આ યુવા ફોટોગ્રાફરને છે ગજબનો શોખ! છેલ્લાં 8 વર્ષથી 100થી વધુ વિન્ટેજ કેમેરાનું ભેગું કર્યું છે કલેક્શન

ભુજના યુવાને છેલ્લાં 8 વર્ષોથી 100થી પણ વધુ વિન્ટેજ કેમેરાનું કલેક્શન કર્યું છે અને હજી પણ જૂના જમાનાના કેમેરાઓ શોધીને તેને પોતાના કલેકશનમાં સાચવી રહ્યો છે.

આ યુવા ફોટોગ્રાફરને છે ગજબનો શોખ! છેલ્લાં 8 વર્ષથી 100થી વધુ વિન્ટેજ કેમેરાનું ભેગું કર્યું છે કલેક્શન

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: હાલમાં લોકોને જુદી જુદી ચીજવસ્તુઓનું કલેક્શન કરવાનો ગજબનો શોખ હોય છે કોઈ જુદાં જુદાં દેશના સિક્કાઓનું કલેક્શન કરે તો કોઈ જૂના જમાનાના સિક્કાઓ, બાકસની છાપો, રમકડાં, ટિકિટો, મનપસંદ કાર્ટૂન કેરેક્ટરના નોવેલની જુદી જુદી એડિશનનું તો કોઇકને antique ચીજવસ્તુઓનું કલેક્શન કરવાનો શોખ હોય છે ત્યારે ભુજના યુવાને છેલ્લાં 8 વર્ષોથી 100થી પણ વધુ વિન્ટેજ કેમેરાનું કલેક્શન કર્યું છે અને હજી પણ જૂના જમાનાના કેમેરાઓ શોધીને તેને પોતાના કલેકશનમાં સાચવી રહ્યો છે.

ફોટોગ્રાફી એક એવી કળા છે જે ઘણા દાયકાઓથી લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે. કચ્છના લોકો ઘણા દાયકાઓથી આ કલા સાથે જોડાયેલા છે. કચ્છના એક યુવા ફોટોગ્રાફરે આ કળાની સાથે સાથે કેમેરા કલેકશનનો અનોખો શોખ વિકસાવ્યો છે. અત્યાર સુધીમાં તેણે 100થી વધુ વિન્ટેજ કેમેરાનું કલેક્શન કર્યું છે. ભુજના ઝેનુલ સિદ્દીને છેલ્લાં 8 વર્ષથી અવનવા વિન્ટેજ કેમેરાનું કલેક્શન કરવાનો શોખ છે. 

No description available.

પોતાના કેમેરા પ્રત્યેના પ્રેમ અંગે વાતચીત કરતા ઝેનુલ સિદ્દીએ જણાવ્યું હતું કે, વર્ષ 2015થી આ જૂના જમાનાના કેમેરા એકત્રિત કરવાનો શોખ કેળવ્યો છે.જેમાં આજે તેની પાસે જુદી જુદી કંપનીઓના વર્ષ 1855 થી અત્યાર સુધીના વિવિધ કેમેરા મોડેલ સંગ્રહિત કરવામાં આવ્યા છે.કોલેજના સમયથી જ ઝેનુલને ફોટોગ્રાફી કરવાનો શોખ હતો અને તે મોબાઈલમાં ફોટોગ્રાફી કરતો હતો.મોબાઈલમાં જ સારી ફોટોગ્રાફી કરવા લાગ્યો હતો તે જોઈને તેના કાકા કે જેમને એન્ટિક વસ્તુઓનો સંગ્રહ કરવાનો શોખ છે તેમણે ઝેનુલને બે કેમેરા આપ્યા અને ત્યાર બાદ ઝેનુલને પણ કેમેરા એકત્રિત કરવાનો શોખ જાગ્યો.

ઉપરાંત કોલેજ કાળ દરમિયાન લાઇબ્રેરી તેમજ અન્ય જાહેર જગ્યાઓ પર યોજાતા એકશીબિશનમાં ઝેનુલ એક વખત વિન્ટેજ કેમેરાનું કલેક્શન જોવા ગયો હતો અને તેને ઉત્સુકતામાં એક કેમેરો જોવા માટે હાથમાં લઇ લેતા કેમેરા કલેક્શન કરનાર વ્યક્તિએ ઝેનુલ પર ખિજાયા હતા ત્યાર બાદ ઝેનુલે વિચાર્યું કે આ વ્યક્તિ કલેક્શન કરી શકે છે તો હું પણ શા માટે ના કરી શકું ત્યાર બાદ તેણે તેના કાકા સાથે મળીને વિન્ટેજ કેમેરાનું કલેક્શન કરવાનું શરુ કર્યું હતું.

શરૂઆતના સમયમાં તેની પાસે 20થી 25 જેટલા વિન્ટેજ કેમેરાનું કલેક્શન હતું જે આજે વધીને 100થી પણ વધુ પહોંચી ગયું છે. તેની પાસે તમામ પ્રકારના જૂના કેમેરા છે જેમાં વાઈડ એંગલ, મીરર લેસ, વિડિયો કેમેરા, બોક્સ કેમેરા, ચાવીવાળા કેમેરા, પોલારાઇડ કેમેરા વગેરે જેવા કેમેરા છે.નેગેટિવ ફિલ્મને ધોયા બાદ તસવીરો મળે તેવા કેમેરા પણ છે તે રોલવાળા કેમેરા, કેસેટ વાળા કેમેરા પણ તેના કલેકશનમાં છે.

No description available.

ઝેનુલ પાસે રહેલા કેમેરાની કંપનીઓની વાત કરવામાં આવે તો યાશિકા, નિકોન, કોડાક, ફૂઝિફિલ્મ, સિમ્પેક્ષ, પ્રેક્ટીકા, બોલેક્ષ,રોલીફ્લેક્ષ, ઓલમપિયા, ઓલમપસ, ફોકસ, સોની , ઇસોલી, કલરબ્રસ્ટ વગેરે જેવી વિવિધ દેશી વિદેશી કંપનીઓના કેમેરાનું કલેક્શન છે. ઝેનુલ પાસે જાપાન, કોરિયા, અમેરિકા, યુએસએ, ફ્રાન્સ, ઈંગ્લેન્ડ, જર્મની વગેરે દેશોના કેમેરા છે. લાખોની કિંમતના વિન્ટેજ કેમેરાનું કલેક્શન આ યુવા ફોટોગ્રાફર દ્વારા કરવામાં આવ્યું છે.

100થી પણ વધુ વિન્ટેજ કેમેરાનું કલેક્શન ખરીદવા માટે પણ ઝેનુલ અનેક લોકો ઑફર કરતા હોય છે પણ તેને આજ દિવસ સુધી એક પણ કેમેરા વહેંચ્યો નથી અને વધુને વધુ કેમેરા સંગ્રહિત કરતો જાય છે.તેની પાસે રહેલા વિન્ટેજ કેમેરા મોટે ભાગે ચાલુ કન્ડીશનમાં છે, પરંતુ તેમાં લાગતા રોલ અને અન્ય ઇકવિપમેન્ટ બનવાના બંધ થઈ ગયા છે. ઝેનુલનું કેમેરા પ્રત્યેનો પ્રેમ અને વિન્ટેજ કેમેરાનું કલેક્શન જોઈને અનેક લોકો દંગ રહી જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news