કચ્છના નાનકડા ગામે 3-ટી અપનાવી કોરોનાને માત આપી, હવે ગામ બન્યું 'કોરોના મુકત'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામે ત્રણ-ટીનો અભિગમ અપનાવી લડવા હાકલ કરી હતી. પ્રધાનમંત્રીની એ વાતને કચ્છના નાનકડા એવા વિરાણીયા ગામે બરાબરની ઝીલી લીધી અને તેના અસરકારક પરિણામો મળ્યા
Trending Photos
કચ્છ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામે ત્રણ-ટીનો અભિગમ અપનાવી લડવા હાકલ કરી હતી. પ્રધાનમંત્રીની એ વાતને કચ્છના નાનકડા એવા વિરાણીયા ગામે બરાબરની ઝીલી લીધી અને તેના અસરકારક પરિણામો મળ્યા. આ ત્રણ-ટી એટલે ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટ દ્વારા આ ગામે કોરોનાને માત આપી છે.
માત્ર 1000 જેટલી વસ્તી ધરાવતું નાનકડું વિરાણીયા ગામ અને અહીંના યુવા સરપંચ શક્તિસિંહ જાડેજા કોરોના સામે શરૂઆતથી જ સતર્ક હતા. અનેક પ્રતિબંધ અને મહેનત છતાં કોરોના ગામમાં પ્રવેશ્યો અને એક સમય એવો પણ આવ્યો કે ગામમાં પોઝિટિવ કેસની સંખ્યા 27 જેટલી થઈ ગઈ.
ત્યારે સરપંચ, ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ સતત કોરોનાને નાથવાના પ્રયત્નોમાં લાગી ગયા અને બધાએ સાથે મળી ત્રણ-ટી, ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટના અભિગમને અપનાવી તેનું અમલીકરણ શરૂ કર્યું. આખરે તેમનો આ જુસ્સો, જહેમત અને જનભાગીદારીએ રંગ રાખ્યો અને ટૂંક જ સમયમાં વિરાણીયા કોરોના મુક્ત બની ગયુ.
જોકે, કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા ગ્રામ પંચાયત દ્વારા અન્ય જરૂરી પગલાંઓ જેવાકે સ્વૈચ્છિક લોકડાઉન લદાયું, ગામમાં કોઇપણ ફેરિયાઓને પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યા. ગ્રામ પંચાયત દ્વારા પણ અવારનવાર માસ્ક વિતરણ, ગામમાં સેનેટાઈઝ કરવું, લોકોને ઉકાળાનું વિતરણ કરવાની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી.
ત્રણ-ટીના અભિગમમાં પહેલા ટ્રેસ અંતર્ગત આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયતે સંયુક્ત રીતે ઘરે ઘરે ફરીને આરોગ્ય સર્વે કર્યા. જેમાં થર્મલ ગન દ્વારા તાપમાન અને ઓક્સીમીટર દ્વારા ઑક્સિજનનું લેવલ માપવામાં આવ્યું. બીજા પગલાં ટેસ્ટ અંતર્ગત શંકાસ્પદ લક્ષણો જણાય તેવા લોકોના રેપિડ ટેસ્ટ અને જરૂર પડે તો આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યા.
જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેમની ત્રીજા પગલાં અંતર્ગત ટ્રીટમેન્ટ હાથ ધરાઈ. પોઝિટિવ દર્દીઓને ઘરે જ હોમકવોરન્ટાઈન કરી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. ગ્રામ પંચાયત દ્વારા અપનાવેલ ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટ એમ ૩-ટી અભિગમનું સારું પરિણામ મળ્યું. તમામ લોકો સ્વસ્થ બન્યા, કોઈને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન પડી કે નથી કોરોના ના કારણે કોઇ જાનહાની થઈ.
આ પણ વાંચો:- World Milk Day: આરએસ સોઢીએ પશુપાલકોને કહ્યું- તમે સમગ્ર વિશ્વના 700 કરોડ લોકોની જરૂરિયાત પુરી કરી
સરપંચ શક્તિસિંહ જાડેજા માને છે કે, નાનકડા ગામમાં 27 વ્યક્તિ સંક્રમિત થવા એ ગામ માટે આફત સમાન હતું. પણ, ગ્રામ પંચાયતે જે ત્વરિત પગલાં લીધા અને ગ્રામજનોએ પણ જે જાગૃતિ દાખવી અને સહકાર આપ્યો તેના થકી જ કોરોનાને મ્હાત આપવી શક્ય બની.
ગ્રામજનોની આરોગ્ય સુવિધા માટે નજીકના વાંકી ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટ માટે સંપૂર્ણ સહયોગ આપ્યો. બસ, આમ સરકાર, ગ્રામ પંચાયત અને ગ્રામજનો એ તમામના સહિયારા પ્રયાસથી કોરોના સામેનો આ જંગ જીતી નાનકડું વિરાણીયા ગામ કોરોના મુક્ત બન્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે