Film Review: સેન્ટિમેન્ટના ટ્રેક પર બ્રેક વગર દોડતી પર્ફોર્મન્સ ટ્રેન એટલે હિચકી

વર્ષ 2014માં મર્દાની ફિલ્મમાં અભિનય આપીને બોલિવૂડની વન ઓફ ધ બેસ્ટ એક્ટ્રેસ રાની મુખર્જીએ બ્રેક લીધો પોતાના અંગત જીવન અને માતૃત્વ માટે. એ સાથે જ એમ ચર્ચાવા લાગ્યું કે કદાચ રાની મુખર્જી હવે સિલ્વર સ્ક્રીન પર પાછી નહી કરે પણ હિન્દી સિનેમાની આ સૌથી ટેલેન્ટેડ એક્ટ્રેસે હજુ અનેક દમદાર પર્ફોર્મન્સ આપવાના બાકી હતાં.

Film Review: સેન્ટિમેન્ટના ટ્રેક પર બ્રેક વગર દોડતી પર્ફોર્મન્સ ટ્રેન એટલે હિચકી

મુફદ્દલ કપાસી: બરાબર 9 વર્ષ પહેલાં હોલિવૂડમાં એક બેસ્ટસેલર બૂક પરથી મૂવી રિલીઝ થઇ. નામ હતું એનું 'ફ્રન્ટ ઓફ ધ ક્લાસ'. આ મૂવી લોકોને ખૂબ પસંદ પડી. મૂવીના લીડ મેલ કેરેક્ટર બ્રેડ કોહેનનું ફીમેલ બોલિવૂડ વર્ઝન એટલે મિસ.નૈના માથુર. ટુરેટ સિન્ડ્રોમ જેવા અત્યંત જટિલ ન્યૂરોસાયક્રિયાટીક ડિસઑર્ડરથી પીડાતા વાર્તાના મુખ્ય પાત્રને શરીરના ચોક્કસ મસલ્સ અંદરથી ઘુમ્બા માર્યા કરે અને એડકી આવતી હોય એ રીતે દર્દીને ફીલ થાય એ પ્રકારની આ બિમારી. વળી આ બિમારી હોવા છતાંય શિક્ષક બનવાની મહત્વાકાંક્ષા અને એ માટે કરવા પડતાં સંઘર્ષની ગાથા એટલે 'ફ્રન્ટ ઓફ ધ ક્લાસ' અથવા તો તેનું બોલિવૂડ વર્ઝન 'હિચકી'

વર્ષ 2014માં મર્દાની ફિલ્મમાં અભિનય આપીને બોલિવૂડની વન ઓફ ધ બેસ્ટ એક્ટ્રેસ રાની મુખર્જીએ બ્રેક લીધો પોતાના અંગત જીવન અને માતૃત્વ માટે. એ સાથે જ એમ ચર્ચાવા લાગ્યું કે કદાચ રાની મુખર્જી હવે સિલ્વર સ્ક્રીન પર પાછી નહી કરે પણ હિન્દી સિનેમાની આ સૌથી ટેલેન્ટેડ એક્ટ્રેસે હજુ અનેક દમદાર પર્ફોર્મન્સ આપવાના બાકી હતાં ! અને બરાબર 4 વર્ષ બાદ રાનીએ કમબેક કર્યું હિચકીથી. અને કમબેક પણ કેવું ? રાનીની પ્રતિભાના તમામ આયામને તપાસી લે તેવું. રાની મુખર્જી જેવી અદાકારા માટે આનાથી બેસ્ટ કમબેક હોય જ ન શકે. અન આઉટસ્ટેન્ડિંગ પર્ફોર્મન્સ !
      
ગમે ત્યારે ટપકી પડતી હિચકીના છેક બાળપણથી ચાલ્યા આવતા રોગ છતાં પણ શિક્ષક બનવાની ખેવના. અને એ જ હિચકીને લીધે 18-18 સ્કૂલે રિજેક્ટ કર્યાં બાદ જે સ્કૂલમાં કામ મળે છે ત્યાં સમાજના બહિષ્કારથી નઘરોળ, તોફાની અને આછકલા થઇ ગયેલાં 14 બાળકોને ભણાવવાનું મુશ્કેલ કામ. અને એ કામને સ્ટન્નિંગ સ્પિરીટથી અંજામ આપવાની અંદાજ-એ-રાની કોશિશ એટલે હિચકી ડિરેક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને લેખક અંકુર ચૌધરીએ આ અડેપ્ટેડ સ્ટોરીમાં શક્ય એટલાં દેશી લેયર્સ નાખવાના પ્રયાસ કર્યાં છે. શું હિચકી અવરોધ છે ? કે પછી હિચકી એક તક છે ? હિચકી કે પછી કોઇપણ શારિરીક-માનસિક ખોડખાપણને અડચણરૂપ ગણવા કે પછી દ્રઢ ઇચ્છાશક્તિ હોય તો એ જ અડચણ અવસર પણ બની શકે ?

Hichki movie review: Rani Mukerji powers a 'no-hiccup' ride

આ તમામ સવાલોના જવાબ બે કલાકના મનનીય ડ્રામામાં ડિરેક્ટર સિદ્ધાર્થે આપવા પ્રયાસ કર્યો છે. અહી નોટબૂકના છેલ્લાં પાને પોતાના આંતરિક ભયને લખીને તેને બલૂન બનાવી ઉડાવી દેવાનું ઉત્કૃષ્ટ દ્રશ્ય પણ છે. તો વિદ્યાર્થી અને શિક્ષક, વિદ્યાર્થી-વિદ્યાર્થી અને ભાઇ-બહેન વચ્ચેનું ઘોર તડકામાં પણ શીતળ જળ જેવું અનુભવાતું બોન્ડિંગ પણ છે. અહીં એક શિક્ષકને છાજે એવું જ વિરોધી પાત્ર પણ છે તો એક શાળામાં હોવું જ જોઇએ એવું પ્રિન્સીપાલનું સમજુ પાત્ર પણ છે.

બોલિવૂડ આ પહેલાં પણ શિક્ષક-વિદ્યાર્થીઓના કે પછી સ્કૂલ કેમ્પસના મૂળ વાર્તાબીજ સાથેની અનેક અફલાતૂન મૂવીઝ આપી ચૂક્યું છે. સાવ નજીકના ભવિષ્યમાં આવેલી તારે ઝમીં પર, સ્ટેનલી કા ડબ્બા અને નીલ બટ્ટે સન્નાટા એ પૈકીના કેટલાંક નામ છે. અહી જો કે મને આમિરની તારે ઝમીં પર અને વી.શાંતારામની દો આંખે બારહ હાથની યાદ અનાયાસે જ આવી ગઇ. વાર્તામાં આમ તો મુખ્ય પાત્રના જટિલ રોગ સિવાય ટ્વિસ્ટ અને ટર્નની કોશિશમાં કોઈ નાવીન્ય નથી પણ રાનીની જેમ જ તેમની 14 વિદ્યાર્થીઓની ટોળકીમાં હર્ષ માયર અને ઓરુનું પાત્ર ભજવતી અદાકારા યાદ અપાવે છે કે બોલિવૂડની પાસેના આ બધા એ મોતી છે જે હજુ છિપમાં છે અને સમય એને સ્ટારડમ નામની સૌંદર્યના ગળાની માળાના મોતી બનાવી શકે છે.

બોલિવૂડ મૂવીમાં ગમે ત્યાં આસમાન સે ટપકે અને ખજૂર પે અટકે જેવા ગીતોને જરૂર મુજબ ટાળવાની વાત હું છેલ્લાં કેટલાંક રિવ્યૂમાં લખતો આવ્યો છું..પણ જો વાર્તાના લેગો પેચમાં પરફેક્ટ ફીટ બેસતા હોય તો ગીત ભાર બિલકૂલ ન હોય શકે એ અહી તમે અનુભવી શકશો. ઓવરઓલ પ્રિડિક્ટેબલ સ્ટોરીલાઇન અને ઓછી સંભાવના ધરાવતા આ વાર્તાગુચ્છમાં પર્ફોર્મન્સના પુષ્પ એ હદે બ્રિલિયન્ટ અને રિજૂવનેટિંગ છે કે બે કલાકની આ ડ્રામા મૂવી તમને ક્યાંય નિરાશ નહી કરે. ખાસ તો રાનીના વન ઓફ ધ કરિયર બેસ્ટ પર્ફોર્મન્સ ઉપરાંત અહી ઘણું એવું છે જે ચૂકવુ તો ન જ જોઇએ.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news