનાવ્યા હતા. નરેન 21 રન બનાવી કમિન્સનો શિકાર બન્યો હતો.

બંને અય્યરની અડધી સદી
કોલકત્તા તરફથી કેપ્ટન શ્રેયસ અય્યર અને વેંકટેશ અય્યરની જોડીએ કમાલની બેટિંગ કરી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 97 રનની ભાગીદારી કરી હતી. વેંકટેશ અય્યર 28 બોલમાં 5 ચોગ્ગા અને 4 સિક્સ સાથે 51 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે શ્રેયસ અય્યરે 24 બોલમાં 5 ફોર અને 4 સિક્સ સાથે અણનમ 58 રન બનાવ્યા હતા.

હૈદરાબાદની શરૂઆત ખરાબ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદને બીજા બોલ પર ઝટકો લાગ્યો હતો. મિચેલ સ્ટાર્કે ટ્રેવિસ હેડને (0) પર પર બોલ્ડ કરી દીધો હતો. ત્યારબાદ અભિષેક શર્મા 3 રન બનાવી વૈભવ અરોરાનો શિકાર બન્યો હતો. સ્ટાર્કે પાંચમી ઓવરમાં નિતિશ રેડ્ડી (9) અને શાહબાઝ અહમદ (0) ને આઉટ કરી હૈદરાબાદને બેકફૂટ પર લાવી દીધું હતું. 

રાહુલ ત્રિપાઠીની અડધી સદી
હૈદરાબાદ તરફથી રાહુલ ત્રિપાઠીએ સૌથી વધુ 55 રન ફટકાર્યા હતા. ત્રિપાઠી 35 બોલમાં 7 ચોગ્ગા અને 1 સિક્સની મદદથી 55 રન બનાવી રનઆઉટ થયો હતો. હેનરિક ક્લાસેને 21 બોલમાં 32 રન બનાવ્યા હતા. અબ્દુલ સમદ માત્ર 16 રન બનાવી આઉટ થયો હતો. સનવીર સિંહ 0 રન બનાવી આઉટ થયો હતો. 

અંતમાં પેટ કમિન્સે 24 બોલમાં બે ફોર અને બે સિક્સની મદદથી 30 રન બનાવી ટીમનો સ્કોર 160ની નજીક પહોંચાડ્યો હતો. ભુવનેશ્વર કુમાર 0 રન બનાવી આઉટ થયો હતો. કોલકત્તા તરફથી મિચેલ સ્ટાર્કે 4 ઓવરમાં 34 રન આપી 3 વિકેટ લીધી હતી. આ સિવાય વરૂણ ચક્રવર્તીને બે સફળતા મળી હતી. એક-એક વિકેટ વૈભવ અરોરા, હર્ષિત રાણા, નરેન અને રસેલને મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news