CAB વિશે ઉશ્કેરણીજનક લખાણ લખનાર MSUનાં 5 વિદ્યાર્થીઓની ધરપકડ, 2 ફરાર
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા : દેશભરમાં નાગરિકતા બિલ નો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે વડોદરાની શાંતિમાં ભંગ થાય તે હેતુથી કેટલાક શખ્સોએ પોલીસ કમિશનરની કચેરી ઉપરાંત અલગ અલગ સ્થળો પર દીવાલ પર નાગરિકતા બિલ અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખ્યા હતા. જે મામલે વડોદરા પોલીસે સરકાર તરફે પોલીસ ફરિયાદ નોધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. જે મામલે પોલીસને મોટી સફળતા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ કેબ બિલ મુદ્દે ઉશ્કેરણીજનક લખાણ લખનારાઓને લાંબા સમયથી શોધી રહી હતી.
પોલીસે શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે દીવાલ પર લખાણ લખનારા એમ એસ યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીના પાંચ વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. બે ફરાર આરોપીઓને શોધખોળ હાથ ધરી છે. આરોપી વિદ્યાર્થીઓ શહેરની શાંતિ ડહોળવા ઇચ્છતા હતા અને તે હેતુ થી દીવાલો પર ઉશ્કેરી જનક લખાણ લખ્યું હોવાની પોલીસ પૂછપરછ માં કબૂલાત કરી. પોલીસે ફાઇન આર્ટસ ફેકલ્ટીના પુલકિત ગાંધી, રંજન વ્યાસ, રુચિર નાયર, આર્યન શર્મા, આયજીન જોનશન વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. જ્યારે ફરાર આરોપી રેનીલ અને રીષિ નાયરની શોધખોળ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસે સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે પરંતુ આરોપીઓના ફૂટેજ મીડિયામાં નથી આપ્યા. ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં ભણતા તમામ આરોપી વિદ્યાર્થી ગુજરાત બહારના છે. જેથી તેમને વડોદરાના કોઈ શખ્સ દ્વારા દોરવણી આપવાની શંકા પ્રબળ છે. વિદ્યાર્થીઓને ઉશ્કેરવા માટે જામિયા મિલિયા યુનિવર્સિટી સુધી કનેક્શન હોવાનુ સૂત્ર પાસેથી માહિતી મળી છે, તેમજ એમ એસ યુનિવર્સિટીના જ કેટલાક વિદ્યાર્થીઓ પણ સમગ્ર કાંડમાં સામેલ હોવાની ચર્ચા ઉઠી છે, ત્યારે પોલીસ જો આરોપી વિદ્યાર્થીઓની કડક પૂછપરછ કરે તો મુખ્ય ષડયંત્ર કારી સામે આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે