કૌભાંડ બાદ PNBની મોટી કાર્યવાહી, 18,000 કર્મચારીઓની બદલી કરી નાખી

 બેંક મેનેજમેન્ટે છેલ્લા એક અઠવાડિયામાં 18,000 કર્મચારીઓની બદલી કરી નાખી છે. 

કૌભાંડ બાદ PNBની મોટી કાર્યવાહી, 18,000 કર્મચારીઓની બદલી કરી નાખી

નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંકમાં હાલમાં જ થયેલા 11,400 કરોડના કૌભાંડ બાદ પહેલીવાર બેંકે પોતે મોટી કાર્યવાહી કરી છે. બેંક મેનેજમેન્ટે છેલ્લા એક અઠવાડિયામાં 18,000 કર્મચારીઓની બદલી કરી નાખી છે. અત્રે જણાવવાનું કે મહાકૌભાંડ મામલે સીબીઆઈ દ્વારા સતત બેંકના કર્મચારીઓની ધરપકડ થઈ રહી છે. અત્યાર સુધી સીબીઆઈએ ત્રણ કર્મચારી અને બેંકના જનરલ મેનેજરની ધરપકડ કરી છે. 

ગઈ કાલથી શરૂ થઈ ગઈ હતી તૈયારીઓ
પંજાબ નેશનલ બેંકે મોટા પાયે બદલીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ટ્રાન્સફર લિસ્ટ 21 ફેબ્રુઆરી એટલે કે આજે બહાર આવ્યું. સીવીસીના ઓર્ડર પર બેંકે કાર્યવાહી શરૂ કરી છે. અત્રે જણાવવાનું કે બેંકિંગ ફ્રોડમાં સીબીઆઈએ અત્યાર સુધી મુંબઈમાં પીએનબી બ્રાન્ચ સાથે જોડાયેલા 13 જેટલા અધિકારીઓની ધરપકડ કરી છે. 

એડવાઈઝરીમાં સીવીસીએ શું કહ્યું?
સીવીસીએ મંગળવારે બેંકો માટે એડવાઈઝરી જારી કરી હતી. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું હતું કે એક જ જગ્યા પર અનેક વર્ષો સુધી તહેનાતીથી કૌભાંડમાં મદદની આશંકા દેખાય છે. તેમાં કહેવાયું હતું કે 21 ફેબ્રુઆરી સુધીમાં 3 વર્ષથી વધુ સમય માટે એક જ પોસ્ટ અને બ્રાન્ચમાં તહેનાત બેંક ઓફિસર અને 5 વર્ષથી વધુ એક જ બ્રાન્ચમાં કામ કરી રહેલા ક્લાર્કોની એક યાદી બનાવવામાં આવે. ત્યારબાદ બદલીનો સિલસિલો શરૂ થશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news