RBI MPC Meeting: રેપો રેટ પર શું લેવાયો નિર્ણય? તમારો લોનનો હપ્તો વધશે કે ઘટશે? તમામ વિગતો જાણો

RBI Repo Rate: ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આજે MPC બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે જાહેરાત કરી છે જે મુજબ રેપો રેટમાં કોઈ ફેરફાર કરાયો નથી. હવે આ રેપોરેટ કઈ રીતે તમારા ઈએમઆઈ પર અસર કરતો હોય છે તે ખાસ જાણો. આ નિર્ણયની ઈએમઆઈ પર શું અસર થશે તે પણ જાણો. 

RBI MPC Meeting: રેપો રેટ પર શું લેવાયો નિર્ણય? તમારો લોનનો હપ્તો વધશે કે ઘટશે? તમામ વિગતો જાણો

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મૌદ્રિક નીતિ સમિતિ (MPC) ની બેઠકના પરિણામોની જાહેરાત કરાઈ છે. ગવર્નર શક્તિકાંત દાસે 8 ઓગસ્ટથી શરૂ થયેલી 6 સભ્યોની એમપીસી બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે જાણકારી આપતા જણાવ્યું કે આ વખતે પણ રેપોરેટમાં કોઈ ફેરફાર કરાયો નથી એટલે કે યથાવત રાખવામાં આવ્યો છે. જેનો અર્થ એ થયો કે રેપો રેટ 6.5 ટકા જ રહેશે અને હોમ લોન કે ઓટો લોનવાળા પર ઈએમઆઈનો બોજ વધશે નહીં. 

RBI ગવર્નર શક્તિકાંત દાસે રેપોરેટમાં કોઈ ફેરફાર ન કર્યા હોવાની જાહેરાત કરી તેની સાથે સાથે એવો દાવો પણ કર્યો કે ભારત યોગ્ય ટ્રેક પર આગળ વધી રહ્યું છે અને આવનારા સમયમાં તે દુનિયાનું ગ્રોથ એન્જિન બનશે. તેમણે કહ્યું કે આપણે દુનિયાની 5મી સૌથી મોટી ઈકોનોમી છીએ અને આપણી ઈકોનોમીમાં સતત ગ્રોથ ચાલુ છે. ભારત માટે હાલ ગ્લોબલ ઈકોનોમીમાં થઈ રહેલા ફેરફારનો ફાયદો ઉઠાવવા માટે સૌથી સારી સ્થિતિ છે. વૈશ્વિક વિકાસમાં ભારતીય અર્થવ્યવસ્થા લગભગ 15 ટકા યોગદાન આપે છે. 

ફેબ્રુઆરી મહિનાથી રેપોરેટમાં ફેરફાર નથી
દેશમાં મોંઘવારીના ઊચ્ચ સ્તરે પહોંચ્યા બાદ તેને નિર્ધારિત દાયરામાં પાછી લાવવા માટે રિઝર્વ બેંકે મે 2022 બાદથી સતત નવ વખત રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. આ સમયગાળામાં આ દર 250 બેસિસ પોઈન્ટ વધારવામાં આવ્યો હતો. જો કે મોંઘવારી પર કંટ્રોલ સાથે જ કેન્દ્રીય બેંકે તેમાં વધારા પર બ્રેક લગાવી દીધો અને ફેબ્રુઆરી 2023 બાદથી તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. એક્સપર્ટ્સ પણ એવી આશા રાખી રહ્યા હતા કે RBI રેપો રેટને સ્થિર રાખી શકે છે. આ અગાઉ એપ્રિલ અને જૂનમાં થયેલી બેઠકમાં પણ આ દરને સ્થિર રાખવામાં આવ્યા હતા. રિઝર્વ બેંકે રેપો રેટને સ્થિર રાખવાની સાથે જ આરબીઆઈએ એમએસએફ, બેંક રેટ 6.75 ટકા, જ્યારે એસડીએફ રેટને 6,25 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. 

— ANI (@ANI) August 10, 2023

રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2024માં GDP ગ્રોથ 6.5 ટકા રહેવાનું અનુમાન કર્યું છે. જ્યારે આગામી વર્ષ 2025ની એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથનું અનુમાન 6.6 ટકા રાખવામાં આવ્યો છે. શક્તિકાંત દાસે કહ્યું કે FY 24 ના પહેલા ત્રિમાસિકમાં રિયલ જીડીપી ગ્રોથ 8 ટકા રહી શકે છે.  

ટામેટાના ભાવે ચિંતા વધારી
એમપીસી બેઠકના પરિણામો જાહેર કરતા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે દેશમાં ટામેટાના વધતા ભાવનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ટામેટા સહિત અન્ય શાકભાજીના ભાવવધારાએ લોકોની સાથે જ પોલીસી મેકર્સની પણ ચિંતા વધારવાનું કામ કર્યું છે. તેમણે  કહ્યું કે જુલાઈ-ઓગસ્ટ મહિનામાં મોંઘવારી વધવાનું અનુમાન છે. શાકભાજીના વધતા ભાવથી મોંઘવારીમાં ઉછાળો શક્ય છે. રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2024 માટે રિટેલ મોંઘવારી દર 5.4 ટકા રહેવાનું અનુમાન રાખ્યું છે. જ્યારે આ અગાઉ તે 5.1 ટકા હતો. 

રેપો રેટ વધવાથી વધે છે ઈએમઆઈ
અત્રે જણાવવાનું કે રેપો રેટ એ એ વ્યાજદર છે જેના પર આરબીઆઈ બેંકોને કરજ આપે છે. જ્યારે રિવર્સ રપો રેટ એ વ્યાજદર હોય છે જેનાપર બેંકોને આરબીઆઈ પૈસા રાખવા બદલ વ્યાજ આપે છે. રેપો રેટ ઓછો થાય તો ઈએમઆઈમાં ઘટાડો થાય છે અને રેપો રેટ વધે તો તમારા ઈએમઆઈમાં પણ વધારો જોવા મળતો હોય છે. જ્યારે દેશમાં મોંઘવારી આરબીઆઈના નિર્ધારિત દાયરાથી બહાર જાય છે ત્યારે તેને ઓછી કરવાના હેતુથી રેપો રેટમાં વધારાનો નિર્ણય લેવાય છે. 

મોંઘવારી અને રેપો રેટમાં શું કનેક્શન
આરબીઆઈ મોંઘવારી દર પર કાબૂ મેળવવા માટે રેપોરેટ વધારે છે અને લોન મોંઘી થાય છે. લોન મોંઘી થવાથી ઈકોનોમીમાં કેશ ફ્લોમાં ઘટાડો થાય છે. તેનાથી ડિમાન્ડમાં પણ ઘટાડો થાય છે અને મોંઘવારી દર ઘટે છે. રેપો રેટ ઉપરાંત એક અન્ય હોય છે રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટ એ દર હોય છે જે મુજબ રિઝર્વ બેંક અન્ય બેંકોને થાપણો પર વ્યાજ આપે છે. જૂનમાં રિટેલ મોંઘવારી દર 4.8 ટકા હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news