INDvsWI: છેલ્લા 16 વર્ષથી ભારત વિરુદ્ધ ટેસ્ટ મેચ જીત્યું નથી વેસ્ટ ઈન્ડિઝ

વર્લ્ડ ક્રિકેટની નંબર એક ટીમ ભારત અને નંબર આઠ ટીમ વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ગુરૂવારથી બે ટેસ્ટ મેચોની શ્રેણીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. 
 

INDvsWI: છેલ્લા 16 વર્ષથી ભારત વિરુદ્ધ ટેસ્ટ મેચ જીત્યું નથી વેસ્ટ ઈન્ડિઝ

રાજકોટઃ વર્લ્ડ ક્રિકેટની નંબર એક ટીમ ભારત અને નંબર આઠ ટીમ વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ગુરૂવારથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્ટેડિયમ ખાતે પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. જ્યાં વિશ્વની સર્વોચ્ચ ટીમ ભારત પોતાની છેલ્લી શ્રેણી ઈંગ્લેન્ડ સામે હારીને આવી છે. તો વેસ્ટ ઈન્ડિઝ ટીમ ઘરઆંગણે બાંગ્લાદેશને 2-0થી હરાવીને આવી રહી છે. 

આ શ્રેણીમાં છેલ્લી શ્રેણીઓના આંકડાથી વધુ ફેર પડતો નથી. કારણ કે ભારતનું વાતાવરણ અને ક્રિકેટનો માહોલ વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ કરતા અલગ છે. તેવામાં ખાસ કરીને વેસ્ટ ઈન્ડિઝ ટીમને એક નવી શરૂઆત કરવી પડશે. 

આમ પણ આ સદીમાં ભારત વિરુદ્ધ વિન્ડીઝનો પરાજય થયો છે. 

આવો તમને આંકડા દ્વારા જણાવીએ કે કાલથી શરૂ થઈ રહેલી આ શ્રેણીમાં કઈ ટીમનો દબદબો રહેશે. 

છેલ્લા 16 વર્ષથી ભારત વિરુદ્ધ જીત્યું નથી વેસ્ટ ઈન્ડિઝ

કોઈ સમયે વિરોધી ટીમને એકતરફથી ધૂળ ચટાવનાર વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત વિરુદ્ધ છેલ્લા 16 વર્ષથી એક જીત માટે તરસી રહી છે. વર્ષ 2002માં કિંગસ્ટનમાં અંતિમ જીત બાદ વિન્ડીઝ ભારતને હરાવી શક્યું નથી. 

છેલ્લા 16 વર્ષમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે કુલ 19 ટેસ્ટ મેચ રમાઇ છે. જેમાં ભારતે 10 જીતી છે, જ્યારે 9 ડ્રો રહી છે. 

ભારતમાં છેલ્લા 24 વર્ષથી નથી જીત્યું વેસ્ટ ઈન્ડિઝ
વેસ્ટ ઈન્ડિઝની ટીમે છેલ્લીવાર 1994માં ભારતને ઘરઆંગણે ટેસ્ટમાં હરાવ્યું હતું. મોહાલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો 243 રને વિજય થયો હતો. ત્યારબાદ વિન્ડીઝની ટીમ ભારતમાં ક્યારેય ટેસ્ટ મેચ જીતી નથી. 

સતત છ શ્રેણીમાં વિન્ડીઝને હરાવ્યું
બંન્ને દેશો વચ્ચે વર્ષ 2002થી છ ટેસ્ટ શ્રેણી રમાઇ છે. જેમાં કેરેબિયન દેશ ક્યારેય શ્રેણી જીતવામાં સફળ રહ્યો નથી. 2002થી 2016 સુધી રમાયેલી છ ટેસ્ટ શ્રેણીમાં ભારત 6-0થી આગળ છે. આ છ શ્રેણીમાં ત્રણ શ્રેણી ભારતમાં તો ત્રણ વેસ્ટ ઈન્ડિઝમાં રમાઇ છે. 

પ્રથમ શ્રેણી વિજયમાં ભારતને લાગ્યા હતા 22 વર્ષ
બંન્ને દેશો વચ્ચે વર્ષ 1948થી ટેસ્ટ શ્રેણીની શરૂઆત થઈ હતી. પરંતુ તે સમયમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમનો જલવો હતો કે ભારતીય ટીમ 22 વર્ષો સુધી સતત શ્રેણી હારી અને અંતે 1970/71માં તેને પ્રથમ વિજય મળ્યો હતો. 

1948થી 2002 સુધી હતો વેસ્ટ ઈન્ડિઝનો દબદબો
1948થી શરૂ થયેલા આ જંગમાં 2002 સુધી વેસ્ટ ઈન્ડિઝ ટીમ ભારત માટે ક્યારેય સરળ વિરોધી ટીમ રહી નથી. તેણે 2002 સુધી ભારતની સાથે કુલ 16 ટેસ્ટ શ્રેણી રમી અને 12માં વિજય મેળવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news