વિજય માલ્યા, નીરવ મોદી અને ચોક્સી મામલે મોટા અપડેટ!, સરકારી બેંકોને ટ્રાન્સફર થઈ 9371.17 કરોડની સંપત્તિ

ઈડીએ આ ત્રણેય ભાગેડુઓ પાસેથી જપ્ત થયેલી 9371.17 કરોડ રૂપિયાની સંપત્તિ સરકારી બેંકોને ટ્રાન્સફર કરી દીધી છે. સરકારી બેંક હવે આ સંપત્તિઓની હરાજી કરીને પોતાના પૈસા વસૂલી શકે છે. 

Updated By: Jun 23, 2021, 02:56 PM IST
વિજય માલ્યા, નીરવ મોદી અને ચોક્સી મામલે મોટા અપડેટ!, સરકારી બેંકોને ટ્રાન્સફર થઈ 9371.17 કરોડની સંપત્તિ
ફાઈલ ફોટો

નવી દિલ્હી: દેશના ત્રણ સૌથી મોટા ભાગેડુઓ વિજય માલ્યા, નીરવ મોદી, અને મેહુલ ચોક્સી મામલે સરકારી બેંકોને મોટી સફળતા મળી છે. ઈડીએ આ ત્રણેય ભાગેડુઓ પાસેથી જપ્ત થયેલી 9371.17 કરોડ રૂપિયાની સંપત્તિ સરકારી બેંકોને ટ્રાન્સફર કરી દીધી છે. સરકારી બેંક હવે આ સંપત્તિઓની હરાજી કરીને પોતાના પૈસા વસૂલી શકે છે. 

સરકારી બેંકોને સંપત્તિ કરાઈ ટ્રાન્સફર
અત્રે જણાવવાનું કે વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નીરવ મોદી સરકારી બેંકો સાથે ફ્રોડ આચરીને લોન લીધી અને આ ફંડને પોતાની કંપનીઓ દ્વારા બીજા એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવ્યું જેનાથી સરકારી બેંકોને 22,585.83 કરોડ રૂપિયાનું નુકસાન થયું. મેહુલ ચોંક્સીએ  પંજાબ નેશનલ બેંકને 13500 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. જ્યારે વિજય માલ્યાએ 9000 કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો છે. 

ED એ ટ્વીટ કરીને આપી જાણકારી
આ અંગે આજે ED એ ટ્વીટ પણ કરી છે. જેમાં કહ્યું છે કે અત્યાર સુધીમાં વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નીરવ મોદીની 18170 કરોડની સંપત્તિ અટેચ અને સીઝ કરી છે. આ રકમ બેંકોના કુલ નુકસાનના લગભગ 80.45 ટકા છે. PMLA હેઠળ જપ્ત કરાયેલી આ સંપત્તિઓનો એક હિસ્સો સરકારી બેંકો અને કેન્દ્ર સરકારને પણ ટ્રાન્સફર કરાયો છે જે 9371 કરોડ રૂપિયા છે. 

ફેક કંપનીઓમાં પૈસા ફેરવતા હતા
આ મામલે CBI એ અનેક FIR દાખલ કરી, ત્યારબાદ ED એ પણ આ આરોપીઓના દેશ અને વિદેશમાં લેવડદેવડના આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે આ ત્રણેય આરોપી ડમી કંપનીઓ/ટ્રસ્ટ/થર્ડ પાર્ટી અને સંબંધીઓ વચ્ચે સરકારી બેંકોના પૈસાને એક કંપનીમાંથી બીજી કંપનીમાં ફેરવતા હતા. ઈડીએ પોતાની તપાસ દરમિયાન18,170 કરોડ રૂપિયાની પ્રોપર્ટી જપ્ત કરી. જેમાંથી 969 કરોડની સંપત્તિ વિદેશમાં છે. 

પહેલા ટ્રાન્સફર કર્યા હતા 6600 કરોડ રૂપિયાના શેર
આ અગાઉ હાલમાં જ ઈડીએ જપ્ત કરાયેલા 6600 કરોડ રૂપિયાના શેરને SBI ના નેતૃત્વમાં બનેલા બેંકોના કન્સોર્શિયમને ટ્રાન્સફર કર્યા હતા. SBI તરફથી DRT એ United Breweries Limited ના શેરોને 5824.50 કરોડ રૂપિયામાં વેચ્યા છે. 

25 જૂનના રોજ શેરોનું આગામી વેચાણ
હવે 25 જૂનના રોજ શેરોનું વેચાણ કરીને 800 કરોડ રૂપિયા મળે તેવી આશા છે. સરકારી બેંક આ અગાઉ શેરો વેચીને 1357 કરોડ રૂપિયાની વસૂલાત કરી ચૂક્યા છે. આ જ પ્રકારે બેંકોને PMLA ના નિયમો હેઠળ ઈડી તરફથી જપ્ત કરાયેલી કે સીઝ કરાયેલી સંપત્તિના એક ભાગના વેચાણ દ્વારા કુલ 9041.5 કરોડ રૂપિયાની વસૂલાત થઈ છે. વધુ 329.67 કરોડની સંપત્તિ સીઝ કરાઈ છે. આમ કુલ આંકડો 9371.17 કરોડ રૂપિયા થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube