અમદાવાદમાં કોર્પોરેટરોને ભાજપના નેતાઓની જેમ પોસ્ટરોમાં ચમકવાનું શૂળ ચડ્યું, બજેટના 25 ટકા રૂપિયા ખર્ચી કાઢશે
Ahmedabad News : નવરંગપુરા વોર્ડમાં આવેલી સોસાયટીઓ અને ચાલીઓમાં કોર્પોરેટરોના નામ સાથેના લોખંડના બોર્ડ મુકવા રુપિયા ૩૭.૪૦ લાખનો ખર્ચ કરાશે
Trending Photos
Ahmedabad News : ખરેખર અમદાવાદના કોર્પોરેટરોની તો વાત ના થાય..... નામમાં શુ રાખ્યું છે? એવુ કહેનારાઓ અમદાવાદમાં ખોટા સાબિત થઈ રહયા છે. પ્રજાના કામ માટે ચૂંટાયેલા નેતાઓને પોતાની પ્રસિદ્ધિની એટલી બધી પડી છે કે પ્રજાના પરસેવાના રૂપિયા પાણીમાં વહી જાય તો પણ કંઈ પડી નથી. અમદાવાદ શહેરના વિવિધ વોર્ડમાંથી ચૂંટાઈને નગર સેવક બનેલા કોર્પોરેટરોને તેમના નામની પ્રસિધ્ધિ કરવાનો એકાએક શૂળ ચડયું છે. અમદાવાદના કોર્પોરેટરોને ત્રીસ લાખ રુપિયા વાર્ષિક બજેટ વોર્ડમાં વિકાસકામ માટે ફાળવવામાં આવે છે. નવરંગપુરા વોર્ડમાં આવેલી સોસાયટીઓ અને ચાલીઓમાં કોર્પોરેટરોના નામ સાથેના લોખંડના બોર્ડ મુકવા રુપિયા ૩૭.૪૦ લાખનો ખર્ચ કરાશે.
અમદાવાદ કોર્પોરેશન દ્વારા એક વોર્ડમાં ચાર કોર્પોરેટરોને વર્ષે ૧.૨૦ કરોડની રકમ વોર્ડના વિકાસકામ માટે ફાળવાય છે. એ હિસાબથી બજેટની ૨૫ ટકા રકમ તો કોર્પોરેટરો બોર્ડ મુકવા જ ખર્ચેી કઢાશે. અલ્યા ભાઈ વિકાસના કામો કરોને... એક વોર્ડમાં આટલા રૂપિયા બીજા કામમાં ફાળવશો તો કામ દેખાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અગાઉના વર્ષોમાં શહેરના વિવિધ વોર્ડમાંથી ચૂંટાઈને આવેલા કોર્પોરેટરોના બજેટમાંથી બાંકડા મુકવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. લોખંડના બોર્ડ મુકવા અંગે કોર્પોરેટરો દ્વારા ફાળવવામાં આવતા બજેટ અંગે પણ તપાસ કરવામા આવે તો મોટું કૌભાંડ બહાર આવી શકે એવી સંભાવના હોવાનું મ્યુનિ.વર્તુળોમાં ચર્ચાઈ રહયું છે.
આ પણ વાંચો :
અમદાવાદનો નવરંગપુરા વોર્ડ પંદર ચોરસ કિલોમીટરમાં આવેલો છે. આ વોર્ડમા અનેક સોસાયટીઓ અને ચાલીઓ આવેલી છે. આ સોસાયટીઓ અને ચાલીઓની બહારના ભાગમાં મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર કોર્પોરેટરોના નામ સાથેના લોખંડના બોર્ડ લગાવવા અંદાજિત પંચાવન લાખની કિંમતનુ ટેન્ડર બહાર પાડવામા આવ્યુ હતુ .ટેન્ડરમાં ત્રણ ઓફરદારોએ રસ બતાવ્યો હતો. જે પૈકી ૩૨ ટકા ઓછા ભાવ સાથે રુપિયા ૩૭.૪૦ લાખના ખર્ચથી ગણેશ ઈન્ફ્રાસ્ટ્રકચરને કામગીરી સોંપવા મંજુરી આપવામા આવી છે. આમ નવરંગપુરામાં તમે ક્યાંય પણથી નીકળશો તો સ્થાનિક કોર્પોરેટરના બોર્ડમાં જોવા મળશે.
કોર્પોરેટરના કામોમાં પણ ઘણીવાર સવાલો ઉઠતા હોય છે. તાજેતરમાં મળેલી મ્યુનિ.ની રોડ કમિટીની બેઠકમાં આ દરખાસ્તને મંજુરી આપવામાં આવી એ સમયે શહેરના વેજલપુર વોર્ડમાં આજ પ્રકારે ૨૭.૯૨ ટકા ઓછા ભાવથી રુપિયા ૧૪.૯૭ લાખના ખર્ચથી તથા પાલડી વોર્ડમા આ પ્રકારે લોખંડના કોર્પોરેટરોના નામના બોર્ડ મુકવા પાછળ રુપિયા ૧૯.૯૯ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. આમ છતાં કોર્પોરેટરો સુધરતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે