ભારતને મોટી સફળતા, મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણનો રસ્તો સાફ, અમેરિકાની લીલી ઝંડી
26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને જલદી ભારત લાવી શકાય છે. ભારત-અમેરિકા પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેને ભારત મોકલવાની મંજૂરી ઓગસ્ટ 2024માં જ મળી ગઈ હતી. રાણા હાલ લોસ એન્જલસની જેલમાં બંધ છે.
Trending Photos
Who is Tahawwur Hussain Rana: 26/11 મુંબઈ હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો અને ચારેબાજુ ડરનો માહોલ હતો. આ હુમલામાં 166 લોકોના જીવ ગયા હતા. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે 26/11 મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણાને જલદી ભારત લાવી શકાય છે. ભારત-અમેરિકા પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેને ભારત મોકલવાની મંજૂરી ઓગસ્ટ 2024માં જ મળી ગઈ હતી. રાણા હાલ લોસ એન્જલસની જેલમાં બંધ છે.
અમેરિકી કોર્ટે ઓગસ્ટ 2024માં એક ચુકાદામાં ભારત-અમેરિકા પ્રત્યાર્પણ સંધિ હેઠળ રાણાને ભારત મોકલવાની મંજૂરી આપી દીધી હતી. હવે ભારત તેને જલદી લાવવાની પ્રક્રિયા તેજ કરી રહ્યું છે. રાણા પર આરોપ છે કે તેણે 26/11ના માસ્ટરમાઈન્ડ ડેવિડ કોલમેન હેડલીની મદદ કરી હતી. હેડલીએ મુંબઈમાં ઠેકાણાઓની રેકી કરી હતી. આ અગાઉ ભારતે અમેરિકી કોર્ટમાં મજબૂત પુરાવાઓ રજૂ કર્યા હતા. જેમાં રાણાની સંડોવણી સ્પષ્ટ નજરે ચડી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે રાણા વિરુદ્ધ ભારતમાં લાગેલા આરોપો અમેરિકી કોર્ટના કેસોથી અલગ છે. બંને દેશો વચ્ચે જે સમજૂતિ છે તે હેઠળ તેને ભારત પ્રત્યાર્પિત કરી શકાય છે.
અત્રે જણાવવાનું કે એફબીઆઈએ રાણાને 2009માં શિકાગોથી પકડ્યો હતો. તે પાકિસ્તાનની ISI અને લશ્કર એ તૈયબાનો ઓપરેટિવ જણાવવામાં આવ્યો છે. હવે તેને ભારત લાવવાની તૈયારીઓ જોરશોરમાં છે. કોર્ટે રાણાને આતંકવાદી સંગઠનને મદદ કરવા અને ડેનમાર્કમાં આતંકી હુમલાઓને અંજામ આપવાનું નિષ્ફળ કાવતરું રચવા બદલ દોષિત ઠેરવ્યો હતો. જો કે કોર્ટે ભારતમાં કરાયેલા હુમલાનો આરોપી ગણવાની ના પાડી દીધી પરંતુ એ સ્વીકાર્યું કે તે મુંબઈ આતંકી હુમલાના ષડયંત્રમાં સામેલ રહ્યો હતો અને તેને ભારત પ્રત્યાર્પણ કરવો જોઈએ.
કોણ છે આ તહવ્વુર રાણા
તહવ્વુર રાણાનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. તેણે આર્મી મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો અને પાકિસ્તાન આર્મીમાં 10 વર્ષ સુધી ડોક્ટર તરીકે કામ કર્યું. પરંતુ તહવ્વુર રાણાને પોતાનું કામ ગમ્યું નહીં અને તેણે આ નોકરી છોડી દીધી. ભારત વિરુદ્ધ આતંકી ગતિવિધિઓમાં સામેલ રહેલો તહવ્વુર રાણા હજુ પણ કેનેડાનો નાગરિક છે. પરંતુ હાલમાં શિકાગોમાં રહેતો હતો, જ્યાં તેનો બિઝનેસ છે.
કોર્ટના દસ્તાવેજો મુજબ તેણે કનેડા, પાકિસ્તાન, જર્મની અને ઈંગ્લેન્ડનો પ્રવાસ કરેલો છે અને ત્યાં રહ્યો છે, તે લગભગ 7 ભાષા બોલી શકે છે. કોર્ટના દસ્તાવેજો મુજબ 2006થી લઈને નવેમ્બર 2008 સુધી તહવ્વુર રાણાએ પાકિસ્તાનમાં ડેવિડ હેડલી અને અન્ય લોકો સાથે મળીને ષડયંત્ર રચ્યું. આ દરમિયાન તહવ્વુર રાણાએ આતંકી સંગઠન લશ્કર એ તૈયબા અને હરકત ઉલ જિહાદ એ ઈસ્લામીની મદદ કરી અને મુંબઈ આતંકી હુમલાનું પ્લાનિંગ કર્યું અને તેના અમલીકરણમાં મદદ કરી. આતંકી હેડલી આ મામલે તાજનો સાક્ષી બનેલો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે