શેઠની શીખામણ ઝાંપા સુધી! પોલીસ અધિકારીઓનો જ DGPના પરિપત્રનો ઉલાળિયો: રિયાલિટી ચેકમાં મોટો ઘટસ્ફોટ

DGPની સૂચના અંગે ZEE 24 કલાકનું રિયાલિટી ચેક કરલામાં આવ્યું હતું. જેમાં ખૂદ પોલીસ અધિકારીઓએ જ DGPના પરિપત્રના ધજાગરા ઉડાવ્યા હતા. અમદાવાદ, મોરબી, પંચમહાલમાં ગાડી પર પોલીસ લખેલું હોવા છતાં દંડ કરાઈ રહ્યો નથી. 

શેઠની શીખામણ ઝાંપા સુધી! પોલીસ અધિકારીઓનો જ DGPના પરિપત્રનો ઉલાળિયો: રિયાલિટી ચેકમાં મોટો ઘટસ્ફોટ

ઝી બ્યુરો/અમદાવાદ: હવેથી ગુજરાત પોલીસના કર્મચારીઓ કે અધિકારીઓ ટુ વ્હીલરમાં સવારી કરે ત્યારે હેલ્મેટ નહીં પહેરે તો દંડ થશે. એટલું જ નહીં પોલીસ યુનિફોર્મ પહેરીને ત્રણ સવારીમાં ટુ વ્હીલર પર જતા પોલીસ કર્મચારીઓ પણ હવેથી દંડાશે.  ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા નાગરિકો પર રોફ જમાવતા  પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ માટે ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે વધુ એક પરિપત્ર જાહેર કર્યો હતો. પરંતુ પરિપત્રના બીજા દિવસે જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે DGPના પરિપત્રને પોલીસ અધિકારીઓ ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ અધિકારીઓએ જ DGPના પરિપત્રના ધજાગરા ઉડાવ્યા હતા. અમદાવાદ, મોરબી, પંચમહાલમાં ગાડી પર પોલીસ લખેલું હોવા છતાં દંડ કરાઈ રહ્યો નથી. 

અમદાવાદમાં ZEE 24 કલાકનું રિયાલિટી ચેક
અમદાવાદમાં DGPની સૂચના અંગે ZEE 24 કલાકનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. ટ્રાફિકના નિયમોના પાલન અંગે રિયાલિટી ચેક હાથ ધર્યું હતું. જેમાં પોલીસ અધિકારીઓએ જ DGPના પરિપત્રના ધજાગરા ઉડાવ્યા હતા. અમદાવાદ, મોરબી, પંચમહાલમાં ગાડી પર પોલીસ લખેલું હોવા છતાં દંડ કરાઈ રહ્યો નથી. શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનમાં રિયાલિટી ચેક કર્યુ. જેમાં પાર્કિગમાં P અને પોલીસ લખેલી કાર જોવા મળી હતી. એટલું જ નહીં, બ્લેક ફિલ્મ લગાવેલી ખાનગી કાર પણ પાર્કિંગમાં જોવા મળી હતી. પાર્કિગમાં પોલીસનું પાટિયું લખેલી કાર પણ કેમેરામાં કેદ થઈ હતી. DGPની સૂચના છતાં પણ કર્મચારીઓ, અધિકારીઓ નિયમ ના પાળતા હોવાનું સામે આવ્યું છે. શું આવા કર્મચારીઓ અને અધિકારીઓ નિયમોનું પાલન કરાવશે?

— Zee 24 Kalak (@Zee24Kalak) August 19, 2023

પંચમહાલમાં રિયાલિટી ચેકમાં સરેઆમ ભંગ
રાજ્ય પોલીસ વડાએ ટ્રાફિક નિયમનના પાલન માટે આપેલી કડક સૂચનાઓ અંગે ઝી 24 કલાકે પંચમહાલમાં રિયાલિટી ચેક કર્યું. પંચમહાલના મુખ્ય મથક ગોધરાના તાલુકા પોલીસ મથકે રિયાલિટી ચેક કર્યું. પોલીસ મથકના પાર્કિંગમાં જ રાજ્ય પોલીસ વડાના આદેશનો સરેઆમ ભંગ દેખાઈ રહ્યો હતો. પોલીસ મથકના પાર્કિંગમાં જ પોલીસ અને P લખેલી બાઇક અને કાર જોવા મળી. બ્લેક ફિલ્મ લગાવેલી ખાનગી કાર અને પોલીસનું પાટિયું લખેલી કાર પણ જોવા મળી હતી.

મોરબીમાં પણ ટ્રાફિકના નિયમોનો ઉલાળો
મોરબીમાં ટ્રાફિકના નિયમો અંગે ZEE 24 કલાકનું રિયાલિટી ચેકમાં જિલ્લામાં પોલીસ જ ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કર્યો છે. DGPની સૂચના છતાં મોરબી જિલ્લામાં કોઈ અમલવારી જોવા મળી રહી નથી. પોલીસ કચેરીના પાર્કિંગમાં પોલીસના લોગોવાળા વાહનો જોવા મળ્યા. પોલીસ, GP, અને P લખેલા અનેક વાહનો જિલ્લામાં જોવા મળ્યા. પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ જ નિયમોનું પાલન કરતા નથી. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા અધિકારી નિયમોનું પાલન કરાવશે?

ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે (શુક્રવાર) ડીજીપીએ પરિપત્ર જાહેર કરીને કહ્યું હતું કે જે પોલીસ કર્મચારીઓ વર્દીમાં રીલ્સ બનાવવાની હરકત કરશે તેની સામે કડક કાર્યવાહી થશે અને તમામે સોશિયલ મીડિયાની આચારસંહિતાનું પાલન કરવું પડશે. તો વધુ એક પરિપત્ર જાહેર કરીને પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને સૂચના આપી છે કે, પોલીસકર્મીઓ ટુ વ્હીલર પર 3 સવારીમાં જતા પકડાય તો દંડાશે. ફોર વ્હીલરમાં સીટબેલ્ટ નહીં પહેર્યો હોય તેવા પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવાશે. વાહન પર P કે પોલીસ કે ચિહ્ન લગાવેલું હશે તો પણ પોલીસ કર્મચારીઓ  કે અધિકારીઓને દંડ થશે. તેમની કારમાં બ્લેક ફિલ્મ લગાવી હશે તો પણ કડકમાં કડક દંડ થશે.

જો તમે પોલીસ વિભાગમાં નોકરી કરો છો પરંતુ તમારા પોલીસ સ્ટેશન બહાર તમે તમારું વાહન આડેધડ રીતે પાર્ક કર્યું હશે તો પણ તમને દંડ થશે. જી હા...જનતાને નિયમો પાળવાનું કહેનારી પોલીસ હવે ખુદ દંડાશે. ડીજીપીએ જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે આપણે કાયદો પાળવાનો હોય છે અને જો આપણે જ તેને તોડવાનું કામ કરીશું તો જનતામાં પોલીસની છાપ છે એ સુધરવાના બદલે વધારે ખરાબ થશે. એટલા માટે થઈને નિયમો નહીં પાળનારા પોલીસકર્મીઓ હવે થઈ જાઓ સાવધાન. ટ્રાફિકના નિયમો માત્ર જનતા માટે નથી તમારે પણ પાળવા પડશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news