ગુજરાત પાસે પહેલીવાર મોકો આવ્યો, જેમાં ભાજપ-કોંગ્રેસથી છુટકારો મેળવી શકે છે : રાઘવ ચઢ્ઢા

Gujarat Elections 2022 : આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ કાંકરેજ અને પાટણમાં આયોજિત વિશાળ જનસભામાં ભાગ લીધો... તેમણે કહ્યું, ગુજરાતની જનતા પાસે પહેલીવાર આવો મોકો આવ્યો છે, જ્યારે તેઓ ભાજપ-કોંગ્રેસથી છુટકારો મેળવી શકે છે... 8મીએ અમે માત્ર કોઈ પાર્ટીનું ભવિષ્ય નહીં બનાવીએ પરંતુ તમારા બાળકો અને પરિવારનું ભવિષ્ય બનાવીશું

ગુજરાત પાસે પહેલીવાર મોકો આવ્યો, જેમાં ભાજપ-કોંગ્રેસથી છુટકારો મેળવી શકે છે : રાઘવ ચઢ્ઢા

Gujarat Elections 2022 :ગુજરાતની ચૂંટણીમાં પોતાના વિજય રથ સાથે આગળ વધી રહેલી આમ આદમી પાર્ટી આજે ગુજરાતની જનતાની પ્રથમ પસંદ બની ગઈ છે. આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય નેતાઓથી લઈને કાર્યકર્તાઓ સુધી દરેક વ્યક્તિ ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે રાત-દિવસ કામ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મોટી જાહેર સભાઓ અને રેલીઓ કરી રહ્યા છે. આજે રાઘવ ચઢ્ઢાએ બનાસકાંઠાના કાંકરેજ અને પાટણમાં મોટી જનસભાઓમાં ભાગ લીધો હતો. આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત જનસભાઓમાં હજારો લોકોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકોના અભૂતપૂર્વ સમર્થનથી સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે ગુજરાતમાં પરિવર્તન આવવાનું છે.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, આજે ગુજરાત એક મહત્ત્વપૂર્ણ વળાંક પર આવીને ઊભું છે. આજે પહેલીવાર ગુજરાતની જનતા પાસે એક એવી તક આવી છે, જ્યારે તેમને ભાજપ-કોંગ્રેસથી છુટકારો મળી શકે છે અને એક ઇમાનદાર, શિક્ષિત અને કામ કરવાવાળી આમ આદમી પાર્ટીની સરકાર બનાવી શકે છે. દિલ્હીમાં 15 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીની સરકાર હતી. પરંતુ દિલ્હીની જનતાએ એકવાર પોતાનું મન બનાવી લીધું અને દિલ્હીમાંથી 15 વર્ષથી શાસન કરી રહેલી મજબૂત કોંગ્રેસ પાર્ટીને જડમૂળથી ઉખાડી ફેંકી. અને દિલ્હીના લોકોએ સ્વતંત્ર ભારતની સૌથી મોટી બહુમતી સાથે આમ આદમી પાર્ટીની સરકાર બનાવી.

એ જ રીતે પંજાબમાં 50 વર્ષ સુધી માત્ર બે પાર્ટીઓનું જ શાસન હતુ, કોંગ્રેસ અને અકાલી દળનું. પંજાબની જનતાએ પણ આ બંને પાર્ટીઓને મૂળમાંથી ઉખાડીને ફેંકી દીધું અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવી. ગુજરાત એક અલગ રાજ્ય બન્યું ત્યારથી, તેમાં 35 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટી અને 27 વર્ષ સુધી ભાજપની સરકાર રહી. ભાજપ કોંગ્રેસના એ શાસનમાં તેમના દીકરા, દીકરીઓ અને તેમના પરિવારના સભ્યો મોટા લોકો બની ગયા, મોટી મોટી ગાડીઓ અને હવેલીઓ બની ગઈ અને તેમના મોટા ઉદ્યોગો બની ગયા. પરંતુ સામાન્ય લોકોને, ગરીબોને અને ખેડૂતોને આ સરકારોને કંઈ આપ્યું નથી. ગુજરાતની જનતાએ કોંગ્રેસને 35 વર્ષ અને ભાજપને 27 વર્ષ આપ્યા છે. તો મારી વિનંતી છે કે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને 5 વર્ષ માટે એક મોકો આપીને જુઓ.

અત્યારે ગુજરાતના ખેડૂતોને પાણીની ગંભીર સમસ્યાઓ છે. આજે અહીંના ખેડૂતો પર ઘણું બધું દેવું છે. જે ખેડૂત આખા દેશનું ભરણપોષણ કરે છે, તે ખેડૂત પોતાના પરિવારને પણ ખવડાવી શકતો નથી, આવી પરિસ્થિતિ આવી ગઈ છે. આમ આદમી પાર્ટીએ વચન આપ્યું છે કે જ્યારે 8 ડિસેમ્બરે આમ આદમી પાર્ટીની સરકાર બનશે, ત્યારબાદ ગુજરાતના ખેડૂતોને ખેતી માટે વીજળી અને પુષ્કળ પાણી મળશે. આ સાથે ખેડૂતોને MSP ની કિંમત પર તેમનો પાક વેચવાની તક મળશે. આ સાથે સાથે ગુજરાતના દરેક પરિવારને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. ગુજરાતના દરેક બાળકને મફતમાં વિશ્વકક્ષાનું શિક્ષણ આપવામાં આવશે. ગુજરાતના તમામ લોકોને મફતમાં શ્રેષ્ઠ સારવાર આપવામાં આવશે. દવા-ઓપરેશન જો હજારો રુપિયાનો હોય કે લાખો રુપિયાનો હોય એ તમામ ખર્ચ સરકાર ઉઠાવશે, ગુજરાતની દરેક મહિલાને દર મહિને ₹1000નું સન્માન વેતન પણ આપવામાં આવશે. જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા માટે આ તમામ કામ કરશે ત્યારે ગુજરાતની જનતાને મોંઘવારીમાંથી મુક્તિ મળશે.

ભાજપવાળા કહે છે કે, ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર લાવો. જ્યારે ગુજરાતમાં 2014થી ડબલ એન્જિનની સરકાર છે. 2014માં ગુજરાતમાં પેટ્રોલ ₹60 પ્રતિ લિટર હતું, અત્યારે ₹100 પ્રતિ લિટર મળી રહ્યું છે. 2014માં ડીઝલની કિંમત ₹50 પ્રતિ લિટર હતી અને હવે તે ₹90 પર મળે છે. 2014માં LPG સિલિન્ડર ₹500માં મળતું હતું, અત્યારે તે ₹1060માં મળે છે. પહેલા દેશી ઘીનું પેકેટ 350 રૂપિયામાં મળતું હતું અને હવે તે 650 રૂપિયામાં મળે છે. 2014માં દૂધ ₹36 પ્રતિ લિટર હતું અને આજે દૂધ ₹60 પ્રતિ લિટર થઈ ગયું છે 2014માં પ્રાઇવેટ ડોક્ટર ₹300 લેતો હતો, આજે તે ₹800 લઈ રહ્યો છે. 2014માં સિંગ તેલનો એક ડબ્બો ₹1000માં મળતો હતો, અત્યારે તે ₹2800માં મળે છે છે. આ ડબલ એન્જિનની મોંઘવારીની સરકાર છે. આ બધી મોંઘવારી અને ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે જ અરવિંદ કેજરીવાલજીનો જન્મ થયો છે. અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી તમને મોંઘવારીમાંથી મુક્તિ અપાવશે અને દર મહિને લગભગ 30,000 સુધીનો લાભ આપશે.

ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે કે તેઓને ભ્રષ્ટ અને મોંઘવારીવાળી સરકાર જોઈએ છે કે પછી દર મહિને આશરે ₹30,000 નો ફાયદો કરાવનારી એક ઇમાનદાર કેજરીવાલ સરકાર જોઈએ છે જે છે. આવતા મહિને તમને એક મોકો મળશે. 8મી તારીખે આપણે માત્ર કોઈ પાર્ટીનું ભવિષ્ય નહીં બનાવીએ પરંતુ તમારા બાળકોનું અને તમારા પરિવારનું ભવિષ્ય બનાવીશું. હું અહીં પર ઝોલી ફેલાવીને એક મોકો માંગવા આવ્યો છું, હું ઈચ્છું છું કે તમે અરવિંદ કેજરીવાલજીને એક મોકો આપો. હું ઈચ્છું છું કે તમે અમારા ઉમેદવારને જીતાડીને ઘણા મતોથી વ્યક્ત કરો. મને પૂરી ખાતરી છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને જનભાગીદારીવાળી સરકાર બનશે.

Trending news