નાની બચત યોજનાના રોકાણકારોને ભેટ, વ્યાજદરમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો, PPF ઈન્વેસ્ટરો ફરી થયા નિરાશ

PPF Interest Rate: પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ ( Public Provident Fund) ના વ્યાજદરમાં સરકારે કોઈ વધારો કર્યો નથી.
 

નાની બચત યોજનાના રોકાણકારોને ભેટ, વ્યાજદરમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો, PPF ઈન્વેસ્ટરો ફરી થયા નિરાશ

નવી દિલ્હીઃ Small Saving Rate Hike: નાણા મંત્રાલયે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર ઓક્ટોબરથી ડિસેમ્બર માટે નાની બચત યોજનાઓના વ્યાજદરોની જાહેરાત કરી દીધી છે. આ સમયગાળા માટે માત્ર પોસ્ટ ઓફિસની 5 વર્ષની રેકરિંગ ડિપોઝિટના વ્યાજદરોમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ યોજના સહિત કિસાન વિકાસ પત્રના વ્યાજદરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવાયો છે. 

20 બેસિસ પોઈન્ટનો વધારો
નાણા મંત્રાલયના આર્થિક મામલાના વિભાગે ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર માટે વ્યાજદરોની જાહેરાત કરી છે. 5 વર્ષની રેકરિંગ ડિપોઝિટના વ્યાજદરને 6.5 ટકાથી વધારી 6.7 ટકા કરી દેવામાં આવ્યો છે. વ્યાજદરોમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પોસ્ટ ઓફિસની અલગ-અલગ સમયગાળાની ડિપોઝિટ સ્કીમોના વ્યાજદરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ સ્કીમોના વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહીં
1 ઓક્ટોબર 2023થી લઈને 31 ડિસેમ્બર 2023 દરમિયાન સુકન્યા સમૃદ્ધિ યોજના પર 8 ટકા વ્યાજ મળશે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર 7.7 ટકા વ્યાજદર જાળવી રાખવામાં આવ્યો છે. કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરનારને 7.5 ટકા વ્યાજ મળશે અને તે 115 મહિનામાં મેચ્યોર થશે. સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં 8.2 ટકા વ્યાજદર આ ક્વાર્ટરમાં મળશે. પોસ્ટ ઓફિસની મંથલી ઇનકમ એકાઉન્ટ સ્કીમમાં રોકાણ પર 7.4 ટકા વ્યાજ મળશે. એક વર્ષની વેલિડિટીવાળી ડિપોઝિટ પર 6.9 ટકા, 2 વર્ષ માટે 7 ટકા, 3 વર્ષની ડિપોઝિટ પર 7 ટકા અને પાંચ વર્ષની ડિપોઝિટ સ્કીમ પર 7.5 ટકા વ્યાજ મળશે. 

પીપીએફ ઈન્વેસ્ટરોને નિરાશા
એકવાર ફરી પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ  ( Public Provident Fund)ના વ્યાજદરોમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને તેમાં ઈન્વેસ્ટરોને માત્ર 7.1 ટકાના દરે વ્યાજ મળશે. એપ્રિલ 2020 બાદથી પીપીએફના વ્યાજદરોમાં કોઈ ફેરફાર થયો નથી, જ્યારે આ દરમિયાન આરબીઆઈએ રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કર્યો છે. સરકારે દરેક બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કર્યો છે. પરંતુ પીપીએફમાં રોકાણ કરનાર ઈન્વેસ્ટરોને નિરાશા હાથ લાગી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news