ગુજરાતમાં આવેલા છે આ 7 અદ્ભુત કિલ્લા, ઈતિહાસની સાથે થશે સાંસ્કૃતિક વારસાના દર્શન

ગુજરાતનો સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો વૈવિધ્યસભર છે. રાજ્યમાં મંદિરોથી લઈને મહેલો અને મસ્જિદો સુધી અનેક ઐતિહાસિક ઈમારતો આવેલી છે. રાજ્યમાં સાત એવા કિલ્લા પણ આવેલા છે, જે આજે પણ ઈતિહાસના દર્શન કરાવી રહ્યાં છે. 
 

ગુજરાતમાં આવેલા છે આ 7 અદ્ભુત કિલ્લા, ઈતિહાસની સાથે થશે સાંસ્કૃતિક વારસાના દર્શન

અમદાવાદઃ ગુજરાતને દરિયાકાંઠા સહિત અનેક ઔતિહાસિક વારસો મળેલો છે. ગુજરાતમાં મંદિરોથી લઈને ફરવાના અન્ય ઘણા સ્થળો પ્રસિદ્ધ છે. તેમ લાગે છે કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સુવર્ણ શબ્દોમાં લખવામાં આવ્યો હતો. આ એટલા માટે કારણ કે એક સમયે ગુજરાતમાં રાજાઓનું રાજ હતું. આ કારણે ગુજરાતમાં ઘણા વિશાળ અને ભવ્ય કિલ્લા પણ જોવા મળે છે. સમય પસાર થયો અને રાજાઓનું રાજ આઝાદી સાથે સમાપ્ત થઈ ગયું. પરંતુ તેમના દ્વારા બનાવવામાં આવેલા કિલ્લા આજે પણ મજબૂતીથી ભવ્ય ઈતિહાસના સાક્ષી છે. આજે અમે તમને ગુજરાતના 7 ભવ્ય કિલ્લાઓની માહિતી આપીશું. 

1. ભુજિયા ફોર્ટ, ભુજ
ગુજરાતના ભુજના બહારના વિસ્તારમાં સ્થિત આ ફોર્ટ ભુજિયા પર્વત પર બનેલો છે. આ કિલ્લાનું નામ સાપ એટલે કે ભુજંગના નામ પરથી રાખવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે અહીંના લોકો સાપ દેવતાની પૂજા કરતા હતા, જે તેની સુરક્ષા કરતા હતા. 1718 અને 1741 વચ્ચે બનીને તૈયાર થયેલા આ કિલ્લાનું નિર્માણ રાઓ ગોદજી પ્રથમે 1715માં શરૂ કરાવ્યું હતું. ત્યારબાદ કચ્છના દીવાન દિવાકરણ સેઠે સુરક્ષાને ધ્યાનમાં રાખી આ કિલ્લાનો વિસ્તાર કરાવ્યો હતો. કહેવામાં આવે છે કે એક સમય પર સિંધ અને મુગલ સેનાઓએ આ કિલ્લા પર આક્રમણ પણ કર્યું હતું. ત્યારે નાગા સાધુઓએ મંદિરમાં પ્રાર્થના કરવા માટે કિલ્લાના દરવાજા ખોલ્યા હતા. પરંતુ બાદમાં આ સાધુઓએ આ સેનાઓ સાથે યુદ્ધ કર્યું હતું. 2001માં આવેલા ભૂકંપને કારણે આ કિલ્લાને ખુબ નુકસાન પહોંચ્યું હતું પરંતુ તેમ છતાં આ કિલ્લો ગુજરાતના સૌથી મહાન કિલ્લામાંથી એક છે. 

2. રોહા ફોર્ટ, નખત્રાણા તાલુકો
ભુજથી લગભગ 50 કિમી દૂર નખત્રાણા તાલુકામાં સ્થિત રોહા ફોર્ટ મજબૂતી સાથે પોતાના ઈતિહાસનો પરિચય આપે છે. માત્ર 16 એકરમાં બનેલો આ કિલ્લો નાનો જરૂર છે, તેમ છતાં તેના ગૌરવશાળી ઈતિહાસને નજરઅંદાજ ન કરી શકાય. 1510થી 1585 વચ્ચે આ કિલ્લો રાવ ખેંગાજી પ્રથમના સામ્રાજ્ય દરમિયાન સૌથી મહત્વપૂર્ણ ભાગ હતો. અલાઉદ્દીન ખિલજીએ આ વિસ્તારમાં આક્રમણ દરમિયાન સામ્રાજ્યની 120 રાજકુમારીઓએ આ કિલ્લામાં શરણ લીધુ હતું. આ કિલ્લાનો ઔતિહાસિક વારસો ખુબ ખાસ છે. જો તમને પણ ઐતિહાસિક સ્થળો જોવામાં રસ હોય તો તમે તેની મુલાકાત લઈ શકો છો. 

3. ઉપરકોટ ફોર્ટ, જૂનાગઢ
જૂનાગઢ શાહી શહેર માત્ર તેની હવેલીઓ માટે જાણીતું નથી. જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો આ શહેરનું ગૌરવ બમણું કરે છે. ગુજરાતના ગિરનાર પર્વતમાળા પર બનેલો આ કિલ્લો મૌર્ય વંશ દરમિયાન બાંધવામાં આવ્યો હતો. જો કે, આ કિલ્લાનો મોટાભાગે ગુપ્ત અને ચુડાસમા સામ્રાજ્યના શાસકો દ્વારા ઉપયોગ થતો હતો. આ કિલ્લાની ભવ્યતા જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. કિલ્લાની આસપાસ લગભગ 70 ફૂટ ઉંચી દિવાલ છે જે કિલ્લાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી. કિલ્લામાં પ્રવેશવા માટે કુલ ત્રણ રસ્તાઓ છે. આ કિલ્લામાં 1450 ના સમયના કેટલાક મહત્વપૂર્ણ સ્મારકો અને તોપો પણ રાખવામાં આવી છે. એકંદરે જો તમે ઈતિહાસના શોખીન હોવ તો તમારે જૂનાગઢનો આ કિલ્લો ચોક્કસ જોવો જોઈએ.

4. કંઠકોટ ફોર્ટ, કચ્છ
ગુજરાતના સૌથી પ્રાચીન કિલ્લામાંથી એક કંઠકોટ કિલ્લો રોહા ફોર્ટથી પણ જૂનો છે. આ વિશાળ કિલ્લો એક વીરાન પહાડ ઉપર બનેલો છે. આ કિલ્લાનો ગૌરવશાળી ઈતિહાસ તમને જૂના જમાનામાં લઈ જાય છે. આ કિલ્લો ઘણા સમય સુધી કાઠી શાસકોની રાજધાની હતો. બહારથી જોવા પર ખ્યાલ આવે છે કે તે સમયે આ કિલ્લાને બનાવવા પાછળ શું કારણ રહ્યું હતું. કિલ્લાનો ભવ્ય દરવાજો જોઈ તમે દંગ રહી જશો. આ કિલ્લાની અંદર એક સ્ટેપવેલ પણ છે. આ સાથે અહીં ત્રણ મંદિરોનો સમૂહ છે જે કંઠદાતાને સમર્પિત છે. આ કિલ્લો જે પહાડ પર બનેલો છે તે પણ ખુબ સુંદર છે. કિલ્લા સુધી જવાનો માર્ગ પણ ખુબ આકર્ષક છે. 

5. પાવાગઢ ચાંપાનેર ફોર્ટ, ચાંપાનેર
વડોદરાથી લગભગ 46 કિલોમીટર દૂર પર સ્થિત પંચમહાલ જિલ્લાનું પાવાગઢ હિન્દુઓના મુખ્ય ધાર્મિક સ્થળમાં સામેલ છે. આ પાવાગઢમાં આવેલો છે ચાંપાનેર કિલ્લો. 
જેની ગણતરી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં પણ થાય છે. આ કિલ્લો ચાંપાનેરના ચાંપાનેર પાવાગઢ પાર્કમાં બનેલો છે, જે ઐતિહાસિક દ્રષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ શહેર છે. ચાંપાનેરની સ્થાપના 8મી સદીમાં પ્રચલિત ચાવડા વંશના શક્તિશાળી રાજા વનરાજ ચાવડાએ કરી હતી. દૂરથી પાવાગઢ કિલ્લો એક મોટા મહેલ જેવો દેખાય છે. પરંતુ જ્યારે તમે અંદર જશો, ત્યારે તમે આ સ્થળના ઐતિહાસિક વારસાને વધુ સારી રીતે સમજી શકશો.

6. તેરા ફોર્ટ, કચ્છ
ગુજરાતમાં આવેલા તમામ કિલ્લાઓમાં એક છે કચ્છનો તેરા ફોર્ટ, જેનું નિર્માણ 18મી સદીમાં જાડેજા શાસકોએ કરાવ્યું હતું. કચ્છના તેરામાં બનેલો આ કિલ્લો ભુજથી આશરે 84 કિમી દૂર છે. આમ તો કચ્છ રણ ઉત્સવ માટે જાણીતું છે. પરંતુ ખુબ ઓછા લોકો જાણે છે કે બાકી ગુજરાતની જેમ કચ્છમાં પણ ઈતિહાસથી જોડાયેલા કિલ્લા અને સ્મારકોની ભરમાર છે. તેરા ફોર્ટ તેમાંથી એક છે. કિલ્લો વિશાળ હોવાની સાથે ખુબ સુંદર છે. કચ્છ ફરવા જવાનું થાય તો આ કિલ્લાની જરૂર મુલાકાત લેવી જોઈએ. 

7. ધોરાજી ફોર્ટ, રાજકોટ
ધોરાજી ફોર્ટનો ઈતિહાસ લગભગ 1755ના સમયથી શરૂ થાય છે. રાજકોટ નજીક આવેલા આ કિલ્લાની અંદર એક રાજમહેલ પણ છે. બરબારગઢ ધોરાજી ફોર્ટની અંદર બનેલા ત્રણ માળના મહેલનું નામ છે, જેનું નિર્માણ ખુબ સુંદર રીતે કરાવવામાં આવ્યું છે. કિલ્લામાં દાખલ થવા માટે ચાર મોટા અને ત્રણ નાના દરવાજા છે. મોટા દરવાજાના નામ પણ એકદમ શાહી અંદાજમાં રાખવામાં આવ્યા છે- કાઠિયાવાડી દરવાજા, પોરબંદર દરવાજા, હલાર દરવાજા અને જૂનાગઢ દરવાજા. તેની વિશેષતા એ છે કે કારણ કે આ કિલ્લાની અંદર એક મહેલ છે, તેથી તમને અહીંની શાહી જીવનશૈલી જોવા મળે છે. જો તમે ઈતિહાસના શોખીન છો પણ જૂના સમયનું શાહી વાતાવરણ જોવા માંગતા હો તો તમારે ધોરાજી કિલ્લાની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news