ટીમ ઇન્ડિયાની સેલરી થઈ જશે ડબલ કારણ કે...

ભારતીય ક્રિકેટરોના વેતનમાં ભારે વધારો કરવાનો ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી રહ્યો છે

ટીમ ઇન્ડિયાની સેલરી થઈ જશે ડબલ કારણ કે...

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટરોના પગારમાં ભારે વધારો થવાની સંભાવના છે જેમાં વિરાટ કોહલી સહિત ટોચના ખેલાડીઓનો પગાર 100 ટકા સુધી વધારવાનો પ્રસ્તાવ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કતરવામાં આવેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (CoA) એવા ફોર્મ્યુલા પર કામ કરી રહ્યું છે જેનાથી આગામી સિઝનમાં અબજોનો નફો મેળવી શકાય. 

ભારતના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સિવાય ઘરેલુ ક્રિકેટર્સનું પણ વેતન વધારવાની તૈયારી ચાલી રહી છે. CoA એવા ફોર્મ્યુલા પર કામ કરી રહ્યું છે જેનાથી આંતરરાષ્ટ્રીય તેમજ લોકલ ક્રિકેટર્સ એમ બંનેના વેતનમાં સંતુલન જાળવી શકાય. આ ફોર્મ્યુલા પરવાનગી માટે બીસીસીઆઇની જનરલ મિટિંગમાં રજૂ કરવામાં આવશે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ ખેલાડીઓના પગારવધારાની ડિમાન્ડને મજબૂત રીતે  બોર્ડ સામે મૂકી હતી. 

જો આ મંજૂરી મળી જશે તો વિરાટ કોહલી અને તેમની ટીમના ખેલાડીઓનો પગાર દુનિયાના બીજા ક્રિકેટર્સથી વધારે થઈ જશે. હાલમાં વિરાટ ભલે પોતાની બ્રાન્ડની કમાણીના કારણે દુનિયાના બીજા ક્રિકેટર્સથી આગળ હોય પણ પગારના મામલે બીજી જ સ્થિતિ છે. પગારના મામલે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓને વેતન તરીકે વધારે રકમ મળે છે. 

મળતી માહિતી પ્રમાણે બોર્ડ ગ્રેડ Aમાં આવનારા ખેલાડીઓનો વાર્ષિક પગાર 12 કરોડ રૂ. કરવાની તૈયારીમાં છે જેમાં કેપ્ટનનો પગાર સૌથી વધારે હશે. આ ગ્રેડમાં કોહલી સાથે મહેન્દ્ર સિંહ ધોની, અજિંક્ય રહાણે, રવિચન્દ્રન્ અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા તેમજ મુરલી વિજય સહિત સાત ખેલાડીઓ છે.  બીસીસીઆઇ હાલમાં A ગ્રેડમાં શામેલ ક્રિ્કેટરોને વાર્ષિક 2 કરોડ રૂ., B ગ્રેડના ખેલાડીઓને વાર્ષિક 1 કરોડ રૂ. અને ગ્રેડ Cના ખેલાડીઓનો વાર્ષિક 50 લાખ રૂ. આપે છે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news