મુખ્યમંત્રી બન્યા પછી નરેન્દ્ર મોદીએ પહેલું કામ શુ કર્યું હતું, જેનું આજે પણ શબ્દશ પાલન કરે છે
‘‘દીકરા, કદી લાંચ લેતો નહીં...’’ એક માતા આ શબ્દોએ દીકરાનું જીવન બદલી નાખ્યું. આ શબ્દો બોલનાર હતા હીરાબા અને સલાહ સાંભળનાર હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ક્યારે, કેમ અને શા માટે હીરાબાએ નરેન્દ્ર મોદીને આવી સલાહ આપી હતી અને તેનું શું પરિણામ આવ્યું આવો જોઈએ તેનો એક રસપ્રદ ઈતિહાસ છે
Trending Photos
ચિંતન ભોગયતા/અમદાવાદ :‘‘દીકરા, કદી લાંચ લેતો નહીં...’’ એક માતા આ શબ્દોએ દીકરાનું જીવન બદલી નાખ્યું. આ શબ્દો બોલનાર હતા હીરાબા અને સલાહ સાંભળનાર હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ક્યારે, કેમ અને શા માટે હીરાબાએ નરેન્દ્ર મોદીને આવી સલાહ આપી હતી. આ સલાહ હીરાબાએ ત્યારે આપી હતી જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પહેલીવાર શપથ લીધા હતા. શપથ લીધા બાદ તેઓ માતાને મળવા ગયા હતા, જ્યાં માતાએ તેમને આ સલાહ આપી હતી.
આ એ સમયની વાત છે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા જ હતા. સીએમ તરીકે ચૂંટાયા પછી પહેલું કાર્ય નરેન્દ્ર મોદીએ એમના માતૃશ્રીના આશીર્વાદ મેળવવાનું કર્યું હતું. તેમને રૂબરૂ મળી ચરણ સ્પર્શ કર્યા હતા. અને ત્યારે માતાએ પોતાના દીકરાને એક જ સલાહ આપી હતી કે. દીકરા, કદી લાંચ લેતો નહીં.
ત્યારથી માતાના આ શબ્દોને નરેન્દ્ર મોદીએ પોતાના જીવનમાં એવી રીતે ઉતાર્યા કે આજે પણ તેનું આચરણ કરે છે. તેનું તાજેતરનું ઉદાહરણ છે PMOએ જાહેર કરેલી પ્રધાનમંત્રીની સંપત્તિ. સત્તામાં આટલાં વર્ષો રહ્યા છતાં તેમની પાસે કોઈ અચળ સંપત્તિ નથી. ઘણી સંપત્તિ તેમણે દાન કરી દીધી છે. તો તેમની જંગમ સંપત્તિ 2 કરોડ 23 લાખ 82 હજાર 504 રૂપિયા છે. તેમાં ફિક્સ્ડ ડિપોઝિટ, જીવન વીમા પૉલિસી, રાષ્ટ્રીય બચત પ્રમાણ પત્રો, 4 સોનાની વીંટીઓ અને રોકડનો સમાવેશ થાય છે.
એટલે જ પીએમ મોદી છાતી ઠોકીને કહી શકે છે કે, હમ ફકીર આદમી હૈ... ભૂતકાળમાં થોડા પાછળ જઈને પીએમ મોદી મુખ્યમંત્રી હતા એ સમયની વાત કરીએ તો લોકો તરફથી જે ભેટ મળતી તે બધી ભેટ નરેન્દ્ર મોદી સરકારી તોશાખાનામાં જમા કરાવતા અને ત્યારબાદ એની હરાજી થતી. એકઠું થયેલું ભંડોળ કન્યાશિક્ષણ માટે બાજુ પર મુકવામાં આવતું.
મુખ્યમંત્રીને ભેટ મળે તે માટે એક સરકારી કાયદો પણ છે કે તત્કાલીન મુખ્યમંત્રીને જે ભેટ મળે તે સરકારી તોશાખાનામાં જમા કરાવવી જોઈએ. જો મુખ્યમંત્રી કોઈ ભેટ પોતાને માટે રાખવા માગતા હોય તો એ ભેટની માર્કેટ કિંમત આંકી એટલી રકમ તેમણે સરકારને આપવી જોઈએ. આવો કાયદો હોવા છતાં સામાન્ય રીતે બધા મુખ્યમંત્રી ભેટ સરકારને પરત કરતા નથી. તેઓ પોતે જ એ રાખીને ઘરે લઈ જાય છે. પરંતું નરેન્દ્ર મોદી જુદી જ માટીના માનવી છે. તેઓ પોતાના માટે કંઈ પણ રાખતા નથી. તેમને મળેલી ભેટોની હરાજીમાંથી અત્યાર સુધી કરોડો રૂપિયા એકઠા થયા છે.
આજે જ્યારે કોઈ પણ પક્ષનો નેતા હોય પહેલું કામ પોતાનાં ખિસ્સાં ભરવાનું કરે એવામાં ગુજરાતમાં એક એવા નેતા પણ થયા, જેમણે સંપત્તિ ભેગી કરવાના બદલે દાન કરવું વધારે યોગ્ય સમજ્યું. આ હતી નરેન્દ્ર મોદીની પોતાના માતાએ કહેલા શબ્દોની આચરણની કહાની.
7 ઓક્ટોબર 2001ના રોજ લીધા હતા મુખ્યમંત્રી પદના શપથ
નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં 21 વર્ષ પૂરા થયા. આ બે દાયકામાં તેઓ મજબૂત મુખ્યમંત્રીથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય ભારતીય નેતા બની ગયા છે. તેમણે 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તે સમય દરમિયાન નરેન્દ્ર મોદી ભાજપના પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને હિમાચલ પ્રદેશના પ્રભારી હતા. તત્કાલિન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ જ્યારે પીએમ મોદીને ફોન કરીને દિલ્હી બોલાવ્યા ત્યારે તેઓ સ્મશાનમાં હતા. તે સમયે પ્લેનક્રેશમાં દિગ્ગજ નેતા માધવરાવ સિંધિયાનું અવસાન થયું હતું. તે વખતે આજના સમય જેવા સ્માર્ટ ફોન ન હતા. નોકીયાના 3310 અને 3315 નંબરના સસ્તા અને લોકપ્રિય મોડલના મોબાઈલ ફોનના દિવસો હતા. નરેન્દ્ર મોદી આવો જ એક સાદો બ્લેક એન્ડ વ્હાઈટ ફોન વાપરતા હતા. નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમને તે સમયે 2001માં કેશુભાઈ પટેલની જગ્યાએ મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપાઈ હતી. 7 ઓક્ટોબરે મુખ્યમંત્રી બન્યા બાદ ફેબ્રુઆરી 2002માં તેઓ રાજકોટ 2 વિધાનસભા બેઠકથી ચૂંટણી લડ્યા અને જીત્યા. નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો ત્યારબાદ 2002ની ગુજરાત વિધાનસભા ચૂંટણી, 2007 અને 2012ની ચૂંટણી પણ જીતી અને ફરી મુખ્યમંત્રી બન્યા. 2002માં મોદીના નેતૃત્વમાં 127 બેઠક મળી ત્યારબાદ ગુજરાત મોડલ દેશમાં ખૂણે ખૂણે ચર્ચાવા લાગ્યું હતું. 2003માં વાઈબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર સંમેલનની શરૂઆત પણ થઈ. 2007માં ભાજપને ફરી બહુમતી મળી અને 115 બેઠકો જીતી, ત્યારબાદ 2012ની ચૂંટણીમાં પણ મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી જીત મળી અને ભાજપને 115 બેઠકો મળી. નરેન્દ્ર મોદી 12 વર્ષ અને 7 મહિના સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે