પાકિસ્તાન: ચૂંટણીમાં ફતેહ હાંસલ કરવાના સપના જોતા આતંકી હાફિઝને મોટો ફટકો
પાકિસ્તાનની ચૂંટણીના મેદાનમાં ઉતરેલા આતંકી હાફિઝ સઈદ અને તેના ઉમેદવારોને ચૂંટણી પહેલા જ મોટો ફટકો પડ્યો છે.
Trending Photos
ઈસ્લામાબાદ: પાકિસ્તાનની ચૂંટણીના મેદાનમાં ઉતરેલા આતંકી હાફિઝ સઈદ અને તેના ઉમેદવારોને ચૂંટણી પહેલા જ મોટો ફટકો પડ્યો છે. સોશિયલ મીડિયાના સૌથી મોટા પ્લેટફોર્મ ફેસબુકે મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ અને આંતરરાષ્ટ્રીય આતંકી હાફિઝ સઈદની પાર્ટી મિલી મુસ્લિમ લીગ(MML)ના પેજ ડિલિટ કરી નાખ્યાં છે. MMLએ પણ આ અંગે પુષ્ટિ કરી દીધી છે.
ફેસબુકે માત્ર પાર્ટીના જ નહીં પરંતુ ઉમેદવારો ઉપરાંત તેને સંલગ્ન અન્ય પેજો પણ ડિલિટ કરી નાખ્યા છે. એમએમએલના જણાવ્યાં મુજબ સોશિયલ મીડિયા કંપનીએ આ બદલ કોઈ કારણ જણાવ્યું નથી. એમએમએલના નેતાઓ ફેસબુકના આ પગલાને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું હનન ગણાવી રહ્યાં છે અને બૂમો પાડી રહ્યાં છે કે તેમની સાથે અન્યાય થયો છે.
એક્સપ્રેસ ટ્રિબ્યુનના એક રિપોર્ટ મુજબ એમએમએલના પ્રવક્તા તબિશ ક્યૂમે કહ્યું છે કે ફેસબુકે પોતાની જ નીતિઓનો ભંગ કર્યો છે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાનમાં 25 જુલાઈના રોજ મતદાન છે. પાકિસ્તાનમાં પ્રતિબંધિત હાફિઝના સંગઠન જમાત ઉદ દાવાના રાજકીય પક્ષ એમએમએલને પણ પ્રતિબંધિત કરી દેવાયું હતું. ત્યારબાદ એમએમએલએ અલ્લાહ ઓ અકબર તહરીક (AAT) રાજકીય પક્ષના નામે અનેક ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
અત્રે જણાવવાનું કે ફેસબુકે પાકિસ્તાનમાં 25 જુલાઈના રોજ થનારી સામાન્ય ચૂંટણીઓ અગાઉ સુરક્ષા વધારી દીધી છે. પાકિસ્તાની મીડિયાના આજના રિપોર્ટ મુજબ ફેસબુકે સુરક્ષાના અનેક પગલા લીધા છે. કંપનીના પ્રવક્તા સરીમ અઝીઝે પાકિસ્તાનના અખબારને શનિવારે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના ક્ષેત્રની અગ્રણી કંપનીએ આ ક્ષેત્રમાં સુરક્ષા ને સંરક્ષાના કાર્ય કરનારાઓની સંખ્યા વધારી છે અને મંચનો દુરઉપયોગ થતો રોકવા માટે સમર્પિત ટીમ કામે લગાડી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે