સ્પોટ ફિક્સિંગઃ પાક. સ્પિનર દાનિશ કનેરિયાએ કબુલ્યો અપરાધ, 5.8 લાખમાં વેચ્યા હતા 12 રન

પૂર્વ સ્પિનર દાનિશ કનેરિયાએ વર્ષ 2012માં સ્પોટ ફિક્સિંગમાં સામેલ હોવાની કબુલાત કરી છે 

સ્પોટ ફિક્સિંગઃ પાક. સ્પિનર દાનિશ કનેરિયાએ કબુલ્યો અપરાધ, 5.8 લાખમાં વેચ્યા હતા 12 રન

લંડનઃ પાકિસ્તાનના 37 વર્ષના પૂર્વ ક્રિકેટ ખેલાડી દાનિશ કનેરિયાએ છ વર્ષ સુધી ઈનકાર કર્યા બાદ આખરે સ્પોટ ફિક્સિંગમાં સામેલ હોવાનો અપરાધ કબુલ્યો છે. આ પ્રકરણમાં એસેક્સના તેના પૂર્વ સાથે મર્વિન વેસ્ટફિલ્ડ જેલની સજા કાપવી પડી હતી. દાનિશ પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટર છે અને ઘણા સમયથી પાક. ક્રિકેટ ટીમમાં નથી.

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના આજીવન ક્રિકેટ પ્રતિબંધનો સામનો કરી રહેલા કનેરિયાએ અલ જઝીરા ટીવી ડોક્યુમેન્ટરીને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, "મારું નામ દાનિસ કનેરિયા છે અને હું સ્વીકારું છું કે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા વર્ષ 2012માં મારા ઉપર લગાવાયેલા બે આરોપ સાચા હતા."

લેગ સ્પિનર કનેરિયાએ વધુમાં જણાવ્યું કે, "હું એસેક્સના મારા સાથે ખેલાડી મર્વિન વેસ્ટફીલ્ડની, એસેક્સ ક્રિકેટ ક્લબ અને એસેક્સના પ્રશંસકોની માફી માગું છું. હું પાકિસ્તાન પાસેથી પણ માગું છું."

પુરાવાના અભાવે છુટી ગયો હતો દાનિશ
દાનિશે જણાવ્યું કે, "મેં મારી જાતને મજબુત બનાવવાનો નિર્ણય લીધો છે. કેમ કે તમે એક જૂઠ સાથે વધુ જીવન જીવી શકો નહીં." સ્પોટ ફિક્સિંગના કેસમાં દાનિશની 2010માં વેસ્ટફીલ્ડ સાથે ધરપકડ કરાઈ હતી, પરંતુ પુરાવાના અભાવે બંનેને છોડી દેવાયા હતા. તેના પર ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા આજીવન પ્રતિબંધ લગાવાયો હતો.

દર એક રન માટે મળ્યા હતા 48 હજાર
વેસ્ટફીલ્ડે 2009માં ડરહમમાં 40 ઓવરની એક કાઉન્ટી મેચ દરમિયાન પોતાની પ્રથમ ઓવરમાં 12 રન આપવાના બદલે કથિત સટોડિયા અનુ ભટ્ટ પાસેથી 7862 ડોલર લીધા હતા, જેની આજની ભારતીય રૂપિયામાં મુલ્ય લગભગ રૂ.5.2 લાખ થાય છે. કનેરિયાની મધ્યસ્થતા સાથે આ સોદો થયો હતો, જેણે ભટ્ટની વેસ્ટફીલ્ડ સાથે મુલાકાત કરાવી હતી. 

ક્રિકેટમાં સ્પોટ ફિક્સિંગ નવું નથી
ક્રિકેટમાં સ્પોટ ફિક્સિંગ નવું નથી. ભૂતકાળમાં પણ અનેક ક્રિકેટરો આ કૌભાંડ હેઠળ પકડાઈ ચુક્યા છે અને સજા પણ કાપી ચૂક્યા છે. ક્રિકેટ પર વિશ્વમાં સૌથી મોટો સટ્ટો રમાય છે અને અનેક ક્રિકેટરો પર તેમાં સામેલ હોવાના આરોપો લાગી ચૂક્યા છે. તાજેતરમાં જ પાકિસ્તાનના સલમાન બટે પણ સ્પોટ ફિક્સિંગમાં સામેલ હોવાનો અપરાધ કબુલ્યો હતો. 

આ વર્ષે 5 કેપ્ટનનો સંપર્ક કરાયો
થોડા સમય પહેલાં જ સ્પોટ ફિક્સિંગ પર નજર રાખતી આઈસીસીની એન્ટી કરપ્શન યુનિટના પ્રમુખ એલેક્સ માર્શલે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે 5 આંતરરાષ્ટ્રીય ટીમના કેપ્ટનનો સ્પોટ ફિક્સિંગ માટે સંપર્ક કરાઈ ચૂક્યો છે. જેમાંથી પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહેમદ અને ઝિમ્બાબ્વેના ગ્રીમ કીમરે તો ફિક્સિંગની ઓફર અંગે જાહેરમાં જણાવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news