ICC રેન્કિંગઃ કોહલી ટોપ પર યથાવત, પૃથ્વી અને પંતની લાંબી છલાંગ

વિકેટકીપર બેટ્સમેન પંતે 92 રનની ઈનિંગની મદદથી 23 સ્થાનની છલાંગ લગાવી છે અને તે 62માં સ્થાને પહોંચી ગયો છે.

 ICC રેન્કિંગઃ કોહલી ટોપ પર યથાવત, પૃથ્વી અને પંતની લાંબી છલાંગ

દુબઈઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આઈસીસીની તાજા વર્લ્ડ રેન્કિંગમાં નંબર 1 ટેસ્ટ બેટ્સમેન તરીકે યથાવત છે, જ્યારે પૃથ્વી શો અને રિષભ પંતે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શ્રેણી સમાપ્ત થયા બાદ જાહેર થયેલા રેન્કિંગમાં લાંબી છલાંગ લગાવી છે. આ વર્ષે અન્ડર-19 વિશ્વકપમાં વિજેતા ભારતીય ટીમની આગેવાની કરનાર શોએ પોતાની પર્દાપણ શ્રેણીમાં યાદગાર પ્રદર્શન કર્યું હતું. હૈદરાબાદમાં 70 અને અણનમ 33 રનની ઈનિંગ રમવાને કારણે તે 13 સ્થાન ઉપર આવીને 60માં સ્થાને પહોંચી ગયો છે. તેણે પોતાના પર્દાપણ મેચમાં સદી ફટકારીને રેન્કિંગમાં 73માં સ્થાને પ્રવેશ કર્યો હતો. 

વિકેટકીપર બેટ્સમેન પંતે 92 રનની ઈનિંગની મદદથી 23 સ્થાનની છલાંગ લગાવી છે અને તે 62માં સ્થાને પહોંચી ગયો છે. દિલ્હીનો આ ક્રિકેટર શ્રેણી શરૂ થયા પહેલા 111માં સ્થાને હતો. તેણે રાજકોટમાં પ્રથમ મેચમાં પણ 92 રન બનાવ્યા હતા. અંજ્કિય રહાણે પણ 80 રનની ઈનિંગની મદદથી 4 સ્થાન ઉપર આવીને 18માં સ્થાને પહોંચી ગયો છે. 

બોલરોમાં ઉમેશ યાદવને પણ 4 સ્થાનનો ફાયદો થયો છે અને તે બોલરોની રેન્કિંગમાં 25માં નંબરે પહોંચી ગયો છે. ઉમેશ ભારતીય જમીન પર મેચમાં દસ વિકેટ ઝડપનારો ત્રીજો બોલર બન્યો હતો, જેથી તેના રેન્કિંગમાં સુધાર થયો છે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેપ્ટન જેસન હોલ્ડરે તમામ વિભાગમાં સારી પ્રગતી કરી છે. ભારત વિરુદ્ધ પ્રથમ ઈનિંગમાં 56 રન આપીને 5 વિકેટ ઝડપવાથી તે બોલરોના રેન્કિંગમાં 4 સ્થાન ઉપર આવીને 9માં સ્થાન પર પહોંચી ગયો છે, જે તેના કેરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે. 

બેટ્સમેનોના રેન્કિંગમાં અડધી સદી ફટકાર્યા બાદ તે ત્રણ સ્થાન આગળ આવીને 53માં સ્થાને પહોંચી ગયો છે. ઓલરાઉન્ડરોની યાદીમાં હોલ્ડર સાઉથ આફ્રિકાના વર્નોન ફિલાન્ડરની જગ્યાએ ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી પ્રથમ ઈનિંગમાં સદી ફટકારનાર રોસ્ટન ચેઝ 10 સ્થાન આગળ વધીને 31માં જ્યારે શાઇ હોપ 35માં સ્થાને પહોંચી ગયો છે. ભારતને શ્રેણીમાં 2-0થી જીત મેળવવા બદલ 1 પોઈન્ટ મળ્યો. જ્યારે વેસ્ટ ઈન્ડિઝને એક પોઈન્ટનું નુકસાન થયું છે. ટીમ રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news