એ ગુજરાતી સુપરહિટ ફિલ્મ, જેમાં સંજીવકુમાર અને ગાયક મુકેશના 'સજન મારી પ્રીતડી...' ગીતે મચાવી હતી ધમાલ
Gujarati Films: આ ગુજરાતી ફિલ્મ એ એક સત્ય ઘટના પર નવલકથા પર બનેલી ફિલ્મ છે. સંજીવકુમાર અને કાનન કૌશલ બંનેએ બોલીવુડમાં ઘણું કાઠું કાઢ્યું છે.આજકાલના ફટાફટ લવ અને પછી ફટાફટ બ્રેકઅપ થતા જમાનામાં આ પ્રેમકથા જોવી અને જાણવા જેવી છે.
Trending Photos
1970માં બનેલી આ ફિલ્મમાં હરીભાઈ જરીવાલા જેમને આપણે સંજીવકુમારના નામથી ઓળખીએ છીએ તેઓ અને કાનન કૌશલ મુખ્ય ભૂમિકામાં હતા. આ ઉપરાંત નરેશ કનોડિયા, ફિરોઝ ઈરાની, જમુના હિંગુ વગેરેએ પણ રંગ રાખ્યો. ફિલ્મનું દિગ્દર્શન ચંદ્રકાન્ત સાંગાણીએ કર્યું હતું. આ ફિલ્મ વિશે વાત કરીએ તો પ્રેમની પરાકાષ્ઠા અને ત્યાગની વાત દર્શાવે છે.
ફિલ્મનું સંગીત એ વખતે નરેશ-મહેશની બેલડીએ આપ્યું હતું. મુકેશના ધીર ગંભીર અવાજમાં ગવાયેલું સજન મારી પ્રીતડી....ગીત આજે પણ એટલું જ કર્ણપ્રીય છે. આમ તો ફિલ્મના બધા જ ગીતો ખુબ પ્રખ્યાત થયા હતા. પણ આ ગીતે તે વખતે ખુબ જ ધમાલ મચાવી હતી. એક તો સુંદર ગીત અને તેમાં પણ મુકેશનો અવાજ...ચાર ચાંદ લાગી ગયા. આ ઉપરાંત મન્નાડેના અવાજમાં પણ ગીત છે-ગગન ધતી પર્વત, પર્વત નિરંતર પ્રેમ વરસાવે...
હવે ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મનું નામ છે જીગર અને અમી. ચુનીલાલ વર્ધમાન શાહની નવલકથા જીગર અને અમી પર બનેલી ફિલ્મ. એક અમર પ્રેમ કથા કહી શકાય. રિયલ રાઈફ સ્ટોરી પરથી લખાયેલી એક નવલકથા. ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો જીગર (વિશ્વંભર) અને અમી (ચંદ્રાવલી) (સંજીવકુમાર અને કાનન કૌશલ) પર આ ફિલ્મ છે. સજન મારી પ્રીતડી ગીત સાથે ફિલ્મ શરૂ થાય છે અને પછી ફ્લેશબેકમાં ફિલ્મ ચાલ્યા કરે છે.
વાર્તા કઈક એવી છે કે આ બંને પ્રેમીઓ વ્હાલથી જીગર (હ્રદય) અને અમી(આંસુ) તરીકે એકબીજાને સંબોધન કરતા હોય છે. પારકી માતા જીયાથી આ બધુ સહન થતું નથી. દાદાની વસિયતમાં બધુ જીગર અને અમીના નામે હોય છે. એમાં પણ પાછું પારણું બંધાવાના સમાચાર મળે છે. ત્યારે કોઈ અઘોરીના ત્યાં જઈને તે વિષ લઈ આવે છે અને જીગરને મારવા માટે દૂધમાં ભેળવી પીવડાવવા તૈયાર કરે છે. આ ઝેરનો પ્યાલો અમી મોઢે માંડી લે છે. પ્રાણ છોડતા પહેલા જીગરને વચન આપે છે કે તે આ જીવનમાં જ તેને ફરીથી મળશે. શું જીગર અમીને મળે છે? મળી તો ક્યાં મળી અને શું તેઓ બંને એકબીજાને ઓળખી ગયા? આ જ ફિલ્મનો હાર્દ છે.
જીગર અને અમી ફિલ્મ એક સત્ય ઘટના પર નવલકથા પર બનેલી ફિલ્મ છે. સંજીવકુમાર અને કાનન કૌશલ બંનેએ બોલીવુડમાં ઘણું કાઠું કાઢ્યું છે. કાનન કૌશલનો મરાઠી સ્ટેજ અને ફિલ્મોમાં પણ ખુબ ડંકો વાગતો હતો. તેમની જય સંતોષી મા જેવી સુપરહિટ હિન્દી ફિલ્મને કોણ ભૂલી શકે. આજકાલના ફટાફટ લવ અને પછી ફટાફટ બ્રેકઅપ થતા જમાનામાં આ પ્રેમકથા જોવી અને જાણવા જેવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે