ગુજરાતમાં અનોખો ગોળ ગધેડાનો મેળો, યુવતીઓના હાથની યુવાનોને સોટીઓ ખાવાની અનોખી પરંપરા

અનેક આદિવાસી યુવકો હાથમાં ઢોલ લઈને ગામની વચ્ચોવચ્ચ એક સીમળાનાં ઝાડનું થડ રોપેલું હોય છે. જેને લીસ્સું કરવા માટે તેની છાલ કાઢી નાખવામાં આવે છે, અને તેની ટોચ પર એક ગોળ ભરેલી પોટલી લટકાડવામાં આવે છે.

 ગુજરાતમાં અનોખો ગોળ ગધેડાનો મેળો, યુવતીઓના હાથની યુવાનોને સોટીઓ ખાવાની અનોખી પરંપરા

હરિન ચાલીહા/દાહોદ: જિલ્લામાં એક અનોખો ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવે છે. જેમાં યુવતીઓ યુવકો પર સોટીઓનો મારો ચલાવે છે, તેમ છતાય યુવકો હિંમત દાખવીને ગોળ મેળવે છે. 

દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને ખુબ જ અનોખી રીતે આદિવાસીઓ હોળીનો તહેવાર મનાવતા હોય છે. આદિવાસી લોકોની પરંપરાઓ અને પ્રથાઓ પણ અનેરી જ હોય છે. એમાની જ એક પરંપરા એટલે કે ગોળ ગધેડાનો મેળો દાહોદ નજીક જેસાવાડા ગામે આ પરંપરાગત ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવે છે. આ મેળાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને આ અનોખા મેળાનો ભરપૂર આનંદ ઉઠાવે છે.

અનેક આદિવાસી યુવકો હાથમાં ઢોલ લઈને ગામની વચ્ચોવચ્ચ એક સીમળાનાં ઝાડનું થડ રોપેલું હોય છે. જેને લીસ્સું કરવા માટે તેની છાલ કાઢી નાખવામાં આવે છે, અને તેની ટોચ પર એક ગોળ ભરેલી પોટલી લટકાડવામાં આવે છે. આજુબાજુના તમામ ગામના યુવકો તથા યુવતીઓ આ સિમળાના ઝાડના થડની આજુબાજુ ઢોલ નગારા સાથે ફરે છે અને આદિવાસી નૃત્ય કરે છે. હાથમાં સોટીઓ લઈને યુવતીઓ નૃત્ય કરે છે અને ઉભેલા યુવકો પર સોટીઓનો મારો પણ ચલાવે છે.

જોકે આ રીતે ઢોલ વગાડીને નૃત્ય કરવાનું કેટલાય કલાકો સુધી ચાલે છે અને ત્યારબાદ શરૂ થાય છે, ખરો ખેલ... ગામના કુવારા યુવકો સિમળાના ઝાડના થડની આજુબાજુ ગોઠવાઈ જાય છે અને યુવતીઓ પણ હાથોમાં સોટીઓ લઈને આ યુવકોને ઘેરી લે  છે. જો કોઈ પણ યુવક આ થડ પર ચઢવાની કોશિશ કરે કે તરત જ યુવતીઓ સોટીઓનો અસહ્ય મારો ચલાવે છે અને તેમ છતાંય જો કોઈ યુવક ટોચ પર ચડીને ગોળની પોટલી મેળવી લે તો તેને મનપસંદ યુવતી સાથે લગ્ન કરવાનો મોકો મળે છે.

જોકે હાલ આ પ્રથા રહી નથી, પરંતુ વર્ષો પહેલા જે કોઈ યુવક ગોળની પોટલી લેવામાં સફળ નીવડે તે ગામની કોઈપણ યુવતી સાથે લગ્ન કરી શકતો હતો. હાલ તો ગોળ ગધેડાનો મેળો માત્ર મનોરંજન પુરતો જ રહ્યો છે.

આમ તો ગોળ ગધેડાનો મેળો રાજા રજવાડાઓના જમાંનાથી જ ચાલતો આવે છે કારણ કે એવી માન્યતા છે કે કોઈ વિરલો જ આટલી સોટીઓના માર વચ્ચે આ થડની ટોચ પર પહોચી શકે છે અને તે પોતાની પત્નીને તથા પરિવારને રક્ષણ આપી શકે છે. માટે આજે પણ આ વર્ષો જૂની પરંપરાને ટકાવી રાખવા માટે આ ગોળ ગધેડાના મેળાનું આયોજન કરવામાં આવે છે. જોકે આજે આ મેળા એ પોતાની જૂની અને આગવી પરંપરાઓ ભૂલી ગયો છે. પરંતુ આજે પણ આ મેળાને જોવા માટે લોકો દૂર દૂરથી અહીંયાં ઉમટી પડે છે. 

આજે આદિવાસી પરંપરાઓ ભૂલાઈ જવાની આરે છે, ત્યારે આ રીતના આયોજનથી ભાવી પેઢી પણ આધુનિકતાની દોડમાં પોતાની પરંપરા ના ભૂલે તેના માટેજ આવા આયોજનો થવા યોગ્ય પણ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news