INDW vs PAKW: એશિયા કપમાં અપસેટ, પાકિસ્તાને ભારતનને 13 રને હરાવ્યું, નિદા ડારનું શાનદાર પ્રદર્શન
India Women vs Pakistan Women: બાંગ્લાદેશમાં ચાલી રહેલા મહિલા એશિયા કપમાં અપસેટ સર્જાયો છે. પાકિસ્તાનની મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કરતા હરમનપ્રીત કૌરની ભારતીય ટીમને 13 રને પરાજય આપ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ India Women vs Pakistan Women: મહિલા ટી20 એશિયા કપ 2022માં પાકિસ્તાને ભારતને 13 રને પરાજય આપ્યો છે. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ભારતને 138 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ 124 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન માટે નિદા ડારે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. તેણે અડધી સદી ફટકારવા સાથે બે વિકેટ પણ ઝડપી હતી.
ભારત માટે મેઘના અને સ્મૃતિ મંધાના ઓપનિંગ કરવા આવી હતી. મંધાનાએ 19 બોલનો સામનો કરતા 17 રન બનાવ્યા હતા. તેની ઈનિંગમાં બે ચોગ્ગા સામેલ હતા. મેઘનાએ 14 બોલમાં 15 રન બનાવ્યા હતા. મેઘનાએ એક ફોર અને એક સિક્સ ફટકારી હતી. જેમિમા રોડ્રિગ્જ બે રન બનાવી આઉટ થઈ હતી. હેમલતાએ 22 બોલનો સામનો કરતા ત્રણ ચોગ્ગા સાથે 20 રન બનાવ્યા હતા.
રિચા ઘોષે આક્રમક બેટિંગ કરતા 13 બોલમાં ત્રણ સિક્સ અને એક ફોર સાથે 26 રન ફટકાર્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌર માત્ર 12 રન બનાવી આઉટ થઈ હતી. તેણે 12 બોલનો સામનો કરતા એક બાઉન્ડ્રી ફટકારી હતી. આ રીતે ભારતીય ટીમ 19.4 ઓવરમાં 124 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
પાકિસ્તાનની મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 137 રન બનાવ્યા હતા. આ દરમિયાન નિદા ડારે અણનમ અડધી સદી ફટકારી. તેણે 5 ચોગ્ગા અને એક સિક્સની મદદથી 37 બોલમાં 56 રન બનાવ્યા હતા. કેપ્ટન બિસ્માહ મારૂફે 32 રનનું યોગદાન આપ્યું હતું.
ભારત માટે દીપ્તિ શર્માએ 4 ઓવરમાં 27 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. પૂજા વસ્ત્રાકરે 4 ઓવરમાં 23 રન આપી બે વિકેટ લીધી હતી. તો રેણુકા સિંહે 4 ઓવરમાં 24 રન આપી એક સફળતા મેળવી હતી. પાકિસ્તાન માટે નિદા ડારે 4 ઓવરમાં માત્ર 23 રન આપી બે વિકેટ લીધી હતી. તો સંધૂને ત્રણ સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે