યુક્રેન બાદ પુતિનનો નવો ટાર્ગેટ આ દેશ?, બેલારૂસના રાષ્ટ્રપતિએ ભૂલથી કરી નાખ્યો ખુલાસો!
યુક્રેન પર રશિયાના હુમલા અંગે અમેરિકા અને પશ્ચિમી દેશો ભલે રશિયા અને ત્યાંના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વિરુદ્ધ જૂથબંધી કરી રહ્યા હોય. પરંતુ અનેક દેશો એવા પણ છે જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રશિયાની સાથે છે અથવા તો રશિયાનું સમર્થન કરી રહ્યા છે.
Trending Photos
મોસ્કો: યુક્રેન પર રશિયાના હુમલા અંગે અમેરિકા અને પશ્ચિમી દેશો ભલે રશિયા અને ત્યાંના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વિરુદ્ધ જૂથબંધી કરી રહ્યા હોય. પરંતુ અનેક દેશો એવા પણ છે જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રશિયાની સાથે છે અથવા તો રશિયાનું સમર્થન કરી રહ્યા છે. પુતિનના સહયોગીઓની વાત કરીએ તો પહેલું નામ બેલારૂસના રાષ્ટ્રપતિ Alexander Lukashenko નું આવે છે. જેમણે હુમલાની જાહેરાત થતા જ પોતાની સરહદો પુતિનની ટેંકો માટે ખોલી નાખી હતી. આ બધા વચ્ચે બેલારૂસના રાષ્ટ્રપતિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેનું પ્રસારણ સરકારી ટીવી ચેનલ પર થયું હતું. આ વીડિયોના હવાલે કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેનને ફતેહ કર્યા બાદ રશિયા અને પુતિનનો આગામી ટાર્ગેટ મોલ્દોવા (Moldova) હશે.
પુતિનના ટાર્ગેટનો ખુલાસો?
મેઈલ ઓનલાઈનમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ મુજબ ભલે અત્યાર સુધીની લડાઈમાં બેલારૂસ સીધુ સામે નથી આવ્યું. પરંતુ હાલમાં જ યુક્રેનની ગુપ્તચર એજન્સીએ દાવો કર્યો છે કે તેમના દેશ વિરુદ્ધ યુદ્ધમાં બેલારૂસ ખુલીને મેદાનમાં આવી ગયું છે. બેલારૂસના 300 ટેંકની તૈનાતી સાથે તેના ફાઈટર વિમાનો પણ આમ તેમ ચક્કર કાપી રહ્યા છે. આ જ કારણ એવું લાગી રહ્યું છે કે બેલારૂસના રાષ્ટ્રપતિ અલેક્ઝાન્ડર લુકાશેન્કોએ સંકેત આપ્યો છે કે વ્લાદિમિર પુતિનની સેના આગામી તબક્કામાં મોલ્દોવા પર હુમલો કરવાની તૈયારીમાં છે.
વાત જાણે એમ છે કે તેમણે પોતાના સુરક્ષા અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી જે દરમિયાન તેમણે એક વોર મેપ દર્શાવતા પોતાની રણનીતિની જાહેરાત કરી. આ દરમિયાન તેઓ મિલિટ્રી ઓપરેશનની ચર્ચા કરી રહ્યા છે. નક્શામાં રશિયા, યુક્રેન, બેલારૂસ, અને કેટલાક યુરોપીયન દેશોની સરહદો અને સેન્ટર પર નિશાન લાગેલા છે. લુકાશેન્કો એક સ્ટિકથી એક એક પોઈન્ટને બ્રીફ કરી રહ્યા છે. આ તમામ એ જગ્યા છે જ્યાં રશિયાના સૈનિકો કાર્યવાહી કરી ચૂક્યા છે અને સતત આગળ વધી રહ્યા છે. જેમાં નોર્થ ડાઈરેક્શનથી કિવ બાજુ અને ક્રિમિયાથી ખેરસોન તરફની મૂવમેન્ટ જોવા મળી રહી છે.
શું ભૂલથી ડિસ્ક્લોઝ થયો પુતિનનો પ્લાન?
વીડિયોમાં તેમના હુમલા સંલગ્ન એવા નિશાન પણ દેખાયા જેના પર હજુ રશિયાની એરફોર્સ કે આર્મીએ હુમલો કર્યો નથી. આ દરમિયાન ઓડેસાના પોર્ટ સિટીથી મોલ્દોવા તરફ ઈશારો કરતા તેઓ કઈક ચર્ચા કરે છે જેનાથી અટકળો થઈ રહી છે કે રશિયા નજીકના ભવિષ્યમાં યુક્રેનના પડોશી ભાગોમાં પોતાના સૈનિકોની માર્ચ કરાવવાનું મન બનાવી ચૂક્યું છે. જો કે એ વાત અલગ છે કે યુક્રેનની સેના અને ત્યાંના લોકો પણ રશિયાની સેનાનો ડટીને મુકાબલો કરી રહ્યા છે. હુમલાના સાત દિવસ બાદ પણ રશિયાને કોઈ ખાસ સફળતા મળી નથી. આ મીટિંગનું લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું હતું આથી કહેવાય છે કે આ ભૂલના કારણે યુક્રેન બાદ પુતિનના નેક્સ્ટ પ્લાનનો ખુલાસો થયો છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ યુક્રેનને લઈને રશિયાનું આક્રમક વલણ વધુ તેજ થઈ રહ્યું છે. અનેક માઈલ લાંબો કાફલો કિવ પર કબજો જમાવવા માટે આગળ વધ્યો છે. આ હુમલામાં નાગરિકોના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. આવામાં યુદ્ધ કેટલું લાંબુ ખેંચાશે અને તેની જ્વાળા યુરોપના અન્ય કયા કયા દેશો સુધી પહોંચશે તે હાલ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે