IPL Auction 2019: યુવરાજ-મલિંગા પર કેમ લગાવ્યો દાવ, મુંબઈ ઈન્ડિયન્સે કર્યો ખુલાસો

આઈપીએલ હરાજી (IPL Auction 2019)માં મુંબઈ ઈન્ડિયન્સે યુવારજ સિંહ અને લસિથ મલિંગાને તેની બેઝ પ્રાઇઝમાં ખરીદ્યા છે. 

 IPL Auction 2019: યુવરાજ-મલિંગા પર કેમ લગાવ્યો દાવ, મુંબઈ ઈન્ડિયન્સે કર્યો ખુલાસો

નવી દિલ્હીઃ આઈપીએલ હરાજી (IPL Auction 2019)માં મુંબઈ ઈન્ડિયન્સે યુવરાજ સિંહ અને લસિથ મલિંગાને તેની બેઝ પ્રાઇઝ પર ખરીદ્યા છે. હરાજીમાં યુવરાજને એક કરોડ અને મલિંગાને બે કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. રસપ્રદ વાત છે કે હરાજીના પ્રથમ રાઉન્ડમાં બોલી લાગવા પર આ બંન્ને ખેલાડીને કોઈ ટીમે ન ખરીદ્યા, પરંતુ બીજીવખત બોલી લાગતા મુંબઈએ બંન્નેને ખરીદી લીધા. 37 વર્ષનો યુવરાજ અને 35 વર્ષના મલિંગાને ખરીદ્યા પછી સવાલ થઈ રહ્યો છે કે મુંબઈએ તેના પર દાવ કેમ લગાવ્યો છે? આ સવાલનો જવાબ મુંબઈ ઈન્ડિયન્સના માલિક આકાશ અંબાણીએ આપ્યો છે. 

આકાશ અંબાણીએ કહ્યું કે, અમારી ટીમમાં ઘણા યુવા છે. આ યુવાઓને મેનેજ કરવા માટે અમારે અનુભવી ખેલાડીઓની જરૂરીયાત હતી, તેથી અમે મલિંગા અને યુવરાજને અમારી સાથે લીધા છે. પહેલા રાઉન્ડમાં યુવરાજને ન ખરીદવાના સવાલ પર મુંબઈ ઈન્ડિયન્સનું કહેવું છે કે, અમે બાદમાં બુદ્ધિ આપી છે. 

મુંબઈ ઈન્ડિયન્સનું કહેવું છે કે યુવરાજ સિંહના નામે લાંબો વારસો છે, જેને તે યુવાઓ સાથે શેર કરી શકે છે. તે 2011ના વિશ્વ કપ વિજેતા ટીમમાં હતો. એટલું જ નહીં તે ટૂર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો. 

યુવરાજ સિંહ સારી બેટિંગની સાથે બોલિંગમાં પણ ટીમને ઉપયોગી થઈ શકે છે. ટી20 વિશ્વકપમાં છ બોલમાં છ સિક્સ યુવરાજે ફટકારી હતી. આ રીતે મલિંગાના નામે પણ ઘણા રેકોર્ડ છે. આઈપીએલમાં તે ઘણા સફળ બોલર રહ્યો છે. સ્ટાર સ્પોર્ટસ સાથે વાતચીતમાં આકાશ અંબાણીએ કહ્યું કે, અમે નસિબદાર છીએ કે યુવરાજ અને મલિંગાને અમારી સાથે જોડી શક્યા છીએ. 

આકાશે કહ્યું કે, મલિંગા અને યુવરાજનો મુંબઈ ઈન્ડિયમાં શું રોલ હશે, તે તમે આગળ જોઈ શકશો. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તે ટીમ માટે ઉપયોગી સાબિત થશે. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે આ બંન્ને ક્રિકેટર પોતાની બેઝ પ્રાઇઝ પર વેચાશે. અમે તેને અમારી સાથે જોડીને ખુબ ખુશ છીએ. આ બંન્ને ખેલાડી આ ટી20 ટૂર્નામેન્ટની દરેક સિઝનમાં રમ્યા છે. 

મુંબઈની ટીમમાં પસંદ કરાયા બાદ યુવરાજ સિંહે એક ટ્વીટ કર્યું છે, હું મુંબઈ ઈન્ડિયન્સ પરિવારમાં જઈને ગૌરવ અનુભવી રહ્યો છું. હું નવી સિઝન શરૂ થવાની રાહ જોઈ રહ્યો છું. 

નોંધનીય છે કે, આ વખતે મલિંગા બે કરોડ અને યુવરાજ એક કરોડની બેઝ પ્રાઇઝમાં વેંચાયા છે. 37 વર્ષીય યુવરાજને 2015ના આઈપીએલમાં 16 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો, જ્યારકે 2014માં તે 14 કરોડમાં વેંચાયો હતો. પરંતુ આ વખતે તેને હરાજીના બીજા રાઉન્ડમાં મુંબઈએ તેના આધાર મૂલ્ય એક કરોડમાં ખરીદ્યો છે. ગત વખતે યુવરાજને કિંગ્સ ઇલેવન પંજાબે બે કરોડમાં ખરીદ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news