IND vs AFG: રોહિત શર્માએ ફટકારી પાંચમી સદી, ટી20 આંતરરાષ્ટ્રીયમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Rohit Sharma: બેંગલુરૂમાં રોહિત શર્માએ અફઘાનિસ્તાન વિરુદ્ધ પોતાના ટી20 કરિયરની પાંચમી સદી ફટકારી છે. આ સાથે હિટમેને વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે.

IND vs AFG: રોહિત શર્માએ ફટકારી પાંચમી સદી, ટી20 આંતરરાષ્ટ્રીયમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

બેંગલુરૂઃ રોહિત શર્માએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ પોતાના ટી20 કરિયરની પાંચમી સદી ફટકારી છે. તેણે માત્ર 64 બોલમાં સદી ફટકારી. રિંકુ સિંહે પણ તેનો જોરદાર સાથ આપ્યો હતો. એક સમયે ટીમ ઈન્ડિયાએ માત્ર 22 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, ત્યાંથી રોહિત શર્મા અને રિંકુ સિંહે મળી ઈનિંગ સંભાળી અને પછી રેકોર્ડતોડ ભાગીદારી કરી હતી. બંને વચ્ચે ટી20 આંતરરાષ્ટ્રીયમાં પાંચમી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો વિશ્વ રેકોર્ડ પણ બની ગયો છે. આ જોડીએ પાંચમી વિકેટ માટે 190 રન જોડ્યા છે.

રોહિત અને રિંકુનું તોફાન
આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની 4 વિકેટ માત્ર 22 રનમાં પડી ગઈ હતી, પરંતુ રોહિત અડગ રહ્યો હતો. રોહિતે 69 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 121 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે રિંકુ સિંહ (અણનમ 69) સાથે 5મી વિકેટ માટે 190 રનની અણનમ ભાગીદારી કરી હતી. આ બંનેના તોફાનને કારણે ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 212 રન બનાવ્યા હતા. રિંકુ 39 બોલમાં 2 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારીને અણનમ રહ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી ફરીદ અહેમદે 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લીધી હતી જ્યારે અઝમતુલ્લા ઓમરઝાઈને એક વિકેટ મળી હતી.

રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાં 5મી સદી ફટકારી
શક્તિશાળી ઓપનર રોહિત શર્માએ આ મેચમાં પોતાના કરિયરની 5મી T20 ઈન્ટરનેશનલ સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બન્યો. તેણે પોતાના સાથી ખેલાડી સૂર્યકુમાર યાદવ (4 સદી) અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ (4 સદી)ને પાછળ છોડી દીધા.

ભાગીદારીનો ભારતીય રેકોર્ડ
રોહિત એક છેડે અટવાયેલો રહ્યો અને પછી છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવેલા રિંકુ સિંહ સાથે 190 રનની અણનમ ભાગીદારી કરી. ટી20માં કોઈપણ વિકેટ માટે ભારતની આ સૌથી મોટી ભાગીદારી છે. આટલું જ નહીં, રોહિત T20માં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર ભારતનો ચોથો બેટ્સમેન પણ બન્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news