PNB કૌભાંડ: 100 કરોડની સંપત્તિ સામે મેહુલ ચોક્સીને મળી હતી 5280 કરોડની લોન
- મેહુલ ચોક્સીને 31 બેંકોમાંથી 5280 કરોડ રૂપિયાની લોન મળી હતી
- નવેમ્બર 2010થી એપ્રિલ 2014 વચ્ચે 5280 કરોડ રૂપિયાની લોન લીધી હતી
- લોનના બદલામાં બેંકો પાસે માત્ર 100 કરોડ રૂપિયાની સંપત્તિ રાખી હતી
Trending Photos
નવી દિલ્હી: ગીતાંજલી જેમ્સના પ્રમોટર મેહુલ ચોક્સીના મામલે તપાસ કરી રહેલી એજન્સીઓએ પ્રાથમિક તપાસમાં જાણ્યું કે ચોક્સીએ નવેમ્બર 2010થી એપ્રિલ 2014 વચ્ચે 31 બેંકોમાંથી 5280 કરોડ રૂપિયા લોન તરીકે લીધા હતાં. પરંતુ આ લોનના બદલામાં તેણે બેંકોમાં માત્ર 100 કરોડ રૂપિયાની સંપત્તિ જમાનત તરીકે જમા કરાવી હતી. આ મામલા સંલગ્ન સૂત્રોના જણાવ્યાં મુજબ અલાહાબાદ બેંકની પૂર્ણ સ્વામિત્વવાળી ઓલ બેંક ફાઈનાન્સ લિમિટેડ આ મામલે સિક્યોરિટીઝની પ્રોટેક્ટર છે.
બેંકો પાસે માંગવામાં આવ્યું સ્પષ્ટીકરણ
ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા એક અહેવાલ મુજબ, સૂત્રોએ જણાવ્યું કે તપાસ એજન્સીઓએ અલાહાબાદ બેંક અને ઓલ બેંક ફાઈનાન્સ લિમિટેડના અધિકારીઓ પાસે સ્પષ્ટીકરણ માંગ્યું છે. બેંકો પાસે ચોક્સીની ફર્મને અપાયેલી લોન અંગે જાણકારી અને લોન માટે અપર્યાપ્ત પ્રમાણના કારણો પર સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ અલાહાબાદ બેંક અને ચોક્સીની ફર્મે આ મામલે પ્રતિક્રિયા માટે મોકલવામાં આવેલા કોઈ પણ મેલ, ફોન કોલ કે મેસેજ પર કોઈ જવાબ આપ્યો નથી.
કઈ બેંકો પાસેથી ચોક્સીએ લીધી લોન
રિપોર્ટ મુજબ ચોક્સીએ કુલ 31 બેંકો પાસેથી આ લોન લીધી હતી. જેમાં અલાહાબાદ બેંક, આંધ્રા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, કોર્પોરેશન બેંક, દેના બેંક, એક્સપોર્ટ ઈમ્પોર્ટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવરસીસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, આઈડીબીઆઈ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, કર્ણાટક બેંક, કરુર વૈશ્ય બેંક, પંજાબ નેશનલ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સ્ટેટ બેંક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સિંડીકેટ બેંક, યૂનિયન બેંક, યુનાઈટેડ બેંક, વિજયા બેંક, સ્ટેટ બેંક ઓફ મોરેશિયસ, કેથોલિક સીરિયન બેંક, લક્ષ્મી વિલાસ બેંક, જમ્મુ એન્ડ કશ્મીર બેંક તથા ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ સામેલ છે.
લોનની સીમા વધારવામાં આવી
મીડિયા રિપોર્ટ મુજબ ઓગસ્ટ 2013માં બેંકોના કંસોર્શિયમે ચોક્સીની કંપનીઓ માટે લોનની રકમ 3,610 કરોડ રૂપિયાથી વધારીને 5,280 કરોડ રૂપિયા કરી નાખી. આ મામલાની તપાસ માટે ચોક્સીની 73 કંપનીઓ પર તપાસ એજન્સીઓની નજર છે. પંજાબ નેશનલ બેંક જોડે કરેલી 12,700 કરોડ રૂપિયાની ઉચાપત મામલે ચોકસી સંલગ્ન 73 કંપનીઓની સીબીઆઈ, ઈડી અને સીરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ(SFIO) દ્વારા તપાસ થઈ રહી છે.
અનેક પ્રકારના કારોબાર સાથે જોડાયેલો હતો ચોક્સી
જે 73 ફર્મ પર તપાસ એજન્સીઓની નજર છે તેનાથી માલુમ પડે છે કે ચોક્સીનો કારોબાર અનેક પ્રકારના સેક્ટરમાં ફેલાયેલો હતો. જેમાં રીયલ એસ્ટેટ, કૃષિ અને ડેરી, ટેલિકોમ્યુનિકેશન્સ, આઈટી, નાણાકીય સેવાઓ અને સ્ટોક ટ્રેડિંગ સંબંધિત છે. આ ફર્મોના રિપોર્ટ મુજબ મોટા ભાગની કંપનીઓ થોડા સમયમાં જ બંધ થવાની કગાર પર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે