RRR ફિલ્મના ટ્રેલરમાં દર્શાવાયો ભારતનો પહેલો ત્રિરંગો! જાણો કેવી રીતે બદલાયો આપણો રાષ્ટ્રધ્વજ!
ટ્રેલરના એક દ્રશ્યમાં જુનિયર એનટીઆરના હાથમાં ત્રણ રંગનો ધ્વજ દેખાય છે. લીલા, પીળા અને લાલ રંગના આ ધ્વજમાં ફૂલ, ચંદ્ર અને સૂર્ય બનાવવામાં આવ્યા છે, જ્યારે વંદે માતરમ મધ્ય પીળી પટ્ટીમાં લખવામાં આવ્યું છે.
Trending Photos
નવી દિલ્લી: રામ ચરણ, જુનિયર એનટીઆર, અજય દેવગન અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ આરઆરઆર (RRR)નાં ટ્રેલરે રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી. આ ટ્રેલરે ઘણા રેકોર્ડ તોડ્યા છે. બાહુબલી ડિરેક્ટર એસ.એસ. રાજામૌલીની આ મોટી ફિલ્મની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. ટ્રેલરનાં એક સીનમાં જૂનિયર એનટીઆરના હાથમાં ત્રણ રંગનો ધ્વજ દેખાય છે. લીલા, પીળા અને લાલ રંગના આ ધ્વજમાં ફૂલ, ચંદ્ર અને સૂર્ય બનાવવામાં આવ્યા છે, જ્યારે વંદે માતરમ મધ્ય પીળી પટ્ટીમાં લખવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ ધ્વજ ભારતનો પહેલો ત્રિરંગો છે, જે 1906માં લહેરાવવામાં આવ્યો હતો. આ પછી તિરંગાનો રંગ સમયાંતરે બદલાતો રહ્યો અને સ્વતંત્ર ભારતમાં તિરંગાના રૂપમાં દેશને રાષ્ટ્રધ્વજ મળ્યો. ફિલ્મના ટ્રેલર પરથી સમજી શકાય છે કે, ફિલ્મની સ્ટોરી 1906ની આસપાસની છે. તો ચાલો જાણીએ આપણા ત્રિરંગાની સફર...
આપણા રાષ્ટ્રધ્વજની યાત્રા-
ભારતનો બિનસત્તાવાર પરંતુ પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ 7 ઓગસ્ટ 1906ના રોજ પારસી બાગન ચોક (ગ્રીન પાર્ક), કલકત્તા (હવે કોલકાતા) ખાતે ફરકાવવામાં આવ્યો હતો. આ ધ્વજ લાલ, પીળા અને લીલા આડી પટ્ટાઓથી બનેલો હતો.
1907માં પેરિસમાં મેડમ કામા અને તેમની સાથે કેટલાક ક્રાંતિકારીઓએ ભારતનો બીજો ધ્વજ ફરકાવ્યો હતો. તે આપણા પ્રથમ ધ્વજ જેવો જ હતો, પરંતુ તેની ટોચની પટ્ટી પર માત્ર એક જ કમળ અને સાત તારા હતા જે સપ્તર્ષિનું પ્રતિનિધિત્વ કરે છે. બર્લિનમાં આયોજિત સમાજવાદી પરિષદમાં પણ આ ધ્વજ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
ભારતનો ત્રીજો ધ્વજ 1917માં આવ્યો હતો અને તેને હોમ રૂલ ચળવળ દરમિયાન ડો. એની બેસન્ટ અને લોકમાન્ય ટિળકે ફરકાવ્યો હતો. આ ધ્વજમાં અન્ય સપ્તર્ષિના સાત તારાઓ સાથે 5 લાલ અને 4 લીલા આડા પટ્ટા હતા. ડાબી અને ઉપરની ધાર પર યુનિયન જેક હતો. વળી એક ખૂણામાં સફેદ અર્ધચંદ્રાકાર ચંદ્ર અને તારો હતો.
1921 માં પ્રથમ વખત ડિઝાઈન રજૂ કરવામાં આવી-
લગભગ 30 દેશોના રાષ્ટ્રધ્વજ વિશે પાંચ વર્ષ સુધી ઊંડાણપૂર્વક સંશોધન કર્યા પછી, પિંગાલી વેંકૈયાએ સૌપ્રથમ 1921માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પરિષદમાં રાષ્ટ્રધ્વજ વિશેનો તેમનો ખ્યાલ રજૂ કર્યો. ધ્વજના બે રંગ હતા - લાલ અને લીલો. તેઓ અનુક્રમે હિન્દુ અને મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા હતા. અન્ય ધર્મો માટે, મહાત્મા ગાંધીએ તેમાં સફેદ પટ્ટીનો સમાવેશ કરવાની વાત કરી હતી. આ સાથે, એવું પણ સૂચવવામાં આવ્યું હતું કે રાષ્ટ્રની પ્રગતિના સૂચક તરીકે, રેંટિયાને સ્થાન આપવાની વાત કરી હતી.
ભારતને 1931માં પાંચમો રાષ્ટ્રીય ધ્વજ મળ્યો-
1931માં, ભારતનો ચોથો રાષ્ટ્રીય ધ્વજ 10 વર્ષ સુધી અસ્તિત્વમાં રહ્યો. 1931માં ભારતને ફરી એકવાર નવો રાષ્ટ્રધ્વજ મળ્યો. ચોથા રાષ્ટ્રધ્વજની જેમ પાંચમા રાષ્ટ્રધ્વજમાં રેંટિયાનું મહત્ત્વનું સ્થાન છે. જોકે આ વખતે રંગોમાં બદલાવ જોવા મળ્યો હતો. રેંટિયાની સાથે સાથે કેસરી, સફેદ અને લીલા રંગનો પણ સંગમ જોવા મળ્યો હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આ ધ્વજને ઔપચારિક રીતે અપનાવ્યો હતો.
જ્યારે દરખાસ્ત પસાર કરવામાં આવી હતી-
એક દાયકા પછી, 1931માં, કેટલાક ફેરફારો સાથે ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. આમાં, મુખ્ય સુધારા હેઠળ, લાલ રંગની જગ્યાએ કેસરી રંગનો ઉપયોગ કરવામાં આવ્યો. હિન્દુ ધર્મમાં ભગવા રંગને હિંમત, બલિદાન અને ત્યાગનું પ્રતિક માનવામાં આવે છે. તે પછી, 22 જુલાઈ, 1947નાં રોજ, બંધારણ સભાએ તેને રાષ્ટ્રીય ધ્વજ તરીકે અપનાવ્યો. આઝાદી પછી, રાષ્ટ્રધ્વજ ભારતના ગૌરવનાં પ્રતિનિધિત્વનું પ્રતીક બની ગયું. જોકે, પાછળથી તેમાં રેંટિયાના બદલે સમ્રાટ અશોકના ધર્મચક્રને કેન્દ્રમાં રાખવામાં આવ્યું.
તિરંગામાં સમ્રાટના ધર્મચક્રનો અર્થ શું છે?
વાસ્તવમાં ત્રિરંગાની વચ્ચેનું ચક્ર સમ્રાટ અશોકની જીતનું પ્રતીક માનવામાં આવે છે. આ વાદળી રંગના ચક્રને ધર્મ ચક્ર પણ કહેવામાં આવે છે. જે ભારતની વિશાળ સરહદોનું પ્રતીક માનવામાં આવતું હતું, કારણકે અશોકનું સામ્રાજ્ય અફઘાનિસ્તાનથી બાંગ્લાદેશ સુધી વિસ્તરેલું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે