Pics: ગુજરાતના આ ભવ્ય મહેલમાં થયું હતું સલમાન-ઐશ્વર્યાની ફિલ્મનું શુટિંગ, ચાંદ છૂપા....ગીત યાદ છે?
સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશીત હિન્દી ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ 1999માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે તે વખતે તહેલકો મચાવી દીધો હતો. ફિલ્મમાં મુખ્ય કલાકારોમાં સલમાન ખાન, ઐશ્વર્યા રાય અને અજય દેવગણે જીવ રેડી દીધો હતો
Trending Photos
સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશીત હિન્દી ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ 1999માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે તે વખતે તહેલકો મચાવી દીધો હતો. ફિલ્મમાં મુખ્ય કલાકારોમાં સલમાન ખાન, ઐશ્વર્યા રાય અને અજય દેવગણે જીવ રેડી દીધો હતો. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના નાટક શીતલના કાંઠે પર આધારિત આ ફિલ્મ એક નવપરણિત વ્યક્તિની કહાની દર્શાવે છે જેમાં પત્ની કોઈ અન્યને પ્રેમ કરે છે અને પતિ પ્રેમીઓને ભેગા કરાવવાનું પ્રણ લે છે. ફિલ્મને મૈત્રેયી દેવીના બંગાળી ઉપન્યાસ ના હન્યતેના એક ઢીલા રૂપાંતરણ તરીકે પણ દર્શાવવામાં આવ્યું છે. જો કે ફિલ્મ આમ તો તેને એક સ્ત્રોત તરીકે શ્રેય આપતી નથી.
ફિલ્મનું શુટિંગ
ફિલ્મમાં અનેક નયનરમ્ય દ્રશ્યો તમને જોવા મળશે. ફિલ્મનું શુટિંગ વિદેશમાં હંગેરીના બુડાપેસ્ટ, ઉપરાંત ગુજરાત, રાજસ્થાનમાં પણ થયેલું હતું. આ ફિલ્મે જબરદસ્ત વકરો કર્યો હતો અને તે વખતે લગભગ 510 મિલિયન (US$6.4 મિલિયન)નો વકરો કર્યો હતો. આ સાથે જ વર્ષની સૌથી વધુ કમાણી કરારી ભારતીય ફિલ્મોમાંથી એક બની હતી. હવે તમને એમ થતું હશે કે આ ફિલ્મનું શુટિંગ ગુજરાતમાં ક્યાં થયું હતું. તો તમને જણાવી દઈએ કે કચ્છના માંડવીમાં આવેલા વિજય વિલાસ પેલેસમાં આ ફિલ્મનું શુટિંગ થયું હતું. જે ગુજરાતની એક ઐતિહાસિક ધરોહર છે.
વિજય વિલાસ પેલેસમાં થયું શુટિંગ
વિજય વિલાસ પેલેસ એ માંડવીનો એક રજવાડી મહેલ છે. માંડવીના સુંદર દરિયા કિનારે વૈભવતાના પ્રતિક જેવો આ મહેલ કચ્છની શાન ગણાય છે. મહેલનું નિર્માણ 1920માં જયપુરના કારીગરો દ્વારા થયું હતું. જેના કારણે આ મહેલના બાંધકામ પર રાજપૂત સ્થાપત્યની શૈલી પણ ઝળકે છે. મહેલમાં લાલ રેતાળ પથ્થરોનો ગુંબજ પણ છે. મહેલ અંદરથી જુઓ તો અદભૂત છે. રંગબેરંગી બારીઓ, દરવાજાઓ અને પ્રવેશદ્વાર પણ જબરદસ્ત છે. દરિયા કિનારે હોવાના કારણે હંમેશા હવા ઉજાસ પણ રહે છે.
સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના ચાંદ છૂપા બાદલ મે...ગીત, ખુબ લોકપ્રિય થયેલો ડિનર સીન વગેરે વિજય વિલાસ પેલેસમાં શૂટ થયા હતા. એટલું જ નહીં આ ઉપરાંત આર રાજકુમારનું ગીત સાડી કે ફોલ સા...નું શુટિંગ પણ અહીં થયેલું છે. હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મ જ નહીં પરંતુ આ સ્થળ જ એવું છે કે હિન્દી ફિલ્મોના શુટિંગ માટે મનગમતું સ્થળ બની ગયું છે. મહેલ હાલના સમયમાં હેરિટેજ હોટલમાં ફેરવવામાં આવી છે.
(માહિતી માટે સાભાર- ગુજરાત ટુરિઝમ, વિકીપીડિયા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે