શાર્દુલ ઠાકુરનું ટેસ્ટમાં પદાર્પણ, માત્ર 10 બોલ ફેંકીને ઈજાગ્રસ્ત થતાં મેદાનથી બહાર જવું પડ્યું

ભારતનો 294મો ટેસ્ટ ખેલાડી બન્યો શાર્દુલ, વર્તમાન સિઝનમાં ભારતના 4 ખેલાડી ટેસ્ટમાં પદાર્પણ કરી ચૂક્યા છે

શાર્દુલ ઠાકુરનું ટેસ્ટમાં પદાર્પણ, માત્ર 10 બોલ ફેંકીને ઈજાગ્રસ્ત થતાં મેદાનથી બહાર જવું પડ્યું

હૈદરાબાદઃ વેસ્ટઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં શાર્દુલ ઠાકુરને લાંબા સમય બાદ પોતાની પ્રથમ ટેસ્ટ રમવાની તક મળી. જોકે, તેનું બહુપ્રતિક્ષિત ટેસ્ટ પદાર્પણ તેના માટે એક દુઃસ્વપ્ન બની ગયું કેમકે, બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે શુક્રવારે માત્ર 10 બોલ ફેંક્યા બાદ જ તેની માંસપેશીઓ ખેંચાઈ ગઈ. જેના કારણે તેને મેદાનથી બહાર જવું પડ્યું. શાર્દુલની ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ટીમમાં પસંદગી કરવામાં આવી હતી, પરંતુ તેને એક પણ મેચમાં અંતિમ ઈલેવનમાં સ્થાન મળ્યું નહીં. 

વેસ્ટઈન્ડિઝની ઈનિંગ્ની ચોથી ઓવરનો ચોથી બોલ ફેંક્યા બાદ શાર્દુલને અસહ્ય દુખાવો થવા લાગ્યો અને તે લંગડો ચાલવા લાગ્યો. ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ મેદાન પર પહોંચ્યા અને જોયું તો તેની માંસપેશીઓ ખેંચાઈ ગઈ હતી. કેપ્ટન વિરાટ કોહલી અને ફિઝિયો સાથે વાતચીત કર્યા બાદ તેને મેદાન છોડવું પડ્યું. રવિચંદ્રન અશ્વિને તેના બાકીને બે બોલ ફેંકીને ઓવર પુરી કરી. શાર્દુલની ઈજા કેટલી ગંભીર છે તેના અંગે હજુ કશું જાણવા મળ્યું નથી. 

એશિયા કપમાં પણ ઈજાગ્રસ્ત થઈને પાછો ફર્યો હતો શાર્દુલ 
શાર્દુલને આ અગાઉ એશિયા કપમાં હોંગકોંગ સામેની મેચ બાદ કુલાની ઈજાને કારણે સ્વદેશ મોકલી દેવાયો હતો. તેણે વિજય હજારે ટ્રોફીમાં મુંબઈ તરફથી પુનરાગમન કર્યું, પરંતુ હવે તેની ફિટનેસ પર સવાલ ઉઠવા લાગ્યા છે. શાર્દુલને મોહમ્મદ શમીના સ્થાને ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણની તક અપાઈ હતી. તે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પણ ટીમમાં સામેલ હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. 

ભારતનો 294મો ટેસ્ટ ખેલાડી બન્યો શાર્દુલ
ભારતીય ટીમ દ્વારા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલાં નવા ખેલાડીઓના ચકાસવાની રણનીતિ અંતર્ગત આજે ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણની તક અપાઈ હતી. તે ભારત તરફથી ટેસ્ટ મેચ રમનારો 194મો ખેલાડી બન્યો છે. શાર્દુલને વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી અને અંતિમ ટેસ્ટમાં મોહમ્મદ શમીના સ્થાને લેવાયો હતો, જેમને આ મેચમાં આરામ અપાયો છે. 

— BCCI (@BCCI) October 12, 2018

અત્યાર સુધી ચાર ખેલાડીએ કર્યું પદાર્પણ
ભારતે ઈંગ્લેન્ડ શ્રેણીથી માંડીને અત્યાર સુધી ચાર ખેલાડીઓ ઋષભ પંત, હનુમા વિહારી, પૃથ્વી શો અને શાર્દુલને ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણની તક આપી છે. 

ઋષિભ પંતે ઈંગ્લેન્ડ સામે નોટિંઘમ શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં પદાર્પણ કર્યું હતું. હનુમા વિહારીએ આ શ્રેણીમાં પાંચમી અને અંતિમ ટેસ્ટમાં પદાર્પણ કર્યું હતું. 

પૃથ્વીએ વેસ્ટ ઈન્ડિઝ સામે રાજકોટ મેચમાં ટેસ્ટમાં પ્રવેશની સાથે જ સદી ફટકારી હતી. હવે, શુક્રવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં શાર્દુલ ઠાકુરને ટેસ્ટ પ્રવેશ અપાયો છે. આમ, છેલ્લી ચાર મેચમાં ચાર ખેલાડીએ પદાર્પણ કર્યું છે. 

શાર્દુલે અત્યાર સુધી 55 ફર્સ્ટ ક્લાસ મેચમાં 88 વિકેટ લીધી છે. તે ભારત તરપથી 5 વન ડે મેચમાં 6 વિકેટ અને 7 ટી10 મેચમાં 8 વિકેટ લઈ ચૂક્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news