પાકિસ્તાન: રૂવાંડા ઊભા કરી નાખે તેવો બનાવ, ડિલિવરી સમયે જ નવજાતનું ધડ અને માથું અલગ

પાકિસ્તાનમાં એક એવો બનાવ બન્યો છે કે તેના વિશે જાણીને રૂવાંડા ઊભા થઈ જાય.

Updated: Aug 10, 2018, 09:47 AM IST
પાકિસ્તાન: રૂવાંડા ઊભા કરી નાખે તેવો બનાવ, ડિલિવરી સમયે જ નવજાતનું ધડ અને માથું અલગ
સાંકેતિક તસવીર

કરાંચી: પાકિસ્તાનમાં એક એવો બનાવ બન્યો છે કે તેના વિશે જાણીને રૂવાંડા ઊભા થઈ જાય. એક મહિલા ડોક્ટરે દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનના એક ખાનગી હોસ્પિટલમાં બાળકના જન્મ સમયે એવી ભૂલ કરી કે નવજાતનું માથું જ ધડથી અલગ થઈ ગયું. જેના કારણે બાળકના શરીરનો બાકીનો ભાગ ગર્ભમાં જ રહી ગયો અને માથું ડોક્ટરના હાથમાં આવી ગયું. 

'એક્સપ્રેસ ટ્રિબ્યુન'ના અહેવાલ મુજબ બાદમાં બલૂચિસ્તાનની રાજધાની ક્વેટામાં એક સરકારી હોસ્પિટલમાં સર્જરી કરીને બાળકનું ધડ કાઢવામાં આવ્યું હતું. અહેવાલમાં કહેવાયું કે અબ્દુલ નાસિરે દાવો કર્યો છે કે બુધવારે તે તેની પત્નીને લઈને ડોક્ટર આલિયા નાઝ તારનના પ્રાઈવેટ ક્લિનિકમાં ગયો હતો. ડોક્ટરે તેની પાસે ડિલિવરી માટે દસ હજાર રૂપિયા માંગ્યા હતાં અને એમ પણ કહ્યું કે કોઈ પણ પરેશાની વગર સામાન્ય ડિલિવરી કરીશું. 

અહેવાલ મુજબ તેમણે દાવો પણ કર્યો કે ડોક્ટરે નવજાત બાળકનું માથું ધડથી અલગ કરી નાખ્યું. નાસિરે કહ્યું કે બાળકનું ધડ માતાના ગર્ભમાં જ રહી ગયું અને ત્યારબાદ ડોક્ટરે તેમની પત્નીને સરકારી હોસ્પિટલમાં લઈ જવા જણાવ્યું. સરકારી હોસ્પિટલમાં ઓપરેશન કરીને માતાના ગર્ભમાંથી બાળકનું ધડ કાઢવામાં આવ્યું. તેમણે કહ્યું કે ખાનગી હોસ્પિટલના સ્ટાફે તેમને મેડિકલ રિપોર્ટ આપવાની ના પાડી દીધી. 

અખબારે સૂત્રોના હવાલે કહ્યું છે કે આરોપી ડોક્ટર ઉપ જિલ્લા સ્વાસ્થ્ય અધિકારી તરીકે કામ કરે છે. બલૂચિસ્તાનના કાર્યવાહક મુખ્યમંત્રી અલાઉદ્દીન મારીએ આ ઘટના અંગે ઉચ્ચસ્તરની તપાસના આદેશ આપ્યા છે.