સોલંકી પરિવારનો કુળદીપક બુઝાયો; કોણ છે હિટ એન્ડ રન કરનારો નબીરો, કેવી રીતે કર્યો અકસ્માત?
અમદાવાદમાં વધુ એક હીટ એન્ડ રનની ઘટના સામે આવી જેમાં સોલંકી પરિવારનો એક કુળદીપક બુઝાઈ ગયો. ત્યારે કોણ છે હિટ એન્ડ રન કરનારો નબીરો? કેવી રીતે તેણે કર્યો અકસ્માત? આવા નરાધમો સામે કાયદામાં શું છે જોગવાઈ?
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: મહાનગર અમદાવાદમાં પૈસાદાર બાપના નબીરા બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. પોલીસની ઢીલી નીતિને કારણે આ નબીરાઓ રસ્તે જતા રાફદારીઓને મોતની નિંદ સુવડાવી રહ્યા છે. પોતાની મોંઘી દાટ ગાડી લઈને નીકળતા આ નરાધમો રોડ જાણે પોતાના બાપનો હોય તેમ ગાડી પુરપાટ ઝડપે હંકારે છે અને જે વચ્ચે આવ્યું તેને કચડીને જતા રહે છે. અમદાવાદમાં વધુ એક હીટ એન્ડ રનની ઘટના સામે આવી જેમાં સોલંકી પરિવારનો એક કુળદીપક બુઝાઈ ગયો. ત્યારે કોણ છે હિટ એન્ડ રન કરનારો નબીરો? કેવી રીતે તેણે કર્યો અકસ્માત? આવા નરાધમો સામે કાયદામાં શું છે જોગવાઈ?
- પૈસાદાર બાપના નબીરાનું ફરી કારસ્તાન
- મોંઘાદાટ ગાડીથી એક યુવકને કચડ્યો
- નરાધમે સોલંકી પરિવારનો કૂળદીપક બુઝાવી દીધો
- પોલીસની ઢીલી નીતિથી આશાસ્પદ યુવાને ગુમાવ્યો જીવ
- ક્યાં સુધી નબીરાઓના પાપે મરતા રહેશે સામાન્ય શહેરીજનો?
- હિટ એન્ડ રનના નવા કાયદા મુજબ થશે કાર્યવાહી?
જ્યારે કોઈ પરિવારનો કુળદીપક બુઝાઈ જાય ત્યારે જે વેદના હોય તે તો એ પરિવાર જ જાણી શકે છે. અમદાવાદના સોલંકી પરિવારના એક મા જ્યારે પોતાના જવાનજોધ પુત્રને ગુમાવે ત્યારે કેટલું દર્દ તેને થતું હશે?, અને પણ પાછુ કોઈના પાપે...શહેરના સિંધુભવન રોડ પર પૈસાદાર બાપના નબીરાને કારણે જયદીપ સોલંકી નામના યુવકનું મોત થયું. પુરપાટ ઝડપે પોતાની મોંઘીદાટ ગાડી લઈને આવેલા નરાધમ પ્રેમ માળીએ જયદીપને કચડી નાંખ્યો. અને તેના જ કારણે જયદીપની માતાના આંસુ સુકાતા નથી. પિતા પુત્રના મોતથી સ્તબ્ધ થઈ ગયા છે...પરિવારજનો આંસુઓ સારી રહ્યા છે...પરંતુ તેમનો કુળદીપક હવે ક્યારેય પાછો નથી આવવાનો...અને તેનું સૌથી મોટું કોઈ કારણ હોય તો તે પોલીસની ઢીલી નીતિ છે.
શહેરના સિંધુભવન રોડ પર થાર કાર લઈને નીકળેલા પ્રેમ માળી નામના મૂળ બનાસકાંઠાના આ નબીરાએ બાઈક લઈને જતાં જયદીપને કચડી નાંખ્યો...ટક્કર એટલી ભયાનક હતી કે મૃતક જયદીપ 100થી 200 મીટર સુધી ઢસડાયો હતો...અને ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો હતો...દ્રશ્યોમાં તેમને જે ભોળા ચહેરાવાળો યુવક જોવા મળી રહ્યો છે તે જ જયદીપ સોલંકીના મોત માટે જવાબદાર છે. પોલીસે જ્યારે તેની ધરપકડ કરી તો અમે તેની સાથે વાતચીત કરી. તેમાં તે પોતાની જાતને બચાવતા ગોળ ગોળ જવાબ આપતો જોવા મળ્યો હતો.
- હિટ એન્ડ રનથી હાહાકાર
- હિટ એન્ડ રનથી દર વર્ષે 50 હજાર લોકો મોતને ભેટે છે
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદની અંદર આપ્યો હતો
આરોપીની પોલીસ ધરપકડ તો કરી લીધી છે. તેની સામે કાયદાનો સકંજો પણ કસાશે પરંતુ અહીં સવાલ થાય છે કે પોલીસ આરોપીને એવી કોઈ સજા અપાવવાનો પ્રયાસ કરશે જેથી વારંવાર આવી ઘટનાઓ ન બને?...કારણ કે થોડા સમય પહેલા જ દેશની સંસદે હિટ એન્ડ રનના કેસમાં નવો કાયદો પસાર કર્યો છે. આ કાયદામાં આરોપીને 10 વર્ષની સજા અને સાત લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. નવા કાયદા પહેલા આરોપીને 2 વર્ષની જ સજાનું પ્રાવધાન હતું...હવે હિટ એન્ડ રન છે શું તે પણ તમે જાણી લો...તો કોઈ વ્યક્તિ પોતાના વાહનથી અન્યને ટક્કર મારીને ભાગી જાય તે હિટ એન્ડ રન છે.
ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 104 (1) અને કલમ 104 (2) માં હિટ એન્ડ રન સંબંધિત બે જોગવાઈઓ છે. પ્રથમ, જો કોઈ એકસીડન્ટ થાય અને કોઈનું મૃત્યુ થાય અને તમે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરો તો ડ્રાઈવર માટે 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. પરંતુ જો તમારું એકસીડન્ટ થાય અને તમે કોઈને જાણ કર્યા વિના તમારા વાહન સાથે ભાગી જાઓ તો તમારા પર કલમ 104(2) લાગુ કરવામાં આવશે, જેમાં 10 વર્ષની જેલની જોગવાઈ છે. આ ઉપરાંત 7 લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે.
હિટ એન્ડ રનના નવા કાયદામાં શું છે?
- આરોપીને 10 વર્ષની સજા અને 7 લાખ રૂપિયા સુધીના દંડ
- નવા કાયદા પહેલા આરોપીને 2 વર્ષની જ સજાનું પ્રાવધાન હતું
શું છે હિટ એન્ડ રન?
- કોઈ વ્યક્તિ પોતાના વાહનથી અન્યને ટક્કર મારીને ભાગી જાય તે હિટ એન્ડ રન
શું છે કાયદામાં જોગવાઈ?
- કલમ 104(1) અને 104(2)માં 2 જોગવાઈ
- જોગવાઈ 1- કોઈનું મૃત્યુ થાય અને પોલીસને જાણ કરો તો 5 વર્ષની સજા
- જોગવાઈ 2-કોઈને જાણ કર્યા વિના ભાગી જાઓ તો 104(2) મુજબ કાર્યવાહી
- તો 104(2) મુજબ 10 વર્ષની જેલ, 7 લાખ રૂપિયાનો દંડ
હિટ એન્ડ રન અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર દેશની સૌથી મોટી સમસ્યા કહી શકાય તેમ છે. કારણ કે સરકારી આંકડા મુજબ હિટ એન્ડ રનને કારણે દર વર્ષે 50 હજાર લોકો મોતને ભેટે છે. આ આંકડો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદની અંદર આપ્યો હતો. ત્યારે આપણે આશા રાખીએ અમદાવાદમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસ ઝડપી ચાર્જશીટ ફાઈલ કરે અને આરોપીને કડકમાં કડક સજા અપાવી એક દાખલો બેસાડે. જેનાથી નબીરાઓ પર થોડી લગામ લાગે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે