સુરતમાં બેંક લુંટારુંઓ ઝબ્બે; ફિલ્મી ઢબે 13 લાખની કરી હતી દિલધડક લૂંટ, આ રીતે લૂંટનો ભેદ ઉકેલાયો
Surat News: સુરતના સચિન વિસ્તારમાં આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રમાં ધોળા દિવસે લૂંટારુઓ ત્રાટક્યા હતાં, જેમાં રૂપિયા 13 લાખની લૂંટ મચાવી ફરાર થઈ ગયા હતાં. જો કે, આરોપીઓને પોલીસ દબોચી લીધા છે
Trending Photos
ચેતન પટેલ/સુરત: સચિન સ્થિત વાંઝ ગામે આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રમાં થયેલી 13.26 લાખની લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઉતરપ્રદેશના રાયબરેલીથી કુખ્યાત ગેંગસ્ટર સહીત 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ બેંકમાં પ્રવેશી કર્મચારીઓને બંધક બનાવી પિસ્ટલ વડે ધોળા દિવસે લૂંટ ચલાવી હતી.
સુરતના સચિન સ્થિત વાંઝ ગામે બેંક ઓફ મહારાષ્ટ્ર આવેલી છે. ગત 11 ઓગસ્ટના રોજ સવારે 11.30 વાગ્યાના અરસામાં મોઢે રૂમાલ તેમજ હેલ્મેટ પહેરીને 5 જેટલા ઈસમો પિસ્ટલ, કટ્ટા જેવા હથિયાર વડે પ્રવેશ્યા હતા અને કર્મચારીઓ તેમજ ગ્રાહકોને બંધક બનાવી બેંકમાંથી કુલ 13.26 લાખની મત્તાની લૂંટ કરી બાઈક પર બેસીને ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયી હતી. તો બીજી તરફ બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી જઈને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. આ ચકચારી બનાવમાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ તપાસમાં જોડાઈ હતી.
દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે ઉતરપ્રદેશના ગેંગસ્ટર વિપિન સિંગ તેમજ તેની ગેંગ દ્વારા બેંક ઓફ મહારાષ્ટ્રમાં ધાડ કરવાની યોજના સાથે ઉતરપ્રદેશથી સુરત આવી બેંકની રેકી કરી હતી અને પલસાણા વિસ્તારમાં પોતાના ઓળખીતાઓ પાસે રોકાઈને ગુનાને અંજામ આપ્યા બાદ ઉતરપ્રદેશના રાયબરેલી ખાતે ભાગી ગયા છે. બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે રાયબરેલી ખાતે ગુપ્ત ઓપરેશન પાર પાડી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી અરબાજખાન શાનમહંમદખાન ગુજર [ઉ.21] વિપીંનસિંગ સોમેન્દ્રસિંગ ઠાકુર [ઉ.38] અનુજપ્રતાપસિંગ ધરમરાજસિંગ ઠાકુર [ઉ.21] અને ફૂરકાન અહેમદ મોહમંદ સેફ ગુજરની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 1.13 લાખ, પિસ્ટલ તેમજ રાઉન્ડ બે નંગ, મોબાઈલ ફોન મળી કુલ 1.58 લાખની મત્તા કબજે કરી હતી. પોલીસ તપાસમાં આરોપીઓએ [ઉ.21] લાખની રોકડ પીએનબી બેંક તીલ્લોઈમાં જમા કરાવ્યા છે અને ચોરી કરેલી બે બાઈક સચિન પોલીસે બિન વારસી કબજે કરી હતી.
ઝડપાયેલા આરોપી ગેંગસ્ટર વીપીનસિંગની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે પોતે 32 થી વધારે લૂંટ, ધાડ, આમર્સ એક્ટ ના ગુનામાં પકડાઈ ચુક્યો છે. અને દોઢ વર્ષ પહેલાં જ જેલમાંથી છૂટ્યો હતો. તેને વધારે પૈસાની જરૂર હોય તેણે લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. પોતે સાડીઓના છૂટક વેચાણનો ધંધો કરતો હોય તે અવાર નવાર સુરત ખાતે આવવાનું થતું હતું જેથી અહીંની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હતો. અને સુરતમાં લૂંટ કરવા માટે પોતાની સાથે અગાઉ લૂંટ તેમજ આર્મ્સ એક્ટમાં પકડાયેલા 4 માણસોને રાયબરેલીથી લૂંટ કરવા સુરત આવ્યા હતા.
દરમ્યાન આરોપીઓએ સુરત તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને કડોદરા તેમજ ભેસ્તાન વિસ્તારમાંથી બે બાઇકની ચોરી કરી હતી અને ચલથાણ વિસ્તારમાં જવેલર્સની દુકાન લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો અને રેકી કરી હતી પરંતુ ત્યાં લોકોની અવર જવર વધુ હોય પ્લાન નિષ્ફળ ગયો હતો. ત્યારબાદ વાંઝ ગામેથી પસાર થતા રસ્તામાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર આવી હતી અને ગ્રામ્ય વિસ્તાર હોય તેમજ બેંકની અંદર કર્મચારીઓની સંખ્યા ઓછી અને વોચમેન પણ ન હોય બેંકમાં લૂંટ કરવાનું નક્કી કર્યું હતું, અને બેંકની 3 થી 4 દિવસ સુધી રેકી કરી હતી.
ગત 10 તારીખે બપોરના સમયે બેંકમાં લૂંટ કરવાનું નક્કી કર્યું હતું, ત્યારે બેક પર જતાં ત્યાં લોકોની અવર જવર વધારે હોવાથી પ્લાન નિષ્ફળ ગયો હતો. ત્યારબાદ 11 ઓગસ્ટના રોજ બેંકમાં ગ્રાહકો અને કર્મચારીઓને પીસ્ટલ બતાવી બંધક બનાવી રોકડ રૂપિયાની ધાડ કરી હતી અને પોતાની લૂંટમાં ઉપયોગ કરેલ પીસ્ટલ આમેના હોસ્પિટલના પાર્કિંગમાં સંતાડી દીધી હતી અને ચોરી કરેલી બાઇક પણ ત્યાં જ મૂકી રિક્ષામાં બેસી કડોદરા ખાતે ભાગી ગયા હતા અને ત્યાથી રાયબરેલી ખાતે ભાગી ગયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે