નવા ફીચરના નામે સ્માર્ટફોન ખરીદતા પહેલાં આટલું વાંચી લેજો, નહીંતર પાણીમાં જશે પૈસા!

આ અહેવાલમાં અમે તમને કેટલાક સ્માર્ટફોન ફીચર્સ વિશે જણાવીશું જેને મોબાઈલ કંપનીઓ માત્ર હાઈપ આપવા ઉપયોગ કરે છે અને લોકો આ ફીચર્સને જોઈને પોતાના કિંમતી રૂપિયા ખર્ચે છે. 

નવા ફીચરના નામે સ્માર્ટફોન ખરીદતા પહેલાં આટલું વાંચી લેજો, નહીંતર પાણીમાં જશે પૈસા!

રાહુલ પીઠડીયા, અમદાવાદઃ આજકાલ લોકોમાં સ્માર્ટફોનને લઈ ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને દિગ્ગજ મોબાઈલ કંપનીઓએ 5Gના નામે ઢગલાબંધ સ્માર્ટફોન લોન્ચ કરી રહ્યાં છે. લગભગ દરરોજ નવા નવા સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવી રહ્યાં છે. આ બધા ફોન્સમાં થોડા ઘણા જ ફેરફાર કરવામાં આવે છે, જો કે કંપનીઓ ફોનને તે રીતે લોન્ચ કરી છે જાણે આ બધા ફીચર્સ કોઈ પાસે હશે જ નહીં. ગ્રાહકોને ન સાંભળ્યા હોય તેવા ફીચર્સના નામ આપીને પણ લલચાવવામાં આવે છે.

No description available.

કંપનીઓ તેમના ફોનની ડિઝાઈન, કેમેરા, સોફ્ટવેર વગેરેમાં થોડા ઘણા ફીચર્સ ઉમેરે છે, બાદમાં વધારે પડતી પબ્લિસીટી અથવા હાઈપ આપવામાં આવે છે. બસ આ જ એક કારણથી લોકો પોતાના મહેનતના રૂપિયા વેડફી મોંઘા સ્માર્ટફોન ખરીદે છે. લોકો પણ એ નથી સમજતા કે ફોન તો લઈ લીધો પરંતુ તેમાં રહેલા કેટલાક ફીચર્સ તો કોઈ જ કામના નથી. જેવા કે 5G, મેક્રો કેમેરા, 16 GB રેમ, 150W ચાર્જર વગેરે વગેરે. લોકોએ તેમની જરૂરિયાત મુજબના ફીચર્સથી સજ્જ સ્માર્ટફોન લેવા જોઈએ. બિનજરૂરી ફીચર્સની લાલચથી લોકોએ બચવું જોઈએ જેથી ફોન લઈને પછતાવવું ન પડે. આ અહેવાલમાં અમે તમને કેટલાક સ્માર્ટફોન ફીચર્સ વિશે જણાવીશું જેને મોબાઈલ કંપનીઓ માત્ર હાઈપ આપવા ઉપયોગ કરે છે અને લોકો આ ફીચર્સને જોઈને પોતાના કિંમતી રૂપિયા ખર્ચે છે. 

No description available.

1) 5G-
ભારતમાં મોબાઈલ ધારકોએ 5G શબ્દ પહેલીવાર 2017માં સાંભળ્યો હતો. બસ આ 5G શબ્દના નામે સ્માર્ટફોન કંપનીઓએ બહુ મોટી હાઈપ ક્રિએટ કરી મોબાઈલ ફોન બનાવવાની શરૂઆત કરી. ત્યારથી લઈને અત્યાર સુધી સ્માર્ટફોન કંપનીઓ ભવિષ્યમાં 5G આવશે તેમ કહી ન જાણે કેટલા બધા 5G સ્માર્ટફોન લોન્ચ કરી નાખ્યા. કડવું સત્ય એ છે કે આટલા વર્ષોમાં 5Gના નામે કંપનીઓએ લોકોને સુપરફાસ્ટ ઈન્ટરનેટ સ્પીડ અંગે વાતો કરી. લોકોએ પણ આ વાત પર ભરોસો કરીને 4Gના 15,000માં મળતા શાનદાર સ્માર્ટફોન્સને ઠુકરાવી, 5Gના 20,000 હજારથી શરૂ થતા સ્માર્ટફોન ખરીદ્યા. તમે વિચારી શકો કે આ 3-4 વર્ષોમાં 5G તો આવ્યું પણ નહીં, તેમ છતાં સ્માર્ટફોન કંપનીઓએ માત્રને માત્ર તેના નામે કેટલા રૂપિયા કમાઈ લીધા હશે. તેમાં કોઈ શંકા નથી કે 5G ભવિષ્યમાં આવશે જ, પરંતુ તેની હાઈપ ક્રિએટ કરવી તે યોગ્ય નથી. 

2) ક્વોડ કેમેરા-
મોબાઈલ કંપનીઓમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે આ ક્વોડ કેમેરા સેટઅપનો. સૌથી સસ્તા બજેટ ફોનથી લઈ પ્રીમિયમ ફોન્સમાં ત્રિપલ રિયર કેમેરા, ક્વોડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે 4-4 કેમેરાવાળા ફોનમાં માત્ર મેઈન કેમેરાથી જ હાઈ ક્વોલિટી ફોટોઝ ક્લીક થાય છે. જેમને ફોટોગ્રાફીનો શોખ હોય છે તેમના માટે મેક્રો લેન્સ, અલ્ટ્રા-વાઈડ લેન્સ જરૂરી છે, પરંતુ જે માત્ર કોલિંગ અને સામાન્ય વપરાશ માટે લોકો ડ્યુલ કેમેરાવાળા ફોન્સ પણ લઈ શકે. ફોન્સમાં મેઈન કેમેરા, અલ્ટ્રા-વાઈડ કેમેરા અને ટેલીફોટો લેન્સ સૌથી વધુ મહત્વ ધરાવે છે. 

3) રેમ-
નવા લોન્ચ થનારા ફોન્સમાં જાણે રેસ લાગી હોય તેમ રેમ વધારતા જ જઈ રહ્યાં છે. શરૂઆતના સ્માર્ટફોન્સમાં 512 MB રેમ હતી. પરંતુ સમય જતા આ રેમ ધીમે ધીમે, 1, 2, 3, 4, 6, 8, 12 અને હવે તો 16GB સુધી પહોંચી ગઈ છે. જે ફોનમાં સૌથી વધુ રેમ હશે તે ફોન ક્યારેય હેંગ નહીં થાય. લોકોની આ માન્યતા તદ્દન ખોટી છે. કારણ કે જો ફોનમાં જરૂરતથી વધારે એપ્સ, ફોટોઝ, વીડિયોઝ હશે, તો 16 GB રેમ પણ ફોનને હેંગ થવાથી નહીં રોકી શકે. સામાન્ય વપરાશ માટે લોકો 4GB અથવા 6GB રેમ વાળો ફોન લઈ શકે. જો વ્યક્તિ હાઈ ટેક ગેમ્સ અથવા IT ફીલ્ડમાં કામ કરતો હોય તો તે 8GB રેમવાળો ફોન લઈ શકે. 

4) સ્ક્રિન ક્વોલિટી-
શરૂઆતી સ્માર્ટફોન્સમાં સ્ક્રિન ક્વોલિટી 240p હતી. જે ધીમેધીમે 480p SD, 720p HD, 1080p FHD+પર પહોંચી. પરંતુ હવે તો સ્માર્ટફોન કંપની ક્વોડ HD સ્ક્રિન, ITPO ડિસ્પ્લેથી સજ્જ સ્ક્રિનવાળા ફોન લોન્ચ કરી રહી છે. આ માત્રને માત્ર લોકોને લલચાવવા એક પ્રકારનો હાઈપ છે. લોકો 720p HD અથવા 1080p FHD+ સ્ક્રિનમાં પણ સર્વશ્રેષ્ઠ કન્ટેન્ટ નિહાળી શકે છે. ક્વોડ HD સ્ક્રિનથી માત્ર કન્ટેન્ટ વધુ ક્રિસ્પ અને શાર્પ દેખાશે. આ સિવાઈ આ સ્ક્રિનનો કોઈ વધુ ફાયદો નથી. 

5) ફોન બિલ્ડ ક્વોલિટી-
મોટા ભાગના ફોનમાં પ્લાસ્ટિક પોલિકાર્બોનેટ બેક કવર આપવામાં આવે છે. જે એક પ્રકારે પર્ફેક્ટ મટીરિયલ છે. પરંતુ વધુ સેફ્ટીના નામે મોબાઈલ કંપનીઓ ગ્લાસ બેક કવર, મેટલ સાઈડ ફીનિશ સહિતના ફીચર્સથી લોકોને લલચાવે છે. જો લોકોને મોબાઈલ ફોન બાબતે સારી સંભાળ હોય તો સામાન્ય પ્લાસ્ટિક બેક મટીરિયલ પણ એક સારો વિકલ્પ છે. મોબાઈલ ફોન બેકને સુરક્ષિત રાખવા લોકો સારી ક્વોલિટીનું બેક કવર પણ લગાવી શકે છે. 

6) વાયરલેસ ચાર્જિંગ-
આજે મોટા ભાગના એપલ, સેમસંગના પ્રીમિયમ ફોન્સમાં વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ હોય છે. જે એકાંતરે બહુ ઉપયોગી ફીચર છે. આ ફીચરથી લોકો માત્ર ફોનને ચાર્જિંગ સર્ફેસ પર રાખી ફોન ચાર્જ કરી શકે. પરંતુ શું આ ફીચર ખરેખર દરરોજની લાઈફમાં ઉપયોગી છે. જવાબ છે ના. કારણ કે જે વાયરલેસ ડિવાઈસથી ફોનને ચાર્જ કરવામાં આવે છે તેને પણ ચાર્જ કરવું પડે છે. સાથે જ આ વાયરલેસ ચાર્જરની કિંમત પણ ખાસી વધુ હોય છે. વાયર્ડ ચાર્જરની સરખામણીએ વાયરલેસ ચાર્જિંગ સ્લો હોય છે. 

7) ફાસ્ટ ચાર્જિંગ-
પહેલાના સ્માર્ટફોન્સમાં 5 વોટ સુધીના ચાર્જર મળતા, જેની મદદથી ફોનને ફુલ ચાર્જ થતા આશરે 1.5થી 2 કલાકનો સમય લાગતો. ધીમે ધીમે ચાર્જરના વોટની કેપેસિટી 10Wથી લઈ 65W સુધી પહોંચી. તેમ છતાં સ્માર્ટફોન કંપનીઓએ હાર ન માની અને 120W અને 150Wના સુપર ફાસ્ટ લાઈટનિંગ ચાર્જર લોન્ચ કર્યા. સામાન્ય લેપટોપમાં પણ 65Wના ચાર્જિંગની સુવિધા મળે છે. 15 મિનિટમાં ફુલ ચાર્જ કરતા આ ચાર્જર પર એક પ્રશ્ન થાય કે લોકોને એવી શું ઉતાવળ હશે કે આ ચાર્જર કંપનીઓએ બનાવવું પડ્યું. 33 વોટના સામાન્ય ચાર્જરથી પણ લોકો ફોનને ચાર્જ કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news