VIDEO: સ્ટાર ફુટબોલર મેસીને હાથમાં થયું ફ્રેક્ચર, 3 સપ્તાહ માટે થયો બહાર
ઈજા થતા પહેલા મેસીએ મેચમાં ગોલ પણ કર્યો હતો, જેમાં બાર્સિલોનાની ટીમે 4-2થી વિજય મેળવ્યો અને પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.
Trending Photos
બાર્સિલોનાઃ દિગ્ગજ ફુટબોલર અને બાર્સિલોનાના કેપ્ટન લિયોનલ મેસીના ડાબા હાથમાં ફ્રેક્ચરને કારણે ત્રણ સપ્તાહ મેદાનથી દૂર રહેશે. આર્જેન્ટીનાના સ્ટાર ખેલાડી લિયોનલ મેસી સ્પેનિશ લીગમાં રમાયેલી એક મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. બીબીસીના રિપોર્ટ પ્રમાણે, આ ઈજાને કારણે મેસી ત્રણ સપ્તાહ માટે મેદાનથી દૂર રહશે. તેવામાં તે એલ-ક્લાસકોની મેચમાં રમી શકશે નહીં.
આ ઈજાને કારણે મેસી સ્પેનિશ લીગમાં આગામી સપ્તાહે કટ્ટર હરીફ રિયલ મેડ્રિડ વિરુદ્ધ રમાનારી મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. આ સિવાય તે ચેમ્પિયન્સ લીગમાં બુધવારે ઇન્ટર મિલાન વિરુદ્ધ ઘરેલૂ મેચમાં અને છ નવેમ્બરે ઇટલીમાં રમાનારી મેચમાં રમશે નહીં.
આ ઈજા તેને શનિવારે કેમ્પ નાઉ સ્ટેડિયમમાં સેવિલા વિરુદ્ધ રમાયેલી સ્પેનિશ લીગની મેચમાં થઈ હતી. ઈજાગ્રસ્ત થતા પહેલા મેસીએ ગોલ પણ કર્યો હતો, જેમાં બાર્સિલોનાની ટીમ 4-2થી જીતી અને પોઈન્ટ ટેબલમાં તે પ્રથમ સ્થાને આવી ગઈ છે.
13: ⚽⚽ GOOOAAAAAALLL! MESSI!!!!!!! (2-0) #BarçaSevilla pic.twitter.com/Q6pnx9rY1q
— FC Barcelona (@FCBarcelona) October 20, 2018
મેસીને આ ઈજા સેવિલાના ફ્રાંકો વાજક્યેજ સાથે ટકરાવાને કારણે થઈ ત્યારબાદ તેને મેદાન પર સારવાર આપવામાં આવી હતી. પરંતુ દુખાવાને કારણે તે મેદાન પર વધુ સમય ન કર્યો અને 26મી મિનિટે તેની જગ્યાએ બીજા ખેલાડીને મેદાન પર ઉતારવામાં આવ્યો હતો.
બાર્સિલોના ક્લબ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, મેસીના પરીક્ષણમાં જાણવા મળ્યું કે, તેના ડાબા હાથના હાડકાંમાં ફ્રેક્ચર છે. તે આગામી ત્રણ સપ્તાહ મેદાનથી દૂર રહેશે.
હાલમાં સ્પેનિશ ક્લબ એફસી બાર્સિલોનાના કરિશ્માઈ ફોરવર્ડ લિયોનલ મેસીને સ્પેનિશ લીગમાં સપ્ટેમ્બર મહિનાનો સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવામાં આવ્યો હતો. મેસીને આ પુરસ્કારથી બાર્સિલોનાના ઘરેલૂ મેદાન કેમ્પ નાઉમાં શનિવારે સેવિલા વિરુદ્ધ રમાનારી મેચ પહેલા આપવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે આર્જેન્ટીનાના ખેલાડીએ 2018/19 સીઝનની શાનદાર શરૂઆત કરી અને પોતાની ટીમને પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચાડી છે. મેસીએ ગત મહિને સ્પેનિશ લીગમાં ત્રણ ગોલ કર્યા હતા. તેણે ગિરોના વિરુદ્ધ એક અને હુએસ્કા વિરુદ્ધ બે ગોલ કર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે