PBKS vs GT: ગુજરાત ટાઈટન્સે લીધો બદલો, પંજાબ કિંગ્સને તેના ઘરમાં 3 વિકેટે હરાવ્યું

IPL 2024: રાહુલ તેવતિયાની મેચ વિનિંગ ઈનિંગની મદદથી ગુજરાત ટાઈટન્સે પંજાબ સામે લો-સ્કોરિંગ મેચમાં ત્રણ વિકેટે જીત મેળવી છે. ટૂર્નામેન્ટમાં આ ગુજરાતની ચોથી જીત છે અને ગિલની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. 
 

PBKS vs GT: ગુજરાત ટાઈટન્સે લીધો બદલો, પંજાબ કિંગ્સને તેના ઘરમાં 3 વિકેટે હરાવ્યું

નવી દિલ્હીઃ  ગુજરાત ટાઈટન્સે પંજાબ કિંગ્સને તેના ઘરમાં 3 વિકેટે હરાવી અમદાવાદમાં થયેલી હારનો બદલો લઈ લીધો છે. ગુજરાતના સ્પિનરોની શાનદાર બોલિંગ સામે પંજાબ કિંગ્સની ટીમ 20 ઓવરમાં 142 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ગુજરાત ટાઈટન્સે રાહુલ તેવતિયાના અણનમ 36 રનની મદદથી 19.1 ઓવરમાં 7 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સે સાહા (13) ના રૂપમાં જલ્દી પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ શુભમન ગિલ અને સાઈ સુદર્શને ઈનિંગ સંભાળી હતી. શુભમન ગિલ 29 બોલમાં 5 ચોગ્ગા સાથે 35 રન બનાવી આઉટ થયો હતો. ડેવિડ મિલર માત્ર 4 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. સાંઈ સુદર્શન પણ 31 રન બનાવી સેમ કરનનો શિકાર બન્યો હતો. ઉમરઝઈએ 10 બોલમાં 13 રનનું યોગદાન આપ્યું હતું. 

સારી શરૂઆત બાદ પંજાબનો ધબડકો
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત સારી રહી હતી. પ્રભસિમરન સિંહ અને સેમ કરને પ્રથમ વિકેટ માટે 52 રનની ભાગીદારી કરી હતી. પરંતુ ત્યારબાદ ગુજરાતે શાનદાર વાપસી કરી હતી. પ્રભસિમરન સિંહ 21 બોલમાં ત્રણ સિક્સ અને ત્રણ ચોગ્ગા સાથે 35 રન બનાવી આઉટ થયો હતો. પંજાબ કિંગ્સે પાવરપ્લેમાં 1 વિકેટે 56 રન બનાવ્યા હતા.

રાહુલ તેવતિયાએ અપાવી જીત
એક સમયે ગુજરાતને 4 ઓવરમાં 38 રનની જરૂર હતી. ત્યારે લાગી રહ્યું હતું કે ટીમને મુશ્કેલી પડી શકે છે. પરંતુ રાહુલ તેવતિયાએ કમાલની બેટિંગ કરી હતી. રાહુલ તેવતિયા 18 બોલમાં 7 ચોગ્ગા સાથે 36 રન બનાવી અણનમ રહ્યો હતો. શાહરૂખ ખાન 4 બોલમાં 8 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે રાશિદ ખાન 3 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. 

પંજાબે 63 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. રિલી રોસો 9 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ લિયામ લિવિંગસ્ટોન પણ માત્ર 6 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન સેમ કરન 20 રન બનાવી આઉટ થયો હતો. અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરનાર પંજાબ કિંગ્સના શશાંક સિંહ અને આશુતોષ શર્મા પણ આજે સસ્તામાં આઉટ થયા હતા. શશાંક 8 અને આષુતોષ 3 રન બનાવી આઉટ થયા હતા. અંતિમ ઓવરોમાં હરપ્રીત બરાર 12 બોલમાં 4 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 29 રન ફટકારી ટીમનો સ્કોર 140ને પાર પહોંચાડ્યો હતો. 

ગુજરાતના સ્પિનરોનો દબદબો
ગુજરાત ટાઈટન્સ તરફથી સાઈ કિશોરે 4 ઓવરમાં 33 રન આપી ચાર વિકેટ લીધી હતી. આ સિવાય નૂર અહમદે 4 ઓવરમાં 20 રન આપી બે વિકેટ લીધી હતી. જ્યારે રાશિદ ખાનને પણ એક સફળતા મળી હતી. મોહિત શર્માએ 4 ઓવરમાં 32 રન આપી બે બેટરોને આઉટ કર્યાં હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news